માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ગુજરાત રાજ્યની ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ સોમવારે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. ધોરણ-૧૦નું માર્ચ ૨૦૧૮નું પરિણામ ૬૭.૫ ટકા જાહેર કરવામાં આવ્યુ છે.
છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ ઘણું સારું રહ્યું હતું. માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૭૨.૬૯ ટકા છોકરીઓ પાસ થઇ છે જયારે ૬૩.૭૩ ટકા છોકરાઓ ઉતીર્ણ થયા છે.
આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૦.૯૨ ટકા રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યું છે. આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પૈકી પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી વધારે રહી છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પાસની ટકાવારી અંગ્રેજી માધ્યમ કરતા ઓછી રહી છે. આ વર્ષે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ખુબજ ખરાબ રહ્યું છે.
ગુજરાતી ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગંભીરતા નથી દેખાઈ રહી. વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા સમજી નથી શકતા કે એમને માતૃભાષાનું શિક્ષણ સરખી રીતે આપવામાં નથી આવતું, એ જોવાનું રહ્યું. પાછલા થોડા વર્ષોના ધોરણ-૧૦ બોર્ડના પરિણામો પર નજર કરીએ તો જોવા મળશે કે ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે.
૨૦૧૧માં ધો.૧૦માં ૬૮૨૨૭ એટલે કે ૯.૨૮ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. ૨૦૧૪માં ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૬૧ લાખથી પણ વધારે હતી, જયારે ૨૦૧૫માં ૨૬.૬૩ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતી ભાષામાં નાપાસ થવાવાળા વિદ્યાર્થીઓની ટકાવારીમાં ૧૭.૩૫ ટકાનો વધારો નોંધાયો છે. SSC બોર્ડની પરીક્ષામાં બેસતા સરેરાશ 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીના પ્રશ્નપત્રમાં નપાસ થાય છે.
પાછલા વર્ષોના આંકડા જોઇને સાફ લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેના અણગમામાં વધારો થઇ રહ્યો છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું વ્યાકરણ સમજવામાં સમસ્યા થાય છે, અને મોટા ભાગે વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન વગેરે વિષયોમાં વધારે ધ્યાન આપતા હોય છે જયારે ગુજરાતી વિષયને વિદ્યાર્થીઓ ખુબ હળવાશ થી લે છે જેના કારણે ઘણીવાર વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર સમજવામાં તકલીફ પડે છે.
ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે, અને વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યે જાગરૂકતા વધે એ માટેના પગલાં લેવાની જરૂર છે.