સુપ્રીમ કોર્ટ/ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો,ભારતીય મેડિકલ કોલેજોમાં ભણાવવાની માંગ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાંથી પોતાનો જીવ બચાવીને ભારત પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને સમાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે

Top Stories India
14 4 યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો,ભારતીય મેડિકલ કોલેજોમાં ભણાવવાની માંગ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાંથી પોતાનો જીવ બચાવીને ભારત પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને સમાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કેન્દ્ર સરકાર અને અન્ય હિતધારકોને યુક્રેનથી પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ કોલેજોમાં યોગ્ય ભારતીય અથવા વિદેશી ડિગ્રી પ્રોગ્રામ હેઠળ સમાવવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી છે.

પીઆઈએલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ યુક્રેનમાં સત્તાવાળાઓ સાથે સંકલન કરવું જોઈએ. અને વૈકલ્પિક રીતે આ વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર, રાજ્ય અથવા ખાનગી મેડિકલ કોલેજોમાં કેટલીક બેઠકો યુક્રેનિયન સંસ્થાઓના વિદેશી કેમ્પસ તરીકે જાહેર કરીને અભ્યાસ ચાલુ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ કટોકટીના પગલા તરીકે કરી શકાય છે.

આ અરજી બે એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે. તે ભારતીય વિદ્યાર્થીઓના ભાવિ પર મોટા પ્રમાણમાં ઉભી રહેલી કટોકટી પર પ્રકાશ પાડે છે. યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને યુદ્ધની પરિસ્થિતિને કારણે તેમના મેડિકલ અભ્યાસક્રમો અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડી છે. અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં સામાન્ય સ્થિતિ ક્યારે પુનઃસ્થાપિત થશે અને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમો પૂર્ણ કરી શકશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ઉલ્લેખનય છે  કે 4 માર્ચે સુપ્રીમ કોર્ટે યુક્રેન-રોમાનિયા બોર્ડર પાસે ફસાયેલા કેટલાક ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને બહાર કાઢવા સંબંધિત અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન, કેન્દ્રએ દલીલ કરી હતી કે તેણે અત્યાર સુધીમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓને સંઘર્ષ ઝોનમાંથી બહાર કાઢ્યા છે. તે સમય દરમિયાન, કોર્ટે કેન્દ્રને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને પરિવારો માટે ઓનલાઈન હેલ્પલાઈન સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.