Vadodara News : વડોદરા જિલ્લાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને કોંગ્રેસના અગ્રણી તથા પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર વચ્ચેનો વિવાદ શમવાનું નામ લેતો નથી. થોડા દિવસ પહેલાં ચૈતન્યસિંહ ઝાલાએ એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કોંગ્રેસની રાક્ષસ સાથે સરખામણી કરી દીધી હતી. જેને પગલે કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે વળતો જવાબ આપ્યો હતો. જોકે આ વિવાદનો અંત આવ્યો નથી. ચૈતન્યસિંહ ઝાલાએ ફરીથી જશપાલસિહ પઢિયારને અભણ કહ્યા હતા. બીજીતરફ જશપાલસિંહ પઢિયારે જુઠ્ઠાસિંહ ઝાલા કહી વળતો જવાબ આપ્યો છે.
વિકાસ કામોનો શ્રેય લેતાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું કે, જ્યારે હું ગામમાં આવું છું, ત્યારે લોકો કહે છે કે હું હંમેશા વિકાસનું નવું કામ લઈને આવું છું. લોકો મારી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ જુએ છે. પરંતુ કેટલાક લોકો પૂછે છે કે પહેલાં આવું કેમ ન થયું? હું કહું છું, ગયા પાંચ વર્ષમાં અભણ ધારાસભ્ય હતા, જેના કારણે કોઈ વિકાસનું કામ થયું નહીં. વિકાસના કામો થઈ રહ્યા છે.કારણકે હવે શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે,
બીજીતરફ જશપાલસિંહ પઢિયારે ‘જુઠ્ઠાસિંહ ઝાલા’ કહી વળતો જવાબ આપ્યો છે. ચૈતન્યસિંહ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. સરસૌણી ગામ પંચાયતના કામોમાં ભાજપના સદસ્યો હતા, તો કોંગ્રેસ ક્યાંથી આવી? હું 2012થી ચૂંટણી લડું છું, હું ઓછું ભણેલો હોઈ શકું, મારું એફિડેવિટ ખોલીને જુઓ. પરંતુ ચૈતન્યસિંહના એફિડેવિટમાં તેમના ગુનાઓ જુઓ. પાદરામાં દારૂ અને ભ્રષ્ટાચારનો માહોલ છે, પરંતુ તેઓ આ વાત દબાવે છે.જશપાલસિંહે ચૈતન્યસિંહને જાહેર ડિબેટનું આહ્વાન આપતાં કહ્યું, “જો તમે ડિબેટ કરવા માંગો છો, તો પાદરામાં આવો. હું તૈયાર છું. 33 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં વિકાસના દાવાઓ જુઠ્ઠા હોવાનું પાદરાની જનતા જાણે છે. સ્ટેમ્પ ડ્યુટી કે જિલ્લા પંચાયતના કામોને પોતાના નામે ચડાવવામાં આવે છે.
પાદરાના રાજકારણમાં આ નિવેદનોએ નવો વિવાદ જન્માવ્યો છે. ચૈતન્યસિંહ ઝાલા પોતાને વિકાસ પુરુષ તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે જશપાલસિંહ પઢિયારે તેમના પર જુઠ્ઠા આરોપો લગાવવાનો અને નિષ્ફળતાઓ છુપાવવાનો આક્ષેપ કર્યો છે.આ નિવેદનો વચ્ચે હવે પાદરાની જનતા આ બંને નેતાઓની દલીલો અને ડિબેટની રાહ જોઈ રહી છે.વડોદરા જિલ્લાના પાદરાના સરસવણી ગામમાં ગ્રામપંચાયત ઘરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જો કે, કેટલાક લોકો દ્વારા આ પ્રસંગનો વિરોધ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા ધારાસભ્ય અકળાયા હતા અને વિરોધ કરતા કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ જોડે કરી નાંખી હતી.
પહેલાના જમાનામાં જ્યારે યજ્ઞ કરતા હોય, ત્યારે સારા કામમાં ભંગ પાડવા માટે રાક્ષસો હવનમાં હાડકા નાંખવા આવતા હતા, એમ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું. તેવી રીતે અત્યારે પણ એવું છે, રાક્ષસો જતા રહ્યા, પરંતુ કોંગ્રેસના રાક્ષસોરૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે, જ્યારે વિકાસનું કામ થતું હોય, ત્યારે આંગળી કરવા અને હવનમાં હાડકા નાંખવા આવી જાય છે. ગ્રામલોકો બેઠા છે, હું પૂછવા માંગુ છું, મેં કોઇને આમંત્રણ આપ્યું છે. હું આવ્યો છું, પાદરા તાલુકાના ધારાસભ્ય તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પંયાયત ઘરનું ખાતમૂહુર્ત કરવાનું છે. જેથી હું આવી ગયો. મહેમાન કોઇ દિવસ આમંત્રણ આપે, મહેમાને કોઇ દિવસ આમંત્રણ આપવાનું ના હોય. ગામ લોકો આમંત્રણ આપે, આ કાર્યક્રમમાં મારે સરપંચને આમંત્રણ આપવાનું હોય કે સરપંચ મને આપે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવનમાં હાડકા નાંખતા વ્યક્તિઓને કોંગ્રેસીઓ સપોર્ટ કરે છે, પહેલા એવું હતું, સરકાર વિરોધી બોલવું હોય ત્યારે કોંગ્રેસ તરત તૈયાર હોય. પણ હવે તેમાં નવું આવ્યું છે. કોંગ્રેસથી બોલાતું નથી, અમુક જગ્યાઓએ મર્યાદા નડે છે, તો હવે તેમણે વિના લાયસન્સે સોશિયલ મીડિયા ચેનલો ચાલુ કરી દીધી. તેમાં જેને જે ફાવે તેમ બોલવાનું, આવું કામ ચાલી રહ્યું છે. કારણ કે, પાદરા તાલુકાનો જે વિકાસ થઇ રહ્યો છે, તે તેમનાથી જોવાતો નથી. તેઓ નથી કરી શક્યા. પાદરાને વિકાસની રાહે કોઇ વિરોધી નથી લઇ જઇ શક્યા.
તમારા ગામમાં પંચાયત ઘરનું કામ થાય છે, તે વિરોધીઓથી જોવાતું નથી. અમારો કાર્યકર ડરતો નથી. આ લોકોની ગંદકીઓથી, વિરોધથી, કે ષડયંત્રથી, પાદરા તાલુકાનો વિકાસ અટકવાનો નથી. અમે વિરોધીઓને જવાબ આપવા, કદાચ અમારે જાનથી પણ હાથ ધોવાના થતા હશે, તો પાછા પડીશું નહીં, હું બાહેધારી આપું છું પાદરાને વિકાસમાં અગ્રેસર રાખીશું, . બાદમાં જશપાલસિંહ પઢિયારે વળતો જવાબ આપ્યો હતો. ત્યારે ફરી એકવાર નિવેદનબાજી સામે આવતા વડોદરા જિલ્લામાં ફરી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો:રાજ્યના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાનો ‘લેટર બોમ્બ’
આ પણ વાંચો:ગુજરાતના રાજકારણમાં મચશે ખળભળાટઃ જવાહર ચાવડાએ ભાજપનું પ્રતીક હટાવ્યું
આ પણ વાંચો:જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી માંડવિયાને લખ્યો પત્ર, ટોલ ટેક્સને લઈ થતાં અન્યાય સામે…
