મંતવ્ય વિશેષ/ એક ક્લિકમાં જાણો ગુજરાતમાં કેવી છે મેઘમહેરની સ્થિતિ

ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વધુ પડતાં વરસાદને કારણે પાકમાં નુકસાનની ભીતિ છે.

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 5 એક ક્લિકમાં જાણો ગુજરાતમાં કેવી છે મેઘમહેરની સ્થિતિ
  • બનાસનદીમાં પાણીનો પ્રવાહ વધતા 10 ગામો પ્રભાવિત
  • રાપર શહેરમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી
  • કચ્છ જિલ્લામાં મેઘસવારી યથાવત્
  • જામનગરમાં સતત બીજા દિવસે વરસાદ
  • કરજણ ડેમમાં 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
  • પાટણમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો
  • ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં લાંબા વિરામ બાદ ગઈકલથી વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વધુ પડતાં વરસાદને કારણે પાકમાં નુકસાનની ભીતિ છે. સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો શહેરી વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયો છે તો ક્યાંક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે સાથે જ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો અનેક લોકોનું સ્થળાંતરનું કામ ચાલી રહ્યું તો  SDRF અને NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે આજ મુદ્દે જોઈએ વિશેષ અહેવાલ

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેહુલો જામ્યો છે. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિથી આજે સવાર સુધી રાપરમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જામનગરમાં પણ સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી ફળી વળ્યાં છે. તો બીજી તરફ ગત રાત્રિના સમયે કરજણ ડેમની જળસપાટી 113.52 મીટર ઉપર પહોંચી હતી, જેથી કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે.

રાપર તાલુકામા સાંબેલાધાર વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યવસ્ત થયું છે. રાપર શહેરમા છેલ્લા બે દિવસમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરનું આંઢવાળું તળાવ ઓગની જતા શહેરીજનોમાં આનંદ છવાયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે દિવસની અંદર ત્રણ થી છ ઇંચ વરસાદ વરસ્યો છે. જાટાવાડા બાલાસરનો નેશનલ કોઝવે સીઝનમા ત્રીજી વખત ધોવાયો હતો. જેથી પ્રાથળના ગામોનો વાહન વ્યવહાર ફરી અટક્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલી મેઘકૃપાથી વરસી રહેલા વરસાદના પગલે આજે પણ કચ્છ જિલ્લામાં મેઘસવારી યથાવત્ રહેતા જિલ્લાના દસે તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાપરમાં રાત્રિથી આજ સવાર સુધીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો રાપર તાલુકાના ફતેહગઢ ગેડી વચ્ચેની પાપડી બે કાંઠે વહેતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. જિલ્લામાં સવારના છ વાગ્યા સુધીમાં અંજારમાં 1 ઈંચ, અબડાસા 0.76 ઈંચ, ગાંધીધામ 0.92 ઈંચ, નખત્રાણા 0.56 ઈંચ, ભચાઉ 0.32 ઈંચ, ભુજ 1.92 ઈંચ, મુન્દ્રા 0.64 ઈંચ, માંડવી 0.68 ઈંચ, રાપર 4.8 ઈંચ, અને લખપત 0.76 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન જિલ્લાનું આકાશ ગોરંભાયેલું રહેતા હજુ વધુ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદ બાદ જ્યુબિલિ સર્કલ, ભાનુશાલી નગર સહિતના વિસ્તારના માર્ગો પર પાણી ભરાઈ જતાં લોકોને પસાર થવામાં હાલાકી ઊભી થઇ હતી.

જામનગરમાં આજે બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભાદરવામાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. મેઘરાજા મહેરબાન થઈને મન મૂકીને હેત વરસાવતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. વરસાદની ખેંચ પડ્યા બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોને કાચું સોનું વરસી હોય તેવું લાગી રહ્યું છે.

નર્મદા નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં પણ નર્મદા નદીનાં નીર ફરી વળ્યાં હતાં. ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે. આજ રોજ રાત્રિના સમયે કરજણ ડેમની જળસપાટી 113.52 મીટર ઉપર પહોંચી છે. કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. જે બાબતની તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર સ્ટેન્ડ બાય રહ્યું છે.

રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ખાતે પાણીની ભારે આવક થતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે કરજણ ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલી કરજણ નદીમાં 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો જેમ કે, રાજપીપળા, ભાચરવાડા, ધાનપુર, ધામનાચા, હજરપુરા જેવાં અનેક ગામોને સાબદાં કરાયાં છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવીરત વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી સાંતલપુરના ગામો સુધી વરસાદી પાણી આવતા અસરગ્રસ્ત બન્યા હતા, લોદ્રા અને ગાંજીસર ગામના રોડ પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, આ ભરાયેલા પાણીમાંથી લોકો જીવના જોખમે પસાર રહ્યા છે તો ખેડૂતોને ખેતરમાં જવામાં હાલાકી પડી રહી છે.

આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે રાજ્યના 248 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મેંદરડા રાધનપુરમાં 8-8 ઈંચ, બેચરાજી, ભાભર, મહેસાણામાં 7-7 ઈંચ, તેમજ દિયોદર, ડીસા, જૂનાગઢમાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.

જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ વધુ વરસાદ પડતા વિસાવદરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો જેને લઈ શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો મેંદરડામાં પણ 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ભાભરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. તેમજ જૂનાગઢની સોનરખી નદી ગાંડીતૂર બની હતી. દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે. બીજી તરફ ઠાસરા પાસેના શેઢી નદીના બ્રિજ પરથી પસાર થઈ રહેલો યુવાન તણાયો હતો.

કચ્છમાં પણ ભાદરવા માસમાં મેઘમહેર યથાવત્ રહેવા પામી છે. રાપર શહેર અને તાલુકામાં ગઈકાલે મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને એક કલાકના સમયમાં દે ધના ધન બેથી ત્રણ ઇંચ પાણી વરસાવી દીધું છે. મુશળધાર વરસાદ ખાબકી પડતાં માર્ગો પર જોશભેર પાણીના ધોધ વહી નીકળ્યા છે, તો અનેક સ્થળે ખેતરો પાણી પાણી થઇ જવા પામ્યાં છે. મોડી પણ મેઘમહેરથી જગતનો તાત ખેડૂત ખુશખુશાલ બન્યો છે.

ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં ભરપૂર પાણીની આવક થતાં નદી ગઈકાલે બે કાંઠે વહેતી થઈ હતી. જેના પગલે વહીવટી તંત્ર સહિત પોલીસ એક્શનમાં આવી હતી. ખેડા-માતર રોડ પર આવેલી શેઢી નદીનો બ્રિજ હાલ અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. ભારે વરસાદના કારણે ભરપૂર માત્રામાં પાણી આ નદીમાં આવી રહ્યું છે. જેના કારણે નદી બંને કાઠે કટોકટ વહેતી જોવા મળી રહી હતી. નડિયાદ -ડાકોર રોડ પર એક સાઈડનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે બેરિકેટ લગાવીને બ્રિજ બંધ કર્યો હતો. નદીમાં ભરપૂર માત્રામાં પાણી આવવાના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. જિલ્લાના ઠાસરા, નડિયાદ, મહુધા, ખેડા, મહેમદાવાદ, માતર તાલુકાનાં નદીકાંઠાનાં ગામડાઓને અસર કરી શકવાની શક્યતાઓ તેજ બની છે.

આંકલાવ તાલુકાના કહાનવાડી તેમજ ગંભીરા ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસી જવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન ગઈકાલે બંને ગામોના થઈ કુલ 75 જેટલા સ્થાનિકો પૂરનાં પાણીમાં ફસાયા હતા. જેથી આણંદ ફાયરબ્રિગેડ તેમજ SDRFની ટીમે રેસ્ક્યૂ હાથ ધરી, પૂરમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ બંને ટીમોએ ગ્રામજનોની મદદથી પૂરમાં ફસાયેલાં પશુઓના પણ જીવ બચાવ્યા છે. ફસાયેલા તમામ રહીશોને બોટમાં બેસાડીને સુરક્ષિત રીતે ગામની બહાર સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા હતા. આ ઉપરાંત પૂરના પાણીમાં એક ગાય પણ ફસાઈ હતી. આખી રાત પાણીમાં રહેવાથી તેમજ વધુ પ્રમાણમાં પાણી પી જવાથી આ ગાયની તબિયત લથડી હતી. ગાય ચાલી શકવા પણ સક્ષમ ન હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે સ્થાનિકોની મદદથી આ બીમાર ગાયને દોરડા વડે ખેંચીને એક મકાનની છત ઉપર સુરક્ષિત પહોંચાડી હતી.

ખેડા શહેરના પાળિયાદેવ મહાદેવના મંદિર ખાતે ગઈકાલે દર્શન અર્થે આવેલ કીર્તિદાબેન એન શાહ અને શૈલેષભાઈ તળપદા તથા અન્ય બે માણસો, જે શેઢી નદીમાં પાણી વધારે આવતા તેઓ મંદિર ખાતે ફસાઇ ગયાં હતાં. આ ઘટનાની જાણ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. તેમજ પોલીસને થતાં પોલીસના માણસો અને GSDMAના તાલીમ લીધેલ GRD સભ્યો દ્વારા રેસ્ક્યૂ કરી ફસાયેલ ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે.

