સૌરાષ્ટ્રમાં સર્વે/ 73 ટકા તરૂણોને સતાવી રહી છે એકલતા : 70 ટકા તરૂણોને ઘર છોડી ભાગી જવાનું મન થાય છે

આ સર્વેમાં કુલ 1170 તરુણો જેમાં 47.10% તરુણ અને 52.90% તરુણીઓ એ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આ સર્વેમાં ચોકાવનાર હકીકતો સામે આવી છે.

Top Stories Rajkot Gujarat
તરુણો

કોરોનાકાળના ૨ વર્ષના લાંબા સમય ગાળામાં વિદ્યાર્થીઓમાં સમાયોજનની અનેક સમસ્યાઓ નજરે ચડી છે. આજે સમાજમાં નાના બાળકો અને તરુણો માં આક્રમકતા અને સમાયોજનના અસંખ્ય કેસ જોવા મળે છે. કોરોના કાળે આપણને ઘણી નુકશાની આપી છે. જેમાં શારીરિક, આર્થિક કરતા માનસિક અને સંસ્કારગત નુકશાની ખુબ જ થઇ છે. શાળા કોલેજ ઓફલાઈન શરુ થયા પછી વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી શિક્ષક વચ્ચે અને ઘર પરિવારના સભ્યોમાં સમાયોજનના અસંખ્ય પ્રશ્નો ઉભા થયા છે. બાળકો અને તરુણો માં કેવા સમાયોજનના પ્રશ્ન થયા છે તે જાણવા હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની મોર ભારતીએ અધ્યાપક ડો. હસમુખ ચાવડાના માર્ગદર્શનમાં સર્વે કર્યો હતો. આ સર્વેમાં કુલ 1170 તરુણો  જેમાં 47.10% તરુણ અને 52.90%  તરુણીઓ એ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આ સર્વેમાં ચોકાવનાર હકીકતો સામે આવી છે.

આ સર્વેમાં પૂછવામાં આવેલ સવાલો અને જવાબો આ પ્રમાણે છે.

તમારા કુટુંબમાં વારેવારે માથાકૂટ થાય છે?

63.30% હા, 30.60% ક્યારેક ક્યારેક, 6.10% ના

તમને લાગે છે કે તમારા માતાપિતાનો વ્યવહાર તમારા વિકાસ માટે યોગ્ય છે?

85.70% ના

બે વર્ષ સતત ઘરે જ રહ્યા ત્યારે તમારી વર્તણુક બાબતમાં તમારા પરિવારના સભ્યો ભૂલ કાઢતા હતા? 60.30% હા

તમને પરિવારના સભ્યોની અંગત  ટેવો અડચણરૂપ લાગે છે?

62 % હા

તમારા પરિવારમાં કેવું વાતાવરણ છે?

35% આપખુદ શાહી, ૩૦.10% આદેશાત્મક, 25.30% સહકારયુક્ત અને રૂઢીચુસ્ત, 9.60% તારૂનો અમને અનુકુળ

તમારે પરિવારમાં મતભેદ થાય છે?

61% વારે વારે, 28.20%એ ક્યારેક ક્યારેક અને 10.80% ખુબ ઓછા

ઘરના સભ્યો સાથે અણબનાવને કારણે ઘર છોડી જતું રહેવાની ઈચ્છા થાય છે?

70.30% ઘણીવાર, 19.10% ક્યારેક ક્યારેક અને 10.60% ક્યારેય નહિ.

તમારા નજીકના સગા પ્રત્યે તિરસ્કાર કે ધ્રુણા અનુભવો છો?

65.70% હા કહી.

શિક્ષકો દ્વારા આપવામાં આવતી સુચનાથી અકળામણ અનુભવો છો?

75.70% હા

બે વર્ષના લાંબા સમયગાળાથી સતત ઘરમાં રહેવાના કારણે હવે અન્ય લોકો સાથે સમાયોજનમાં મુશ્કેલી અનુભવો છો ?

70% હા.

શું તમે તમારા માતાપિતાને તમારી અંગત વાતો શેર કરી શકો છો?

68.70% હા.

નાના કે મોટા ભાઈ – બહેન સાથે અનુકુળતા અનુભવો છો?

27.90% ઘરમાં જ અનુકૂળતા લાગતી નથી.

શું તમે તમારા ઘરમાં એકલતા અનુભવો છો?

73.30% તરૂણોએ હા કહી.

