@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
જામનગરમાં કાર નદીમાં ખાબકતાં બે મહિલાના મોત
મોડપર ખટિયા ગામ નજીક કાર નદીમાં ખાબકી
૩ લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી
જામનગરના ખંભાળિયા વચ્ચેનો ધોરી માર્ગ આજે સવારે લોહીયાળ બન્યો હતો. જેની વિગત મુજબ, ખંભાળિયા જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલ ખટિયા પાટિયાથી મોડપર ગામના પાટિયા પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર મોટા પુલ પરથી નીચે ખાબકી હતી.20 ફૂટથી પણ વધુ ઊંચાઈએથી નીચે ખાબકેલી કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી બે મહિલાઓને માથા સહીતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બન્નેના સ્થળ પર જ મૃત્યુ નીપજ્ય હતા. જયારે ચાલક સહીત ત્રણ પુરુષોને ઘાતક ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે પુરુષોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
આ બનાવની જાણ થતા મેઘપર પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ અને 108 સ્થળ પર પહોચે તે પૂર્વે એકત્ર થયેલ લોકોએ ઘાયલો અને મૃતકોને કાર બહાર કાઢી લીધા હતા. 108 ની ટીમે ત્રણ ઘાયલોને તાત્કાલિક જામનગર ખસેડ્યા હતા. મેઘપર પોલીસે બંને મૃતક મહિલાઓનો કબજો સંભાળી ઓળખવિધિ અને પંચનામા સહિતની તજવીજ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના રણજીતપર ( નવાગામ ) માં રહેતા નારણભાઈ પરબત કરન્ગીયા, તેના પુત્ર સુમિત અને પત્ની જશુબેન સાથે જામનગરમાં રહેતા સબંધી દેશુરભાઈના મકાનના વાસ્તામાં સહભાગી બનવા આવતા હતા. નવાગામથી નીકળ્યા બાદ તેઓએ આશોતા ગામેથી તેમના સબંધી સાળા હેમત રણમલ અને પાબીબેન નામના દંપતીને સાથે લીધા હતા.દરમિયાન કાર પુલ પર પહોચી ત્યારે અકસ્માતગ્રસ્ત બની હતી. મેઘપર પીએસઆઈ વાઢેરના જણાવ્યા અનુસાર સાળા – બનેવી દંપતી જામનગર ખાતે આવી મકાનના વાસતામાં સહભાગી બનવા આવતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.