MOU/ ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU થયા

માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ ATMP ફેસેલીટી શરૂ કરવામાં આવી

Top Stories Gujarat
1 4 5 ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU થયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઊંચી ઊડાન ભરાવીને આત્મનિર્ભર ભારત સાકાર કરવા ૧૦ બિલિયન યુ.એસ ડોલરનો સેમીકોન ઇન્ડીયા પ્રોગ્રામ કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે.વડાપ્રધાનની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ ATMP ફેસેલીટી શરૂ કરવામાં આવશે.વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ  વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.ગુજરાતમાં સુદ્રઢ મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-વેપાર માટેનું સાનુકૂળ વાતાવરણ અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પૂલની ઉપલબ્ધિ જેવી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરીંગ ફેસેલીટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-ર૦રર-ર૭ ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦રર માં જાહેર કરવામાં આવેલી છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળવત્તર બનાવતી આવી પોલિસી ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે.
એટલું જ નહિ, રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે.આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે.

ગુજરાત સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે થયેલા આ MoU દેશ માટે સિમાચિન્હ રૂપ ક્ષણ છે. આ ક્ષેત્રને અનુરૂપ રો-મટિરિયલ અને ફિનીશ્ડ પ્રોડક્ટસ માટેના આનુષાંગિક ઉદ્યોગો પણ ગુજરાતમાં આકર્ષિત થતાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશને રાજ્યમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથેની ૪પ,૦૦૦ હેક્ટર જમીન ડેવલપ કરી છે.
માઇક્રોને પોતાની નવી ATMP ફેસિલિટી માટે સાણંદ GIDC-II ને પસંદ કરી છે. સાણંદ GIDC હાઇલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ઝોન છે, અહીં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે.

આ અવસરે GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાએ માઇક્રોનને ૯૩ એકર જમીનની ફાળવણી માટેનો ઓફર કમ એલોટમેન્ટ (OCA) લેટર હેન્ડ ઓવર કર્યો હતો.માઇક્રોન કંપની સાણંદ GIDC એસ્ટેટની અંદર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની સ્થાપના કરશે, કંપની આ ફેસિલિટી ખાતે સેમિકન્ડક્ટર વેફરને બોલ ગ્રીડ એરે (BGA) ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્ઝમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
લીડરશીપ ઈન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન (LEED)ના ગોલ્ડ સ્ટાન્ડર્ડને અનુરૂપ અથવા તેથીએ ઉત્કૃષ્ટ એસેમ્બલી અને ટેસ્ટીંગ ફેસીલીટીની સ્થાપના કરવા માટે માઇક્રોન કંપની પ્રતિબદ્ધ છે. ઉપરાંત આ ફેસિલિટી ખાતે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) થાય તે માટેની એડવાન્સ વોટર સેવિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.સાણંદ ખાતેનો આ પ્લાન્ટ દેશની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં કાર્યરત અન્ય ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં આકર્ષિત કરશે. માત્ર એટલું જ નહીં, ગ્લોબલ સેમિકન્ડક્ટર જાયન્ટ્સ- વેશ્વિક મોટા ઉદ્યોગ ગૃહોને પણ ગુજરાતમાં પોતાની હાઇટેક મેન્યુફેક્ચરીંગ ફેસીલીટી સ્થાપવા માટે પ્રેરણા આપશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે માઇક્રોન ટેકનોલોજી ઇન્ક. કંપનીને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રની પાયારૂપ ફેસિલિટી સ્થાપવા ગુજરાતની પસંદગી કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ માઇક્રોન કંપનીને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી તેમજ સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, વરિષ્ઠ સચિવો, માઇક્રોન કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.