પહેલા જ્યારે કોરોનાના કારણે બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજો યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માંગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરતા બાળકોને આજે વર્ગખંડમાં બેસવું ગમતું નથી. આ લાંબા સમયગાળામાં બાળકો ઘરે રહ્યા અને ઓનલાઈન શિક્ષણ મેળવ્યું તો બાળકોએ તેનું મન ઘરે જ અને મોબૈલામાં મનાવી લીધું. સતત ઘરે રહેવાને કારણે શાળા કોલેજો પ્રત્યે તેનું વર્તન બદલાય ગયું છે. કોઈપણ બાબતની લત લાગ્યા પછી છોડાવવી એ ખૂબ અઘરું કાર્ય છે. બાળકોને  એક વખત મોબાઈલ કે ઓનલાઈન ભણવાની જ લત લાગી અને તેના કારણે  શાળાની ટેવ પડાવવી મુશ્કેલ બની રહી છે. મનોવિજ્ઞાન અનુસાર પરિસ્થિતિ બદલાય ત્યારે સમાયોજન સાધવું બાળકો માટે મુશ્કેલ બને છે. તો જ્યારે બાળકો હવે ઓનલાઇન એડજ્યુકેશન પછી ઓફલાઇન કલાસરૂમ સમાયોજન નથી સાધી શકતા એ પણ એક પ્રશ્ન સામે આવ્યો છે કેળવણી અને સમાજિકરણના પાયામાં શાળા અને શિક્ષકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ સતત  લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર જોવા મળી છે જે તેના ભવિષ્ય માટે પડકારરૂપ છે. એક સમય એ હતો જ્યારે બાળકને ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલીઓ પડતી અને હવે બાળકને શાળાએ જવું અને આખો દિવસ વર્ગખંડમાં બેસવું ગમતું નથી, શિક્ષકો ભણાવે તેમાં રસ નથી, લખવું ગમતું નથી, મોબાઈલની એટલી હદે લત લાગી છે કે ઘરમાં કોઈ સદસ્યો સાથે બેસીને વાત કરવી ગમતી નથી, પોતાની અંગત વાતો માતા પિતાને પણ નથી કહી શકતા, મિત્ર વર્તુળથી જુદા થઈ ગયા. આમ, કોરોનાની બાળકોના શિક્ષણ પર તો અસર  જોવા મળી જ છે પણ કોરોનાના લાંબા સમય સુધી ઘરે જ કોઈ સક્રિય કામગીરી ના હોવા ના કારણે  તેની નિષેધક અસરો તેના સમાંયોજનમાં પણ જોવા મળી છે. તેની  સર્જનાત્મક શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે એક રોબોટીક કાર્ય કરતા જોઈ શકાય છે.

સમાયોજનની સમસ્યાઓના કારણો:

  • મૌખિક અભિવ્યક્તિમાં ખામી આવી. ( અન્ય સાથેના પ્રત્યાયનમાં ખામી )
  • વાંચન ક્ષમતામાં ઘટાડો (મોબાઈલ અને ઈન્ટરનેટનાં કારણે)
  • લેખન કાર્યમાં ખામી (શબ્દો લખવામાં કે ઓળખ કરવામાં ભૂલ કરવી)
  • અગાઉના શિક્ષણમાં જોવા મળતો સ્મૃતિલોપ ( શીખેલી બાબતોને ભૂલી જવી)
  • વિચાર શક્તિમા જોવા મળતી અરુચિ
  • ઓનલાઇનને કારણે મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ
  • ટીવીમાં સતત કોમેડી શો જોઈને મજા માણવી જેના કારણે લેક્ચર ભરવામાં કંટાળો.
  • શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયામાં જોવા મળતું અંતર
  • શાળાઓ બંધ હોવાને કારણે માતાપિતા કંટાળી ગયા.
  • ઘરે રહીને મરજી મુજબનું વર્તન કરવાની ટેવ પડી.
  • જુદી જુદી રમતો રમતા શિક્ષણ ભૂલી ગયા.

સમાયોજનની સમસ્યાને દૂર કરવાના ઉપાયો:

કોરોનામાં પછી લાંબા સમયની આરામદાયક પરિસ્થિતિમાંથી જ્યારે ફરી સક્રિય કાર્ય કરવાનું થયું એટલે કે વર્ગખંડમાં બેસીને ભણવાનું થયું ત્યારે શિક્ષકો, મિત્રો અને ભણતરના અંતરને કારણે, તેઓ હવે નવા વાતાવરણને સ્વીકારી શકતા નથી. જેના કારણે તે સમાંયોજનની સમસ્યા ક્યાંક ને ક્યાંક અનુભવે છે.

  • લખવાની ક્ષમતામાં તેમજ ઝડપમાં જો ઘટાડો થયો હોય તો લખવાની વધારે ને વધારે પ્રેક્ટિસ પાડીને તેની ક્ષમતામાં તેમજ ઝડપમાં વધારો કરી શકાય.
  • એકાગ્રતામાં પણ પહેલા કરતા વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવી બાબતમાં બને ત્યાં સુધી એક સમયે એક જ પ્રવૃત્તિ પર પરંતુ પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પાડવી જોઈએ ઉપરાંત મેડીટેશન દ્વારા પણ એકાગ્રતામાં વધારો કરી શકાય છે.
  • વિદ્યાર્થીઓની યાદશક્તિ માં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ બાબત યાદ રાખવા માટે તેને સરળ બનાવીને તેને યાદ રાખવાથી ફાયદો થઈ શકે છે.
  • વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને તેમજ સમસ્યાઓને સમજી ને શક્ય તેટલા ઉપાય તેમને આપવા જોઈએ. અભ્યાસના પાઠો ને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ વિદ્યાર્થીઓની લેખનની ક્ષમતામાં વધારો થાય તે માટે નિયમિત પણ લખવાની પ્રેક્ટિસ કરાવવી જોઇએ.
  • પોતાની કોઈપણ સમસ્યાને મિત્રો, પોતાના મોટા ભાઈ બહેન, માતા પિતાને અથવા શિક્ષકો સાથે શેર કરી તેનો ઉકેલ મેળવવા પ્રયત્નો કરવા જોઈએ.

આ પણ વાંચો : ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત