કોરોના રોગચાળો સમગ્ર વિશ્વ માટે પડકાર બન્યો હતો. ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં આ સમયગાળા દરમ્યાન અનેક લોકોના મોત થયા. વેક્સીનેશન બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી છતાં પરિવારો પર તેની વિપરિત અસર જોવા મળી રહી છે. એક સર્વે સામે આવ્યો છે જેના તારણો આપણને ચોંકાવી દેશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના બાદ સંબંધોના સમીકરણો બદલાઈ ગયા છે. પતિ-પત્નીથી લઈને પારિવારિક સંબંધોમાં કોરોનાની ઇફેકટ જોવા મળી રહી છે. કોરોના બાદ ફેમિલી કોર્ટમાં ભરાવો થયો છે.
ગત વર્ષ 2023માં ગુજરાતમાં ફેમિલી કોર્ટમાં વૈવાહિક વિવાદના 27194 કેસ નોંધાયા હતા. છેલ્લા બે વર્ષમાં જ લગ્નજીવનમાં ઝઘડાના કિસ્સા 50 ટકા વધી ગયા છે. 2021માં ગુજરાતની 39 ફેમિલી કોર્ટમાં 18508 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આમ, દરરોજ નોંધાતા કેસોની સંખ્યા 51 હતી. ફેમિલી કોર્ટમાં 2022માં 24910, 2023માં 27194 કેસ નોંધાયા હતા. આમ, 2023 સુધીમાં ફેમિલી કોર્ટમાં દરરોજ 75 કેસ દાખલ થાય છે. ફેમિલી કોર્ટમાં 2021માં 22124 કેસ, 2022માં 26557 અને 2023માં 30084 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
હાલમાં રાજ્યની ફેમિલી કોર્ટમાં 31954 કેસ પેન્ડિંગ છે. 2023 માં 2.87 લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ ટોચ પર છે, કેરળ 84910 કેસ સાથે બીજા સ્થાને છે અને પંજાબ 68711 કેસ સાથે ત્રીજા સ્થાને છે. 2023માં પશ્ચિમ બંગાળની ફેમિલી કોર્ટમાં 657 કેસ નોંધાયા હતા. આમ, પશ્ચિમ બંગાળમાં ફેમિલી કોર્ટમાં દાખલ થયેલા કેસોની સંખ્યા અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઓછી છે. દેશભરની 812 ફેમિલી કોર્ટમાં 2021માં 4.97 લાખ, 2022માં 7.27 લાખ અને 2023માં 8.25 લાખ કેસ નોંધાયા હતા. 2023 સુધીમાં દેશની ફેમિલી કોર્ટમાં 11.43 લાખ કેસ પેન્ડિંગ છે.
ખાસ કરીને કોરોના પીરિયડ પછી સંબંધોમાં તણાવના ઘણા કિસ્સા વધી ગયા છે. લગભગ એક વર્ષ પહેલા હાઈકોર્ટે પણ છૂટાછેડાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને વકીલોને સલાહ આપી હતી કે જો તમે એક લગ્ન બચાવો તો તે 100 કેસ જીતવા બરાબર છે. ફેમિલી કોર્ટમાં કેસ આવવાનું વલણ ચિંતાજનક છે. એક સમય એવો હતો જ્યારે 70 ટકા કેસ પતિ સાથે અત્યાચારના હતા. હવે પત્નીના ત્રાસના કિસ્સાઓ પણ વધી ગયા છે.
નિષ્ણાતોના મતે, કોરોના પછી છૂટાછેડા અને મારપીટનો દર વધ્યો છે. કોરોના બાદ પારિવારિક વિખવાદના કેસમાં વધારો થયો છે. આજકાલ સ્ત્રીઓ અને પુરુષોની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવો એ તણાવનું કારણ છે. સાસુ અને વહુ વચ્ચે ઝઘડાના કિસ્સાઓ વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10,000થી વધુ કેસ પેન્ડિંગ હોવાનું મનાય છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