Not Set/ આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

સામાન્ય દિવસોમાં એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, દાળ-ભાત (સાંજે ખીચડી-કઢી) પુરતાં ગણાય, પણ શિયાળો આવતા જ તેમાં શાકને લઈને પ્રદેશ પ્રમાણે ફેરફારો થવા માંડે છે

Food Trending
1 10 આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

સામાન્ય દિવસોમાં એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, દાળ-ભાત (સાંજે ખીચડી-કઢી) પુરતાં ગણાય, પણ શિયાળો આવતા જ તેમાં શાકને લઈને પ્રદેશ પ્રમાણે ફેરફારો થવા માંડે છે. ખાસ કરીને શિયાળુ શાકભાજીનો આપણે ત્યાં જે રીતે ઉપયોગ થાય છે તે અનોખો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત એમ દરેકની આગવી શિયાળુ શાકની ડિશ છે.

ઊબાડિયું

ubadiyu આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

ઊંધિયાને મળતી આવતી અન્ય એક વાનગી એટલે ઊંબાડિયું, જે દક્ષિણ ગુજરાતની  જ વાનગી છે. તેમાં શાકભાજીને માટલામાં બંધ કરીને ધીમી આંચે બાફવામાં આવે છે. ફરક એટલો કે ઊંધિયાને શાકની રીતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે ઊંબાડિયામાં તેલ કે રસો નથી હોતો. શિયાળાની સિઝન શરૃ થતાં જ દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર તેના સ્ટોલ લાગી જાય છે. ઊંબાડિયામાં બટાટાથી લઈને પાપડી સહિતનાં બધાં શાકને સમારી, કાપા મૂકીને તેમાં ચટણી ભરવામાં આવે છે. ત્યાર બાદ હથેળીમાં સમાય એટલું તેલ, અજમો અને મીઠું ભભરાવી બધું બરાબર હલાવી લેવાય છે. એ પછી એક માટલામાં બહાર લીંપણ કરી, તળિયે કલાર નામની વનસ્પતિ પાથરી દઈ બધાં શાક તેમાં ભરી દેવામાં આવે છે. ફરી કલારથી માટલાનું મોં ઢાંકી તૈયાર કરેલા ખાડામાં ઊંધું મૂકી આજુબાજુ તાપણુ કરી દેવાય છે. જેના કારણે તેમાં રહેલાં વિવિધ શાકભાજીમાં તેલ, મીઠું તથા અજમો ભળી જતાં ઊંબાડિયું એક જુદા જ સ્વાદમાં ખાવા મળે છે.

ઊંબાડિયાની ખાસિયત એ છે કે, તે જૂની પદ્ધતિ પ્રમાણે બનતું હોવાથી ઓવન કે ગેસ પર બનાવવું શક્ય નથી. તેમાં વપરાતા મસાલામાં સામાન્ય રીતે દાદીમાના નુસખા તરીકે વપરાતી વનસ્પતિઓનો ઉપયોગ થતો હોઈ શરીરને જરૃરી ઊર્જા મળે છે. આગની ગરમીથી બનતું હોવાથી તેની અંદર મૂકેલા તીખા મસાલા તથા અન્ય સામગ્રી ધુમાડા સ્વરૃપે તેમાં ભળતાં એક ખાસ પ્રકારનો સ્વાદ રચે છે. તેમાં એકથી વધુ પૌષ્ટિક શાકભાજીઓ હોવાથી શરીર માટે પણ સારું રહે છે. શિયાળાની સિઝન શરૃ થતાં જ નવસારી, વાપી, વલસાડ તરફ આ ઊંબાડિયાના સ્ટોલ લાગી જાય છે.

