નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણનો મુદ્દે રોડથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ગરમાયો છે. આ મુદ્દે સંતો, મહંતો તેમજ રાજકીય પાર્ટીઓના નેતાઓ સહિત અનેક આગેવાનોના નિવેદન સામે આવી ચુક્યા છે, ત્યારે આ વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.
રામ મંદિરને લઈ તેઓએ કહ્યું હતું કે, “કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિરનો મુદ્દો શામેલ કરે છે, તો તો VHP પાર્ટીને સમર્થન આપવા માટે વિચારી શકે છે.
વિશ્વ હિંદુ પરિષદ તરફથી આ મહત્વનું નિવેદન એ સમયે આવ્યું છે જયારે અયોધ્યાના મંદિરના નિર્માણના મુદ્દાને લઇ ગરમાવો જોવા મળી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટ આ મામલાને ૨૯ જાન્યુઆરી સુધી ટાળી દીધો છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રામ મંદિર માટે જેઓએ સ્પષ્ટપણે વાયદો કર્યો છે, તે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીના ઘોષણાપત્રમાં આ મુદ્દો શામેલ કરે છે તો અમે તે અંગે વિચાર કરીશું. તેઓએ જે પ્રતિબંધ લગાવ્યો છે કે સંઘના સ્વયંસેવક કોંગ્રેસમાં જઈ શકતા નથી તેને પાછો લેવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હાલમાં કોર્ટમાં છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણી અમે નોકરી અને ખેડૂતો સાથેના જોડાયેલા મુદ્દાઓને લઈને લડીશું”.