Not Set/ નો રિપીટ થિયરીના ‘ઇન્જેક્શન’થી નરેન્દ્ર મોદીએ કર્યો ગુજરાતના રાજકારણનો ઇલાજ

પાર્ટીને જાહેર કરેલા આ કારણ પાછળ ગણતરી ભલે રાજકીય હોય. પણ અજાણતાય આ નિર્ણયમાં પ્રજાનું હિત ચોક્કસ જોવાઇ રહ્યુ છે.

Gujarat Mantavya Exclusive Others
nnnnnnnnnnnnnnnnnnnnnnn નો રિપીટ થિયરીના ‘ઇન્જેક્શન’થી નરેન્દ્ર મોદીએ કર્યો ગુજરાતના રાજકારણનો ઇલાજ

પરિવર્તન સંસારનો નિયમ છે તે હવે રાજકારણમાં પણ લાગું થઇ ગયો છે. નવા મંત્રી બનીને હરખાતા તમામ નેતાઓએ તેને હંમેશા યાદ રાખવું પડશે. કારણ કે ગત શનિવારથી ગુજરાતના રાજકારણમાં જે પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે તેનાથી લગભગ વર્ષોથી રાજકારણની સીડીઓ ચઢતા ઉતરતા સિનિયર નેતાઓ પણ અંધારામાં રહી ગયા. જે નેતાઓને પાર્ટી જ નહી પ્રજાએ પણ માથે બેસાડ્યા હતા અને તેઓ એક સલ્તનતની જેમ ગુજરાતમાં રાજ ભોગવતા હતા તે બધા જ હવે અચાનક જ સીધા ભોંયભેગા થઇ ગયા. જેનો તેમણે સપનામાં પણ કદી વિચાર કર્યો નહી હોય. પરિવર્તન નામનું એક વાવાઝોડું આવ્યું અને તેણે જાણે કે ક્ષણભરમાં જ સત્તાની ખુરશીના પાયા ઉખેડીને ફેકી દીધા. ગુજરાતના રાજકારણની કદાચ આ પહેલી ઘટના હશે. પણ આ ઘટના રાજકારણમાં આવીને ખરેખર પ્રજાની સેવા કરવા માંગતા નેતાઓ માટે આર્યુવેદની જેમ કામ કરશે. અને માત્ર હવાબાજી અને સત્તાના નશામાં રહેતા નેતાઓ માટે અફીણ જેવું કામ કરશે.

ખેર જે કંઇ થયુ તે કહેવાય તો એવું છે કે પ્રજાના હિત માટે થયું. પાર્ટીને જાહેર કરેલા આ કારણ પાછળ ગણતરી ભલે રાજકીય હોય. પણ અજાણતાય આ નિર્ણયમાં પ્રજાનું હિત ચોક્કસ જોવાઇ રહ્યુ છે. વિગતે વાત કરીએ તો આવુ કહેવા પાછળના કારણો ઘણા બધા છે. અને તેને સમજવા થોડા ગુજરાતના રાજનેતાની કથનીકરણીને સમજવી પડશે. જો કે પંજાની બધી આંગળીઓની જેમ બધા નેતાઓની કથની પણ એક સરખી નથી. પડતાં મુકાયેલા કેટલાક નેતાઓમાં સજ્જનતા પણ જોવા મળી. પણ જે કંઇ થયુ તે હજુ એક ઇશારો છે જે તેને સમજશે તે જનતાની વચ્ચે ચાલશે. અને હજુ પણ જે સત્તાની લાલસામાં જીવશે તેનાથી દિલ્હી દુર જ રહેશે.

એક સામાન્ય નાગરિકની લાગણી મુજબ છેલ્લા ઘણા સમયથી સ્પષ્ટપણે જોવાઇ રહ્યુ હતુ કે જે રાજનેતાઓને પ્રજાએ પસંદ કરીને ધૂરા સોપી હતી. તેમના વર્તન તેમની ભાષા અને તેમનો વ્યવહાર રામાયણના રામને બદલે રાવણ જેવો બની રહ્યો હતો. સત્તાની સાથે નશો હોય તે સ્વાભાવિક છે પણ નશામાં આળોટવું તે વ્યહવારિક તો નથી જ. અને ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી આમ જ ચાલી રહ્યુ હતું. જેનો અનુભવ ન માત્ર પ્રજાને પણ રાજકારણમાં સાથે ચાલતા અનેક નેતાઓને પણ થયો છે.

છેલ્લા બે ત્રણ દિવસનો જે ઘટનાક્રમ છે તે સૌ કોઇની સામે છે. રાજકારણમાં મહારથી સમજતા આવા નેતાઓને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે અચાનક મંત્રીમંડળના લીસ્ટમાંથી પણ તેમનું નામ ભૂસાઇ ગયું. એટલે સુધી કે તેમની કચેરીઓ અને બંગલા પણ રાતો રાત ખાલી કરવા પડ્યા. જે નેતાઓ હમણાં અઠવાડિયા પહેલાં જ સરકારી ગાડીઓમાં સત્તાનો કેફ ચઢાવીને ફરતા હતા તે પણ ઘડીકભરમાં છીનવાઇ ગઇ. દુનિયાભરને મુઠ્ઠીમાં ભરી લીધી હોય તેવા સપના જોતાં આવા મંત્રીઓના હાથમાં ધૂળ પણ ન રહી. આવુ કેમ થયુ તેનો વિચાર જો તેમને સત્તામાં રહેતા આવ્યો હોત તો કદાચ આજે પણ સત્તાના કોઇ ખુણામાં તેમની ખુરશી બચી હોત. જો કે તેમને આવો વિચાર ન આવે તેના પણ કારણો છે જેમ કે., જો છેલ્લા પાંચ વર્ષમાં તેમના પ્રજાકીય કામોની વાત કરીએ તો કોઇ એવું કામ નથી જે તેમના માટે આદર્શભાવ પેદા કરે. કામ તો છોડો તેમનો વ્યવહાર પણ એક નેતાને શોભવો જોઇએ તેવો ન હતો. પ્રજાની સાથે તોછડાઇથી વાત કરવી, કોઇની પણ વાતને ધ્યાનમાં ન લેવી, તુમાખીભર્યુ વર્તન કરવું આવા નેતાઓ માટે જાણે કે સામાન્ય બની ગયુ હતું. તેમને એમ હતુ કે ગુજરાતના રાજકારણમાં તેમના નામનો જાણે કે ખિલ્લો વાગી ગયો હોય. તેમને એમ હતું કે તેમના બંગલાની બહાર લાગેલી તકતીઓ અમર થઇ ગઇ છે. પણ આ તમામ ગણતરીઓ પર પુર્ણવિરામ મુકાઇ ગયુ છે.

પોતાના શાસનકાળમાં એવું નથી કે તમામ નેતાઓ આવા હતા. ઘણા નેતાઓએ તેમના કાર્યકાળમાં પ્રજાની સાથે શાલિનતા પણ બતાવી છે. આવા નેતાઓ સાથે પ્રજાની હમદર્દી પણ છે. પણ લાંબી લચક વાતો કરતાં જ એક સિનિયર નેતાને જોઇ લો. આ સિનિયર નેતા કોઇને ઉપયોગી થયા છે ? આ સવાલનો જવાબ હવે નવરાશની પળમાં તે નેતા જ આપી શકશે. બીજી વાર પડતાં મુકાયેલા આ મંત્રી મહોદય જ્યારે પણ કોઇને મદદ કરવાની વાત આવે તો તરત જ હાથ ઉંચા કરી દેતા હતા. પ્રમાણિકતાનો ઢોંગ કરતાં આ નેતાજીએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે તેની તો ગણતરી પણ નહી હોય. સત્તાના કેફમાં રાચતા આ નેતાએ કોઇ દરવાજો એવો નથી રાખ્યો જ્યાં જઇને ઉભુ રહી શકાય.

તો કેટલાક નેતાઓ વિજયરૂપાણીના રાજીનામા પછી પણ એવા સપના જોતા હતા કે આપણને તો કંઇ નહી થાય. ઉલટાનું પોતાનો નંબર આવે તેની લાલસામાં રાચતા હતા અને તેને સાકાર કરવાની કવાયત પણ કરી જોઇ. પણ કંઇ મેળ પડ્યો નહી. તો પાટલી બદલું નેતાજીઓને તો બાવાના બેય બગડ્યા. અને જાણ કે હવે હતા ન હતા થઇ ગયા. એટલે કે એમ સમજી લો કે અ‘ભૂતપુર્વ બની ગયા. નો રિપિટ થિયરી લાગું કરીને નરેન્દ્રમોદીએ જાણે કે ગુજરાતના રાજકારણમાં હાહાકાર લાવી દીધો. અહંકારમાં રાચતા અને હવમાં ઉડી રહેલા નેતાને ધરતી પર લાવી દીધા.

જો કે મહત્વની વાત હવે એ છે કે જેમને નવી સત્તા મળી છે. જેમને મંત્રી પદ મળ્યું છે. તેમણે આ ઘટનાને બરાબર દિમાગમાં બેસાડીને ચાલવું પડશે. શાલિનતા બતાવી પડશે. અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. સૌનો સાથ અને સૌના વિકાસની દિશામાં કામ કરવું પડશે. જેમને માત્ર સૌનો સાથ અને પોતાનો વિકાસ કરવામાં રસ હતો તેમની હાલત જોઇ શકાય છે. એટલે કે આ ઘટના નવનિયુક્તો માટે પણ લાલ સિગ્નલ છે. તેને જે સમજશે તે ૨૦૨૨માં પણ ચાલશે. અને જે નહી સમજે તેની હાલત તો સામે જ છે.