લીલી હળદરનું શાક

lili harder આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

હાલ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં લીલી હળદરનું શાક પ્રખ્યાત છે. મૂળે તો તે રાજસ્થાનનું શાક છે, પણ ગુજરાતના આ જિલ્લા તેની સાથે વ્યાપારિક અને ભૌગોલિક રીતે જોડાયેલા હોવાથી ત્યાં પણ તેનું ચલણ વધ્યું છે. લીલી હળદરને ઘીમાં ચઢવવામાં આવે છે. જેમાં એક પછી એક અન્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે. આમ કરવા પાછળનું કારણ એ કે હળદર એવી વસ્તુ છે જે યોગ્ય રીતે ચઢવવામાં ન આવે તો ખાનારને એસિડિટી થઈ જતી હોય છે. આ જ કારણોસર તેને તેલને બદલે ઘીમાં પકવવામાં આવે છે. અસલ હળદરનું શાક બનાવતાં બેથી અઢી કલાકનો સમય લાગતો હોય છે. પાકી ગયા પછી તેમાંથી એક પ્રકારની યુનિક સુગંધ આવવા લાગે એ પછી તેમાં પસંદગી મુજબ વટાણા, ગાજર, ટામેટાં વગેરે ઉમેરવામાં આવે છે. સામાન્ય રીત પ્રમાણે ઘીમાં લીલી હળદરને લાલ થાય ત્યાં સુધી સાંતળવામાં આવે છે. એ પછી લસણ અને ડુંગળીની પેસ્ટ, ટામેટાંની ગ્રેવી ઉમેરાય છે. ઘી છૂટું પડે પછી થોડું આદું અને મરચાંની પેસ્ટ, મીઠું, લાલ મરચું, વટાણા અને ગોળ ઉમેરાય છે. છેલ્લે દહીં ઉમેરાય છે. આ રીતે તૈયાર થયેલ શાક બાજરીના રોટલા સાથે પિરસાય છે.

ઊંધિયું

undiu આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

ભિન્ન-ભિન્ન જાતનાં કંદ અને શાક આખાં ને આખાં જમીનમાં, વાસણમાં ભરી ઊંધું મૂકી ઉપર અગ્નિથી પકવવામાં આવતી વાની. ઊંધા માટલામાં તૈયાર કરાતું હોવાથી તેનું નામ ઊંધિયું પડી ગયું હતું. જોકે આજના વ્યસ્ત સમયમાં કોઈની પણ પાસે જૂની રીતે ઊંધિયું તૈયાર કરવા જેટલો સમય ન મળતો હોવાથી ગૃહિણીઓ એકસાથે જ બધાં શાકભાજીને કૂકરમાં રાંધીને ઊંધિયું બનાવે છે. ઊંધિયાના મૂળ તો દક્ષિણ ગુજરાતમાં નખાયા હતા, પણ હવે તે ગુજરાત ઉપરાંત દેશભરના ફૂડ શોખીનોનું માનીતું શિયાળુ શાક બની ચૂક્યું છે. આપણે ત્યાં પ્રદેશ મુજબ તેની બનાવટમાં ફેરફારો જરૃર છે, પણ સ્વાદમાં બહુ ફરક નથી હોતો. અસલ સુરતી ઊંધિયામાં પાપડી, રવૈયા, લીલી તુવેર, કાચાં કેળાં, બટાટા, રતાળુ, સૂરણ અને અન્ય લીલાં શાકભાજી નાખવામાં આવે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશોમાં ઊંધિયામાં તુવેર, વટાણા સાથે તળેલાં મૂઠિયાં પણ ઉમેરાય છે. એક રીતે ઊંધિયું એક પ્રકારનું મિક્સ શાક જ ગણાય, પણ તેની બનાવટ અને અનોખા સ્વાદને કારણે તે મિક્સ સબ્જીથી જુદું તરી આવે છે.

