MANTAVYA Vishesh/ કોંગ્રેસ સાંસદના ઘેર આવકવેરા વિભાગના દરોડા, 300 કરોડની રોકડ,ભાજપે કરી EDને કેસ સોંપવાની માંગ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયેલી કોંગ્રેસ હજુ નિરાશાના ગાળામાંથી બહાર આવી ન હતી કે તેના ઝારખંડના રાજ્યસભાના સભ્ય ધીરજ પ્રસાદ સાહુ મોટી મુશ્કેલીમાં મુકાયા છે.ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના 10 સ્થાનો પર આવકવેરા વિભાગના છેલ્લા 72 કલાકથી દરોડાચાલુ છે. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં આશરે 300 કરોડ રૂપિયાથી પણ વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર ઘટના જુઓ આ વિશેષ અહેવાલમાં…..

Mantavya Exclusive Mantavya Vishesh
દરોડા

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગના દરોડા છેલ્લા 72 કલાકથી ચાલુ છે. આ દરોડા દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. રોકડ એટલી બધી હતી કે રોકડની ગણતરી માટે લાવવામાં આવેલા મશીનો પણ ગણતરી દરમિયાન બગડી ગયા હતા.જેથી નવા મશીનો મંગાવવાની ફરજ પડી હતી.

આપને જણવી દઈએ કે બુધવારે પ્રથમ દિવસે 150 કરોડની ગણતરી કર્યા બાદ મશીનો બગડી ગયા હતા, જેના કારણે ગણતરીની કામગીરીને અસર થઈ હતી. જેથી આવકવેરા વિભાગ દ્વારા વધુ ત્રણ ડઝન મશીનો લગાવવામાં આવ્યા હતા..સંબલપુરમાં SBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આવકવેરા વિભગના અધિકારીઓની વિનંતીને પગલે SBIની બાલાંગિર અને સંબલપુર શાખાઓમાં નોટોની ગણતરી કરવામાં આવી રહી છે.

ઓડિશામાં આવકવેરા વિભાગની ટીમે ભુવનેશ્વરના પલાસાપલ્લીમાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડની કોર્પોરેટ ઓફિસ, કંપનીના કેટલાક અધિકારીઓના ઘેર, કંપનીની ફેક્ટરી અને બૌધમાં આવેલી ઓફિસ અને રાણી સતી રાઇસ મિલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ધનુપાલીમાં દેશી દારૂની ફેક્ટરી અને સંબલપુરમાં બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપની લિમિટેડની ઓફિસમાંથી પણ મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી.

ઓડિશાના ભૂતપૂર્વ આઈટી કમિશનર શરત ચંદ્ર દાસે જણાવ્યું હતું કે ઓડિશામાં આવકવેરા વિભાગ દ્વારા રોકડની આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી હોઈ શકે છે. આવકવેરા વિભાગને આ રકમ ઓડિશા સ્થિત સાહુના પરિવારના સંબંધીઓના ઘરે અને દારૂની કંપનીઓની ઓફિસો પર દરોડા દરમિયાન મળી આવી છે.

શુક્રવારે આવકવેરાની ટીમે બાલાંગિર જિલ્લાના સુદાપાડામાં દારૂની કંપનીના મેનેજરના ઘરે દરોડા પાડીને ચલણી નોટોથી ભરેલી 156 થેલીઓ જપ્ત કરી હતી. આ રકમ 100 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. અગાઉ બુધવાર અને ગુરુવારે આવકવેરા વિભાગના અધિકારીઓએ બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝની બાલાંગિર ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને કબાટોમાં બંધ રાખવામાં આવેલી 200 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી.

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુના ઘર પર ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં અંદાજે રૂ. 300 કરોડની વસૂલાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે આને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણ આપતા નેતાઓનું અસલી સત્ય ગણાવ્યું હતું.. આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જનતા પાસેથી લૂંટાયેલા પૈસાનો પાઈપાઈનો હિસાબ લેવામાં આવશે અને તેમને દરેક પૈસો પરત ચુકવવો પડશે. તેમણે તેને મોદીની ગેરંટી ગણાવી હતી.

એડલું જ નહી વડા પ્રધાન નરેન્દ્ર માદીએ ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી મળી આવેલી રોકડની તસવીર સાથે પ્રકાશિત થયેલા અહેવાલને ટ્વિટર પર શેર કરતા કહ્યું કે “દેશવાસીઓએ આ નોટોના ઢગલાને જોવું જોઈએ અને પછી તેમના નેતાઓની પ્રામાણિકતા પરના ભાષણો સાંભળવા જોઈએ. જનતા પાસેથી જે લૂંટ મચાઈ છે તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે. આ મોદીની ગેરંટી છે.

રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના વિવિધ સ્થળોએ ઈન્કમ ટેક્સના દરોડામાં મોટી રકમની રિકવરી પર ભાજપે કોંગ્રેસ અને ઝારખંડ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. ઝારખંડ રાજ્ય ભાજપના પ્રમુખ બાબુલાલ મરાંડીએ જણાવ્યું હતું કે આઈટીના દરોડામાં મળેલી લગભગ 300 કરોડ રૂપિયાની રકમ સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ અને મુખ્યમંત્રી હેમંત સોરેનનું જોડાણ છે.

આમાં તેમનો પણ ભાગ હોઈ શકે છે. આ કેસમાં ધીરજ સાહુની ધરપકડ થવી જોઈએ. EDએ આ કેસનો કબજો મેળવવો જોઈએ અને ધીરજ સાહુની કડક પૂછપરછ કરવી જોઈએ.રાજ્ય ભાજપ જનતાના પૈસાની સતત લૂંટને સહન કરશે નહીં. પાર્ટી આ મુદ્દાને ગૃહથી શેરીઓ સુધી ઉઠાવીને સતત સંઘર્ષ કરશે.રાજ્ય ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા મરાંડીએ એ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુની ધરપકડની માંગણી સહિત ઝારખંડમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપ 10 ડિસેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરશે.

આવકવેરાના દરોડામાં ઝડપાયેલી આ રકમ દારૂના કૌભાંડમાંથી એકત્ર કરવામાં આવી છે. આ કૌભાંડના ગુનેગારો માત્ર ઝારખંડના નેતાઓ છે. એવી શક્યતા છે કે આ નાણાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે રાખવામાં આવ્યા હતા.મરાંડીએ કહ્યું કે ઝારખંડમાં EDના દરોડા પછી, એમ્બ્યુલન્સમાં પૈસા ઓરિસ્સા, બંગાળ અને બિહાર તરફ લઈ જવાની ચર્ચા રાતોરાત થઈ. આટલી મોટી રકમની વસુલાત બાદ આજે પણ આ ચર્ચા ચાલી રહી છે. આ પહેલા પણ ઝારખંડમાં EDની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની રિકવરી થઈ ચૂકી છે. મને શંકા છે કે આ સોનું લૂંટેલા પૈસાથી ખરીદ્યું હતું અને જમીનમાં દાટી દીધું હતું કે છુપાવ્યું હતું. જેમ જેમ તપાસ તેજ થશે તેમ સત્ય બહાર આવશે.

જ્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે પીએમએ વચન આપ્યું છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ દ્વારા ગરીબો પાસેથી છીનવાઈ ગયેલા તમામ નાણાં પરત કરવામાં આવશે. આવા ભ્રષ્ટાચારીઓને સખત સજા આપવામાં આવશે.જયારે દીલ્હીના ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ માત્ર પ્રેમની દુકાન ખોલી છે.

ફરક માત્ર એટલો છે કે આ ભ્રષ્ટાચારની દુકાન છે. હરીશ ખુરાનાએ એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કહેતા સંભળાય છે કે તેઓ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છે. હું ફક્ત મારા વિશે જ વાત નથી કરતો. એવું ન વિચારો કે આ માત્ર રાહુલ ગાંધી બોલી રહ્યા છે, આ સમગ્ર સંગઠન છે જેણે દેશને આઝાદી અપાવી.

આવકવેરા વિભાગના દરોડાનો શનિવારે ચોથો દિવસ છે. પરંતુ ચાર દિવસ વીતી જવા છતાં ધીરજ સાહુ કે તેની કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. શક્ય છે કે આવકવેરા વિભાગની ટીમ દ્વારા ચાલી રહેલી કાર્યવાહીને કારણે હાલના સમયમાં સાંસદ ધીરજ સાહુ અને તેમની કંપનીના પ્રતિનિધિઓ કંઈ કહી શકે તેમ નથી.

પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ધીરજ સાહુ હજુ પણ સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. તેમ છતાં તેમના તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. સાંસદ ધીરજ સાહુનો એક મોબાઈલ નંબર હાલમાં સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે, જ્યારે તેમના મોબાઈલ ફોન પર તેમના સહયોગીનો સંપર્ક કરતા માહિતી આપવામાં આવી રહી છે કે ધીરજ સાહુ દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને હાજર છે. પરંતુ તેઓ દિલ્હીમાં રાજ્યસભાના સાંસદો માટે આપવામાં આવેલા સરકારી આવાસમાં હાજર નથી, પરંતુ તેમના અંગત આવાસમાં છે.

જો આપણે ધીરજ સાહુની કુલ જાહેર કરેલી સંપત્તિ વિશે વાત કરીએ, તો 2018ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચ સાથે શેર કરેલી માહિતી અનુસાર, ધીરજ સાહુની કુલ સંપત્તિ 34 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન તેણે તેના 2.36 કરોડ રૂપિયાના દેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 2016-17ના આવકવેરા રિટર્નમાં, તેણે પોતાની આવક 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું.