અમદાવાદ: કોંગ્રેસના ભારત બંધના પગલે અમદાવાદ શહેરમાં બંધને પગલે મોટાભાગની શાળા-કોલેજો બંધ રહી હતી. જો કે, કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા શહેરની કેટલીક શાળાઓ અને કોલેજો બંધ કરાવી હતી.
જયારે શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ બંધ કરાવી તાળાબંધી કરવામાં આવી હતી. શાહપુર, દાણીલીમડા અને મિરઝાપુરમાં એએમટીએસ અને બીઆરટીએસની બસો પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા, આ પથ્થરમારાને કારણે કેટલીક બસોના કાચ તૂટી ગયા છે.
ગુજરાત સહીત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ રહેલા કમરતોડ ભાવ વધારાને પગલે કોંગ્રેસ તરફથી ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ તરફથી કેટલાક પેટ્રોલપંપ જઈને તાળાબંધી પણ કરવામાં આવી હતી.
‘ભારત બંધ’ના પગલે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તમામ પેટ્રોલ પંપ બંધ રહ્યા છે. જયારે એસ.જી. હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ બંધને કોંગ્રેસ દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા.
‘ભારત બંધ’ના પગલે શહેરની મોટાભાગની શાળાઓ સ્વેચ્છાએ બંધ રહી છે. આજે સવારે શરૂ થયેલી કેટલીક શાળા અને કોલેજોને એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા બંધ કરાવવામાં આવી હતી. જેમાં એલ.ડી.આર્ટ્સ કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજને એનએસયુઆઈ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.
દાણીલીમડામાં કોંગ્રેસના કાર્યકરોએ બીઆરટીએસના રૂટમાં બેસી જઈને બસોને અટકાવી હતી. આ સાથે કોંગ્રેસના કાર્યકરોએ આ વિસ્તારમાં આવેલી દુકાનો પણ બંધ કરાવી હતી.
જો કે, કેટલાક વિસ્તારોમાં શાળાઓ ચાલુ રહી હતી. જયારે કેટલીક જગ્યાએ શાળાઓને સ્વૈચ્છિક રીતે બંધ રાખી હતી.