જૂનાગઢની ઓઝત નદી ગાંડીતૂર બની હતી. ગઈકાલે ઓઝત ડેમના 8 દરવાજા ખોલાયા હતા. જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આણંદપુર ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. નાગલપુર આણંદપુર સહિતનાં ગામોને એલર્ટ કરાયાં છે. શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યા હલ થઇ ગઈ છે.

જૂનાગઢ શહેર અને ગિરનારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે જૂનાગઢ-ઝાંઝરડા રોડ તરફ જવાના રસ્તા પર ગરનાળામાં પાણી ભરાયાં હતાં. આ સમયે જ અહીંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ જતા ડ્રાઈવર અને વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. જો કે, સ્થાનિક દ્વારા તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દર ચોમાસે આ વિસ્તારમાં પાણી ભરાતું હોવા છતાં આ સમસ્યાનો કાયમી નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના દામોદર કુંડમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સોનરખ નદી ગાંડીતૂર બની હતી. જેને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. દામોદર કુંડે આવેલા સહેલાણીઓએ નાહવાની પણ મજા લીધી હતી. જૂનાગઢમાં નદી, નાળાં, સરોવર, ડેમ છલકાયાં છે. દાતાર ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી વિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થયો છે. સિઝનમાં સતત બીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થતાં લોકોને રાહત થઈ છે. જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તે પહેલાં જ તંત્ર સંતર્ક થયું છે. વિસાવદરમાં વધુ વરસાદના કારણે રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢ શહેરમાં ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર તૈયારીમાં લાગ્યું છે.

પાટણ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં ગઈકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ વધુ વરસાદ પડતા રાધનપુરમાં કુલ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી રોડ પર પાણી ભરાયાં હતાં. રાધનપુરના નીચાણવાળા વિસ્તારો સહિત મસાલી રોડ અને મેઇન બજારમાં પણ પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા હતા. પાટણ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. આખી રાત વરસાદ વરસતા શહેરના બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં. જેથી રસ્તો બંધ થતા યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી.

બનાસકાંઠામાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. ભાભરમાં અંદાજિત 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. લાટી બજારમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તરોમાં 4 થી 5 ફૂટ પાણીનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદથી લોકોના જાનમાલને નુકસાન પહોંચ્યું છે.

મહેસાણા જિલ્લામાં આજે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં સતત પડી રહેલા વરસાદને કારણે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મુખ્ય બસપોર્ટ પર પાણી ભરાઈ જતાં સમગ્ર બસપોર્ટ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હોય તેવાં દૃશ્ય સર્જાયાં હતાં. તેમજ મહેસાણાના ગોપીનાળામાં પાણી ભરાઈ રહેતા વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકો અટવાયા હતા. માલગોડાઉન રોડ પર પાણી ભરાઈ રહેતા વાહનચાલકો અને રાહદારી પાણીમાં ચાલીને વહેલી સવારે નોકરી-ધંધે જતા જોવા મળ્યા હતા.

દસાડા તાલુકા પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કપાસ, એરંડા સહિતનો પાક ખેતરમાં સુકાઈ રહ્યો હતો ત્યારે વરસાદ વરસતા ઉભેલા પાકોને જીવનદાન મળ્યું છે. ચોટીલા પંથકમાં લાંબા વિરામ બાદ સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતોના ખેતરમાં ઊભી મોલાતને વરસાદથી જીવતદાન મળ્યું છે. હજુ સારો વરસાદ વરસે અને નદીનાળાં ભરાય તો પાણીનાં તળ ઊંચાં આવશે, જેથી ખેડૂતો ઘઉં, જીરું તેમજ અન્ય પાકોનું વાવેતર કરી શકશે.

ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો હતો. ઓઝત-2 બાદલપરા ડેમના 8 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. 30 હજાર ક્યુસેક પાણીની આવક હાલ જોવા મળી રહી છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં ઓઝત-2 ડેમમાં પાણીની આવક વધી રહી છે. વંથલીનો ઓઝત વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઓઝત વિયર અને બાદલપરા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. વંથલી, કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાનાં ગામોને એલર્ટ આપાયું છે.

મુખ્યમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટુકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તહેનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11,900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે. 270થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર તૂટી પડેલા વૃક્ષોને હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા સૌ નાગરિકોને અપીલ કરું છું.

રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો હતો. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 18 સપ્ટેમ્બર, 2023ની સ્થિતિએ રાજ્યના મહત્ત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 3,34,080 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 100 ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યની અન્ય 206 જળ પરિયોજનાઓમાં 4,98,312 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 89.29 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યભરના કુલ 28 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 75.67 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલાં 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલાં 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતાં 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતાં 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે