પુના , કહી બુરખાને ના: ચેમ્પીયનશીપમાંથી બહાર
મહિલા ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વિશ્વ જુનિયર ચેમ્પિયન સૌમ્યા સ્વામીનાથને એશિયન ટીમ ચેસ ચેમ્પિયનશિપમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ ચેમ્પીયનશીપ ઈરાનના હમદાનમાં જુલાઈ 26 થી ઓગસ્ટ 04 દરમિયાન યોજાવાની છે. સૌમ્યાએ જણાવ્યું કે ઇસ્લામિક દેશનો ફરજીયાત સ્કાર્ફ પહેરવાનો નિયમ, તેના અંગત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સૌમ્યાએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે હું ઈચ્છતી નથી કે મને સ્કાર્ફ અથવા બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવે. મને લાગે છે કે ઈરાનનો ફરજીયાત સ્કાર્ફ પહેરવાનો નિયમ મારા મૂળભૂત માનવીય અધિકારોની સાથે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, અંતરાત્મા ને ધર્મની અભિવ્યક્તિનું સીધુજ ઉલ્લંઘન કરે છે. અત્યારની સ્થિતિને જોતા એવું લાગે છે કે મારા અધિકારોનું રક્ષણ કરવાનો એકજ રસ્તો છે કે હું ઈરાન ના જાવ.
આ પહેલા 2016માં ભારતની સ્ટાર શૂટર હિના સંધુએ પણ આ જ કારણથી એશિયન એરગન મીટમાંથી પોતાની ઉમેદવારી પછી ખેંચી લીધી હતી.
સૌમ્યાએ જણાવ્યું હતું કે જયારે તેણે ઇન્ડિયન ટીમનો ભાગ બનવા માટે હા કહ્યું હતું, ત્યારે પ્રતિયોગીતા બાંગ્લાદેશમાં થવાની હતી અને તારીખો પણ અલગ હતી. પરંતુ નવી તારીખો અને નવું સ્થળ આવ્યા બાદ મે મારી જાતને દુર કરી દીધી. જયારે સૌમ્યાને પૂછવામાં આવ્યું કે પ્રતિયોગીતા ઈરાનમાં રાખવા બાબતે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને વિરોધ કરવો જોઈતો હતો. સૌમ્યાએ ઉત્તર આપતા કહ્યું કે હું એવી અપેક્ષા ના રાખી શકું કે બધાના અભિપ્રાય મારા જેવા જ હોય. આ મુદ્દો વ્યક્તિ લક્ષી છે.
જોકે ફેસબુક પોસ્ટમાં સૌમ્યાએ લખ્યું હતું કે ખેલાડીઓના અધિકારને ખુબ જ ઓછુ મહત્વ અપાઈ રહ્યું છે એ જોઇને હું ખુબજ નિરાશ છું.
બીજા મહિલા ચેસ ખેલાડીઓની વાત કરીએ તો યુક્રૈનની મુઝીચૂક બહેનો, એન્ના અને મારિયાએ પણ સાઉદી અરેબિયામાં પ્રીમિયર ટુર્નામેન્ટ રમવાનો અસ્વીકાર કર્યો હતો. સાથે જ ઈરાનમાં ઓપન એશિયા ટીમ ચેમ્પીયનશીપ પણ થવાની છે.
ભારત સિંહ ચૌહાણ કે જેઓ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી છે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો ના હતો.
સૌમ્યાની ફેસબુક પોસ્ટ પર હજારો કમેન્ટ્સ થઇ હતી જેમાં લોકો તેની બહાદુરીની પ્રશંશા કરી હતી. અમેરિકાના ચેસ પ્લેયર નાઝી પૈકીઝે પણ ગયા વર્ષે ઈરાનમાં યોજાયેલી નોકાઉટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ જ કારણે ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.