hijab/ ઇયુના 27 દેશોમાં ખાનગી કંપનીઓ નોકરીના સ્થળે હિજાબ પર પ્રતિબંધ મૂકી શકેઃ ઇયુ સુપ્રીમ કોર્ટ

યુરોપીયન સુપ્રીમ કોર્ટે હિજાબ અંગે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે ઇયુના 27 દેશોમાં ખાનગી કંપનીઓ કામના સ્થળે હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે.

Top Stories World
hijab ban karnataka ઇયુના 27 દેશોમાં ખાનગી કંપનીઓ નોકરીના સ્થળે હિજાબ પર પ્રતિબંધ મૂકી શકેઃ ઇયુ સુપ્રીમ કોર્ટ
  • યુરોપીયન યુનિયનના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિરોધનો વંટોળ જાગી શકે
  • હિજાબ પર પ્રતિબંધથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતી નથીઃ કોર્ટ
  • બેલ્જિયમની કંપનીમાં કામ કરતી તાલીમાર્થીએ કરેલી અરજીના પગલે નિર્ણય લેવાયો

ભારત અને ઇરાનમાં ચાલતા હિજાબ વિવાદનો તણખો હવે યુરોપમાં પણ ફૂટશે તેમ માનવામાં આવે છે. યુરોપીયન સુપ્રીમ કોર્ટે હિજાબ અંગે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે ઇયુના 27 દેશોમાં ખાનગી કંપનીઓ કામના સ્થળે હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે. યુરોપીયન યુનિયનની ટોચની કોર્ટે જણાવ્યું છે કે જો કોઈ કંપનીએ માથુ અથવા મો ઢાંકવા પર પ્રતિબંધ મૂક્યો છે તો આ નિયમ હિજાબ પર પણ લાગુ પડશે. કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણયથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતી નથી અને કોઈની સાથે ભેદભાવ પણ થતો નથી.

ઇયુ સુપ્રીમ કોર્ટના નિર્ણયે સમગ્ર યુરોપને હચમચાવી દીધું છે. વાસ્તવમાં કોર્ટનો આ નિર્ણય બેલ્જિયમની એક કંપનીમાં કામ કરતી તાલીમાર્થીની અરજી પર આવ્યો છે. અરજદાર મહિલાનો આરોપ છે કે તે કંપનીમાં અઠવાડિયા માટે તાલીમ માટે ગઈ હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે તે હિજાબ પહેરી શકતી નથી.

અરજદાર જે કંપનીમાં તાલીમ લઈ રહી છે તેણે નિયમ બનાવ્યો છે કે ઓફિસમાં કોઈપણ વ્યક્તિ કેપ, ટોપી, સ્કાર્ફ કે માથુ અથવા મોઢું ઢાંકવા જેવી વસ્તુ પહેરી શકે નહી. અરજદાર મહિલાએ કંપનીના આ નિયમને તેના ધર્મ વિરુદ્ધ માન્યો હતો. તેના પછી તેણે બેલ્જિયમની કોર્ટનો સંપર્ક કર્યો. બેલ્જિયમની કોર્ટે યુરોપીયન યુનિયનના કાયદા અંગે સ્પષ્ટતા માટે કેસ યુરોપીયન યુનિયનની સુપ્રીમ કોર્ટમાં મોકલ્યો. તેના પછી યુરોપીયન યુનિયનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે હેડસ્કાર્ફ કે હિજાબ પર પ્રતિબંધ ઇયુના કોઈ કાયદાનો ભંગ કરતો નથી.

હિજાબ પર પ્રતિબંધ એવો મુદ્દો છે જેણે યુરોપને વર્ષોથી બે ભાગમાં વહેંચી દીધું છે. 2004માં ફ્રાન્સે સરકારી શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત જાહેર સ્થળોએ નકાબ કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકનારો ફ્રાન્સ પહેલો યુરોપીયન દેશ છે. તેના પછી હોલેન્ડમાં શાળાઓ, હોસ્પિટલો અને જાહેર પરિવહનમાં પણ બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.