કોલકાતા હાઈકોર્ટના બે ન્યાયાધીશો વચ્ચેના સંઘર્ષને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે અને તેમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝનો સમાવેશ થાય છે. ત કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે પોતાના જ એક સાથી જજ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ કેસની સુઓ મોટુ સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે શનિવારે સુનાવણીની તારીખ નક્કી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસની સુનાવણી શનિવારે સવારે 10.30 વાગ્યે શરૂ થશે. હકીકતમાં, 24 જાન્યુઆરીએ કોલકાતા હાઈકોર્ટમાં એક અરજી પર સુનાવણી થઈ હતી. આ અરજી જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની સિંગલ જજની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અરજી પશ્ચિમ બંગાળમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નકલી જાતિ પ્રમાણપત્રો જારી કરવા સંબંધિત હતી. જસ્ટિસ ગંગોપાધ્યાયે આદેશ આપ્યો કે રાજ્ય પોલીસ આ સંબંધિત તપાસના કાગળો CBIને સોંપે અને વધુ તપાસ CBI કરશે. થોડી વાર પછી તે જ દિવસે, મામલો બીજી ડિવિઝન બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ડિવિઝન બેંચનું નેતૃત્વ જસ્ટિસ સોમેન સેન કરી રહ્યા હતા. આ ડિવિઝન બેન્ચે સિંગલ જજની બેન્ચના નિર્ણયને બદલ્યો અને કહ્યું કે સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી. આ પછી જસ્ટિસ અભિજીતે જસ્ટિસ સોમેન પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે પ્રતીકાત્મક રીતે કહ્યું કે તેમનો TMC સાથે સંપર્ક છે. જોકે, જસ્ટિસ ગંગોપાધ્યાયે સીધું ટીએમસીનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું કે તેઓ પોતાના અંગત ફાયદા માટે અથવા કોઈ નેતાના ફાયદા માટે આવો નિર્ણય આપી રહ્યા છે.