અમદાવાદમાં લોકરક્ષક પેપર લીક કાંડ મામલે કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ન્યાય યાત્રા નીકળી હતી. વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અલ્પેશ ઠાકોર દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજાઇ હતી. આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે, અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી છે.
2જી ડિસેમ્બરે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવવાની હતી. પરંતુ તે પહેલા જ પેપરના જવાબો લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પેપર લીક કાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી છે.