રાજ્યના આ ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાવવામાં આવ્યો હતો. કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા આદિજાતિ ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે. દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના અંદાજે ૪૮૦૦૦ લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. તદઅનુસાર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપૂર અને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ ૧૪ આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે. અત્યાર સુધીમાં આવા ૧૧.૬૯ લાખ ખેડૂતોને યોજનાકીય લાભ અપાયો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા આવેલા આદિવાસી બંધુઓને ખેતીમાંથી થતી આવક વધારવા આ કૃષિ વૈવિધ્યકરણ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં શરૂ કરવામાં આવેલી છે. વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો છે ત્યારે આવા નાના-સિમાંત આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ સહાય આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવાની દિશાનું મોટું કદમ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર આદિજાતિ લાભાર્થી ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે. આદિજાતિ ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવું ના પડે તેમજ ઘરે બેઠા પોતાની અરજીની વિગતો જાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજીસ્ટ્રેશનથી લઇને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઇન કરવામાં આવી છે. વડાપ્રધાનએ યોજનાકીય લાભ સીધો જ લાભાર્થીના હાથમાં પહોચાડવાની જે પ્રણાલિ શરૂ કરી છે તેમાં આ ઓનલાઇન પધ્ધતિ ઉપકારક છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિજાતિ ડાંગ જિલ્લો સંપૂર્ણ પણે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે તેનો ઉલ્લેખ કરતાં કૃષિ વૈવિધ્યકરણ સાથે સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ આદિજાતિ ખેડૂતોને આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સાથે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૪૩ આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે રૂ. ૮૩.૯૬ કરોડનું પ્રોત્સાહક અનુદાન પણ એટ સિંગલ કલીક અર્પણ કર્યુ હતું. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના બાળકોને શિક્ષણની સુવિધા આપવા રાજ્ય સરકારે આવી આશ્રમ શાળાઓ શરૂ કરેલી છે.
આદિજાતિ વિભાગ હેઠળની રાજ્યભરની ૬૬૧ જેટલી આશ્રમ શાળાઓમાં અંદાજે ૯૧ હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા, જમવાની સગવડ સાથે ધોરણ ૧ થી ૧ર નું શિક્ષણ વિનામૂલ્યે અપાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારમાં ખેતીનો વ્યાપ વધે સાથોસાથ આદિજાતિ બાળકોને શિક્ષણની પણ સુવિધા આપી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરકારની પ્રતિબદ્ધતા આ પ્રસંગે વ્યકત કરી હતી. તેમણે આદિજાતિ જિલ્લા સાબરકાંઠાના આદિજાતિ લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. ખેડૂત લાભાર્થીઓએ આ યોજનાથી મળતી સહાય દ્વારા અનાજ ઉત્પાદન અને વેચાણથી મોટો આર્થિક આધાર મળ્યો છે તેનો આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો અને યોજનાથી થયેલા લાભની વિગતો વર્ણવી હતી. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને આદિજાતિ લાભાર્થી ખેડૂતો ૧૪ જિલ્લાના વિવિધ સ્થળોએથી આ અવસરે જોડાયા હતા. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, આદિજાતિ વિકાસ સચિવ ડૉ. મુરલીક્રિષ્ના, ડી.સેગ ના સી.ઈ.ઓ નિનામા સહિતના અધિકારીઓ ગાંધીનગરથી આ અવસરે જોડાયા હતા.
આ પણ વાંચો : યુથ કોંગ્રેસે કરી આવી માગ અને પોલીસે કરી તેમની અટકાયત