કેરળ
કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પુર અને ભૂસ્ખલનના લીધે કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે.
કેરળમાં ભારે પૂરના કારણે લોકોની જિંદગી હાલ-બેહાલ બની ગઈ છે. ત્યારે હાલ મળતી માહિતી અનુસાર, વડોદરાના બે વિદ્યાર્થીઓ કેરળના કોચીના અલુવામાં ફસાયા છે. આ બંને વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી અહીં ફસાયેલા છે.
બચાવકામગીરી માટે વિવિધ રાજ્યમાંથી બચાવ ટુકડીઓ પણ કેરળ પહોંચી રહી છે. કેરળમાં આવેલા ભારે પૂરને કારણે વડોદરાના બે સ્ટુડન્ટ પર કોચી શહેરમાં ફસાયા હોવાની માહિતી મળી છે. આ સિવાય અહીં વડોદરા ઉપરાંત ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરાના આ બંને વિદ્યાર્થીઓએ અલુવામાં એક ફ્લેટમાં આશ્રય લીધો છે.
એકવા શહેરના અમુક વિસ્તારોમાં 15 ફૂટ જેટલું વરસાદનું પાણી ભરાઈ ગયું છે. હાલ અહીં સુધી બચાવ કે રાહત કામગીરી કરી રહેલા લોકો પહોંચી શક્યા નથી. વીજળી ન હોવાને કારણે ગુજરાતના બંને વિદ્યાર્થીઓના મોબાઇલની બેટરી પણ ડાઉન થઈ ગઈ છે.
બંને વિદ્યાર્થીઓની છેલ્લે શુક્રવારે પરિવાર સાથે વાત થઈ હતી. બાદમાં બંનેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મળતી માહિતી અનુસાર, આ ફ્લેટમાં જમવા કે પાણીની કોઈ વ્યવસ્થા પણ નથી. ગુજરાતના બે વિદ્યાર્થીઓ સાથે 10 લોકો આ ફ્લેટમાં હાજર છે.