ઝાલાવાડી રીંગણનો ઓળો

ringn oror આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

હવે તો રીંગણનો ઓળો દેશ-દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે, પણ એક સમયે તેના પર ઝાલાવાડનો ઇજારો હતો. શિયાળાની સિઝન શરૃ થતાંની સાથે જ અહીં ગામેગામ લોકો રીંગણનો ઓળો ઉર્ફે ભરથું બાજરીના રોટલા સાથે ખાવાની મોજ લેતાં. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, હળવદ, વઢવાણ, લખતર અને લીંબડી તાલુકાનાં ગામડાંઓમાં મોડી રાત સુધી ખેડૂતો ખેતરોમાં પાણી વાળતાં હોય ત્યારે ‘ભરથાં પાર્ટી‘ કરતા હોય છે. હવે તો શહેરોમાં પણ ભરથાંની સિઝનલ હાટડીઓ ખૂલવા માંડી છે. સામાન્ય રીતે ઓળામાં મોટી સાઇઝના રીંગણ લેવામાં આવે છે જેના કારણે તેમાં બી વધારે હોવાની શક્યતા રહે છે, પણ શિયાળુ રીંગણની ખાસિયત એ છે કે સાઇઝ મોટી હોવા છતાં તેમાં બીનું પ્રમાણ સામાન્ય હોય છે. એટલે જ ઓળો બનાવવા માટે શિયાળો બેસ્ટ સમય ગણાય છે. ઓળાની અસલ રેસિપી મુજબ તેને સીધા મોટા ભઠ્ઠામાં શેકી નાખવામાં આવે છે. પણ શહેરોમાં આ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ત્યાં ચૂલા કે ગેસ પર રીંગણને શેકવામાં આવે છે. શેકેલા રીંગણની છાલ ઉતારી સારી રીતે સાફ કરીને સમાર્યા બાદ કડાઈમાં થોડું તેલ કે ઘી નાખી રાઈ અને જીરું શેકવામાં આવે છે. એ પછી તેમાં સમારેલાં ટામેટાં, લસણ અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવામાં આવે છે. આ તૈયાર મિશ્રણમાં પછી શેકેલાં રીંગણ નાખીને થોડીવાર શેકવામાં આવે છે. છેલ્લે બાકીના મસાલા સ્વાદાનુસાર ઉમેરીને થોડીવાર ધીમી આંચે પકવી ગરમાગરમ ઓળો બાજરીના રોટલા, ભાખરી, સલાડ, લસણની ચટણી, માખણ અને છાશ સાથે અસલ કાઠિયાવાડી સ્ટાઇલમાં પીરસવામાં આવે છે.

જામનગરી ઘૂટો

guto આ ડિશને લઈને પ્રદેશ પ્રમાણે થાય છે ફેરફારો..

બત્રીસ પકવાન વિશે આપણે સાંભળ્યું છે, પણ જામનગરી ઘૂટો ૩૨ પ્રકારનાં શાકભાજી, ફળોને ઘૂંટીને તૈયાર થાય છે. અહીંના ધ્રોલ, પડધરી અને જોડિયા પંથકમાં શિયાળાની સાંજ પડતા જ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂટા પાર્ટીના આયોજન થવા માંડે છે. અહીંનાં ગામડાંઓમાં ભારે લોકપ્રિય બની ચૂકેલા ઘૂટાની શરૃઆત બે દાયકા અગાઉ જોડિયા આસપાસનાં ગામોમાં થઈ હોવાનું મનાય છે. હવે તો ઘૂટો જામનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ લોકપ્રિય બની ચૂક્યો છે. લગભગ બત્રીસ જેટલાં શાકભાજી અને ફળોને બરાબર ઘૂંટ્યા બાદ તે તૈયાર થતો હોવાથી તેનું નામ ‘ઘૂટો‘ પડ્યું છે. ઘૂટામાં માત્ર બે જ શાકભાજી ઉમેરવામાં નથી આવતી એક ભીંડા અને બીજાં કારેલાં. બાકી બટાટા, રીંગણ, કોબીજ, ફુલાવર, ગવાર, લીલા વટાણા, વાલોળ, લીલા ચણા, ટામેટાં, લીલાં મરચાં, કોથમીર, દૂધી, સૂરણ, રતાળુ, ગાજર ઉપરાંત સફરજન અને કેળાં જેવાં ફળોને ઝીણા સમારીને એક મોટા પાત્રમાં તેને ઉકાળવામાં આવે છે. આ બધી સામગ્રીને ત્યાં સુધી ઘૂંટવામાં આવે છે જ્યાં સુધી તે એકરસ ન થઈ જાય. બધું એકદમ રગડા જેવું થઈ જાય એ પછી ગરમાગરમ પીરસવામાં આવે છે. ઘૂટામાં કોઈ તેલ કે મસાલા આવતા નથી. તે પચવામાં ઘણો હલકો હોવાથી શિયાળાની સિઝનમાં આ વિસ્તારમાં તેની બોલબાલા રહે છે.

આ ડિશો સિવાય આપણે ત્યાં શિયાળાની સિઝનમાં લીલા ચણાનું શાક, તુવેરના ટોઠા, લીલી ડુંગળીનું શાક,  આખા લસણનું શાક, શેકેલાં શક્કરિયાં અને બટાટાનું શાક, વરાળિયું, ચાપડી તાવો, મધપૂડો, પૂડલો વગેરે પણ જે-તે પ્રદેશમાં લોકપ્રિય છે.