ગાંધીનગર,
ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આર.ટી આઈ એક્ટિવિસ્ટ દ્વારા સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યા બાદ ભારત સરકાર અને કેન્દ્રિય સતર્કતા આયોગમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ગ્રાહકોની સુરક્ષા અને જાગૃતિ માટે વિવિધ સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યનું ગ્રાહક સુરક્ષા વિભાગ ભ્રષ્ટાચારના ભરડામાં ફસાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગ અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા તા. 2/11/2012 ના પત્રથી ભારતના છ રાજ્યોમાં ગ્રાહક જાગૃતિ માટે કુલ ૧,૯૮,૦૦,૦૦૦ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી ગુજરાત રાજ્યને બાવન લાખ રૂપિયા ૨૬ જિલ્લાઓ માં પ્રતિ જિલ્લામાં બે લાખ મુજબ ગ્રાહક જાગૃતિ માટે ખર્ચ કરવા ફાળવી આપ્યા હતા.
ગુજરાત રાજ્યના ગ્રાહક બાબતોના વિભાગ એટ્લે કે કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજેંસી ઓફ ગુજરાતના તત્કાલિન નિયંત્રક દ્વારા મનસ્વી રીતે ભારત સરકાર દ્વારા આપવામાં આવી ગ્રાન્ટનો દુરોઉપયોગ તેમજ ભ્રષ્ટાચાર કરાયેલ હોવાનું એક RTI માં સામે આવ્યું છે.
આ RTI ડીસાના એક અરજદાર પ્રીતેશ શર્મા એ ગાંધીનગરમાં આવેલ ગુજરાત ગ્રાહક સુરક્ષા વિભાગને લઇ કરી હતી અને ત્યારબાદ આપવામાં આવેલા જવાબમાં આ સમગ્ર કૌભાંડ બાહર લાવવામાં આવ્યું છે.
RTIના જવાબ બાદ રાજ્યના ગ્રાહક સુરક્ષા વિભાગે સદર રકમ ૨૬ જિલ્લાઓમાં વાપરવાની જગ્યાએ માત્ર બે જ જિલ્લાઓમાં વાપરેલ તેમજ તે ગ્રાન્ટ પૈકીના ખર્ચાઓ ખોટી રીતે નિયમો વિરુદ્ધ કરેલ હોવાના આક્ષેપો થયા છે.
જો કે ત્યારબાદ હવે ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ જે. શર્મા એ આ અંગે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ કેન્દ્રિય સતર્કતા આયોગ લેખિત રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, “કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજેંસી ઓફ ગુજરાતના તત્કાલિન નિયંત્રકે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો દુરપયોગ તેમજ ભ્રષ્ટાચાર કરેલ છે. નિયંત્રક દ્વારા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ સૂચનાઓનું પાલન કર્યા સિવાય સદર ગ્રાન્ટ વાપરી છે.
ભારત સરકારે આપેલ ગ્રાન્ટ રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ગ્રાહક જાગૃતિ માટે વાપરવાની થતી હતી પરંતુ નિયંત્રક એ સદર ગ્રાન્ટમાંથી એક જ સંસ્થાને મેગેજીન છાપવા ૧૮,૬૧,૫૦૦ રૂપિયા ચૂકવી આપેલા અને બાકીની રકમ પાર્કિંગ ફંડના એકાઉન્ટમાં જમા કરાવી તેમાથી ઘણા બધા ખર્ચાઓ કે જે ગળે ના ઉતરે તે પ્રકાર ના બતાવી ભ્રષ્ટાચારનું આચરણ કર્યું છે.