રાજ્યમાં વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જસદણમાં 2 ઇંચ વરસાદ જયારે ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. કોટડા સાંગાણી, જામ કંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ, કોડિનાર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, કમોસમી વરસાદ વધુ આક્રમક બનશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે. જયારે હવામાન વિભાગ ધ્વારા હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરાઈ છે.
જુનાગઢમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ, વિસાવદર સહિતના વિસ્તારોમાં અડધોથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. કેરી, ચીકુ, રાવણા, તલ સહિતના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતો ધ્વારા નુકસાનીનો સર્વે કરી સહાય આપવા સરકાર પાસે માંગ કરાઈ છે.
રાજકોટ જિલ્લાનાં જેતપુર પંથકનાં વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેતપુર, રબારીકા, જાંબુડી, મેવાસા, હરીપર, ઉમરાળી, પ્રેમગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જસદણમાં પંથકનાં વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આટકોટ, કનેસરા, કોઠી, વીરનગરના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જામકંડોરણા પંથકમાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઉનાળુ તલ, મગ, અડદ, બાજરી, મગફળી, એરંડા, જુવાર સહિતના પાકોને થઈ શકે છે મોટાપાયે નુકસાન
જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. લાલપુર પંથક, નાંદુરી, ગોદાવરીમાં ધોધમાર કમોસમી વરસાદથી ખેતરો બહાર પાણી નીકળ્યા, વોકળા પણ બે કાંઠે થયા હતા. પશુઓના ચારા અને બાજરીના પાકને નુક્સાની
પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ઘેડ પંથક અને બરડાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભોગસર, ગોસા, કાંસાબડ, ઠોયાણા સહિતના ગામોમાં માવઠું થયું છે. બરડાના બખરલા, નાગકા, અડવાણા સહિતના ગામોમાં વરસાદ છે. કમોસમી વરસાદથી મગ, બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગર શહેરનું વાતાવરણ બદલાતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આણંદનગર, કરચલીયા પરા, સુભાષનગર, અકવાડા, રેલવે સ્ટેશન, બોર તળાવ સહિતના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ જયારે જિલ્લાનું વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ગારીયાધાર પંથકમાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પચ્ચેગામ, પરવડી વીરડી,માનગઢમાં વરસાદથી ખેડુતમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મહુવાના ગ્રામ્ય પંથક માળીયા, સથરા, ખરેડ, નાના જાદરા, કુંભણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ તલ, બાજરો, જુવાર, ઉનાળું પાકને નુકસાની ભીતી સેવાઈ રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી વરસાદ નોંધાયો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર પંથકમાં ઉનામાં કમોસમી વરસાદથી કેસર કેરી, તલ,અડદ, મગ, બાજરી જેવા પાકોમાં નુકસાનથી ભીતિ.
કચ્છમાં જિલ્લામાં આજે સતત ચોથા દિવસે માવઠું યથાવત રહેતા જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાયોર, નલિયા, જખૌ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી વીજળીના કડાકા સાથે ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો છે. ધામોદ, લાલસર, વખતપુરમાં માવઠું થયું છે. આંબાની કેરી ખરી પાડતા ખેડૂતો ચિંતામાં
મુકાયા છે ખેડૂતો. કેરી સહિત અન્ય પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
બોટાદમાં વહેલી સવારના વરસાદી માવઠું થયું હતું જેના પગલે શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત મળી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના હવામાનમાં પલટો આવતા વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ જિલ્લાના 8 માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ઇડર 08 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી, તલોદ 04 મિમી, પ્રાંતિજ 05 મિમી, પોશીના 00 મિમી, વડાલી 07 મિમી, વિજયનગર 06 મિમી, હિંમતનગર 08 મિમી વરસાદ પડ્યો હતો.
અરવલ્લી જીલ્લામાં પણ પવન અને ગાજવીજ સાથે પડયો હતો વરસાદ જેના પગલે ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી જતા વેપારીઓએ જણસ બચાવવા માલ ખસેડ્યો હતો
ગુજરાતમાં ભરઉનાળે મોસમનો મિજાજ બદલાયો છે. અમદાવાદ શહેરમાં વાતાવરણ પલટાયું છે. શહેરમાં વહેલી સવારે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. સેટેલાઈટ, SG હાઈવે, બોડકદેવ, થલતેજ, બોપલમાં પણ વરસાદી માહોલ છવાયો છે. નરોડા, બાપુનગર વટવા, ઇસનપુર, મણિનગર, નારોલ, નિકોલ સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસતા ભરઉનાળે ચોમાસા જેવું વાતવરણ સર્જાયું છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા છે. ભારે બફારા બાદ વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે.