રાજકોટ,
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તબીબ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યુ હતું..આ બનાવની પીડિતાએ ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. ઘટના અંગે પોલીસની શંકાસ્પદ કામગીરીને લઈને સવાલો ઉઠતા અંતે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી.
મૂળ યુપીના વારણસીના અને અમદાવાદમાં રહેતા આરોપી ડૉ.સચિનસિંઘે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સર્જરી વિભાગના વડાને પણ કરી હતી. ફરિયાદને આધારે બીજા જ દિવસે આરોપીને કોલેજની એન્ટિ હેરેસમેન્ટ કમિટીની બેઠકમાં હાજર કરાયો હતો. જેમાં સચિને કમિટી સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરતા તેને તાત્કાલિક એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયો હતો. જે મુજબ 4 સપ્ટેમ્બરે જ તેનું સસ્પેન્શન અમલી થતા આરોપીનો હોસ્ટેલનો રૂમ ખાલી કરાવાયો હતો.
પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ મૂળ યુપીના વારાણસીના અને અમદાવાદ રહેતા આરોપી ડો. સચીનસિંઘે 30 ઓગષ્ટે સર્જરી વોર્ડમાં રાત્રી દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું. જે અંતર્ગત ભોગ બનનારે તા. 2 સપ્ટેમ્બરે સર્જરી વિભાગના વડાને અરજી કરી પોતાની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી.
જો કે તા. 22 સપ્ટેમ્બરે તબીબ વિધાર્થીની અને તેના પિતાએ કોલેજના પગલાંથી સંતુષ્ટ ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી, મેડિકલ પણ કરાવ્યું હતું. પણ સમગ્ર ઘટના મિડિયા સુધી ન પહોંચે તે માટે ડેઇલી ક્રાઈમ રિપોર્ટમાં પણ ઘટનાનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નહોતો.
ત્યારે આજરોજ આ બનાવ અંગેની સમગ્ર માહિતી આપવા માટે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને ગણપતિ વિસર્જનની વ્યસ્તતા જેવા વિવિધ કારણોથી ઘટના મિડિયા સમક્ષ ન મૂકવામાં મોડું થયાનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ ઉપર કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહિલા તબીબે ડો.સચીનસિંઘ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવતા હોસ્પિટલમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના રિકોર્ડિંગ તપાસવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ફરિયાદમાં જણાવેલા સમય અને સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી.
આ ફૂટેજમાં આપેલા સમય મુજબ જ આરોપી સચીનસિંઘ ફરિયાદીની પાછળ સર્જિકલ વોર્ડમાં જતો અને પરત આવતો પણ સ્પષ્ટ જોવા મળે છે. ત્યારે હવે આ મામલે આરોપી પર કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.