- ૧૯૭૫ના વાવાઝોડા અને ૧૯૭૯ની મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે કહેલું કે પહેલા તંત્રને કામ કરવા દો
- પહેલા તંત્રને કામ કરવા દો – પહેલા બચાવ પછી રાહત અને પુનઃસ્થાપન એટલે કે વીજળી-પાણી રસ્તા સહિતની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારના કોઈ પ્રધાને તે વિસ્તારમાં જવાથી દૂર રહેવામાં જ શાણપણ છે
- નેતાઓએ લોકોની ખોરવાયેલી સુવિધા ચાલું કરાવવા દોડવું જાેઈએ. અમે આ વિસ્તારનું નિરિક્ષણ કર્યું કે સમીક્ષા કરી તેના ફોટા પડાવી પ્રસિદ્ધ મેળવવા નહિ
@હિમ્મતભાઈ ઠક્કર, ભાવનગર
કોરોનાના કારણે ભાંગી પડેલા અર્થતંત્રને તાઉ-તે વાવાઝોડાએ વધુ હાની પહોંચાડી છે. ગુજરાતમાં વધુ હાની પહોંચાડી છે. ગુજરાતમાં જાનહાની રોકવામાં કે ઓછી જાનહાની માટે સફળ થયેલ તંત્ર ગમે તેટલા દાવાઓ કરે પણ રસ્તાઓ અને વિજળીની બાબતમાં તંત્ર નિષ્ફળ ગયાની કે મોડા પડ્યાની ચર્ચા લોકોમાં થાય છે. ઘણા વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસ સુધી વીજપુરવઠો ખોરવાયેલો રહે તેનો અર્થ ખરો ? આના કારણે લોકોની શી હાલત થાય તેનો કોઈએ વિચાર કર્યો છે ખરો ? જેને રાત્રે અંધારામાં રહેવું પડ્યું હોય અને દિવસે બફારામાં શેકાવું પડ્યું હોય તેને જ આ યાતના સમજાય. તે તો ઠીક પણ સતત બે કે ત્રણ દિવસ વિજળી ન આવે તો પાણીની પણ સમસ્યા સર્જાવાની જ છે. જે વિસ્તારમાં વિજળી બે કે ત્રણ દિવસ સુધી ન આવી હોય ત્યાં લોકોને પાણી પણ ન મળે અને પીવાના પાણી માટે બીસ્લેરી શોધવા નીકળવું પડે અને કેટલાક આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તો લોકોને પાણી વગર પણ ચલાવી લેવું પડે તે કેવી કમનસીબી કહેવાય ?
૧૯૮૨માં વાવાઝોડા વખતે જે કોઈ સમસ્યા સર્જાઈ હતી તે એક કે દોડ દિવસ પુરતી હતી તેવું તે વખતના લોકો કહે છે. ૧૯૮૧ના નવેમ્બરમાં જે વાવાઝોડું ફૂંકાયેલું તેમાં તે વખતની સાધનોની મર્યાદાના કારણે સ્થળાંતર ન કરાવી શકતા તંત્ર જાનહાની નહોતું અટકાવી શક્યું તે વાત સાચી પરંતુ વાવાઝોડા બાદ રાબેતા મુજબની સ્થિતિ સ્થાપવામાં તંત્રને વધારે સમય લાગ્યો નહોતો. ૧૯૮૧માં વધારે સમય લાગ્યો નહોતો. ૧૯૮૧માં પોતાના વિસ્તારમાં વિજ પુરવઠો ચાલુ કરાવવા લોકોને વીજતંત્રની ઓફિસે જઈ હલ્લાબોલ કરવાનો વારો આવ્યો નહોતો. અત્યાર કરતાં મર્યાદિત અને ટાંચા સાધનો હોવા છતાં માત્ર દોઢ બે દિવસના ગાળામાં પરિસ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હતી.
જ્યારે ૧૯૯૮માં કંડલા આસપાસના વિસ્તારમાં જે વાવાઝોડાનું તાંડવ ખેલાયું તેના કારણે તે વખતે સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા જાનહાની પણ થઈ અને દરેક સ્થળે ઘરવખરી સહિત તમામ બાબતોને નુકસાન પણ થયું હતું પરંતુ આજ કંડલા અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ થાળે પાડવામાં તે વખતના તંત્રને માત્ર દોઢ જ દિવસનો સમય લાગ્યો હતો. તે વખતે પણ અત્યાર કરતાં ઓછા સોર્સ હોવા છતાં લોકોને અત્યારે જે ૪૮ કલાક કરતાં વધુ સમય સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટના વાતાવરણમાં વીતાવવો પડ્યો તેવી સ્તિતિનું સર્જન થયું નહોતું કે પાણી વિના ટળવળવું પડે તેવી હાલત થઈ નહોતી.
૧૯૭૫ના વાવાઝોડા વખતે પણ પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાએ તબાહીનું તાંડવ ખેલ્યું હતું. જાનહાની પણ મોટા પ્રમાણમાં થઈ હતી અને નુકસાન પણ વ્યાપક પ્રમાણમાં થયું હતું પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને જેને સાદગી અને સુશાસનના પર્યાય માનવામાં આવે છે તેવા લોકોના દિલમાં વસેલા આગેવાન બાબુભાઈ જશભાઈ પટેલ ત્રીજા દિવસે સવારે તબાહીનો ભોગ બનેલા પોરબંદર અને આસપાસના વિસ્તારોની મુલાકાતે ગયા ત્યારે પરિસ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હતી. ૧૯૭૯ની મોરબી હોનારત વખતે પણ ચોથા દિવસે બાબુભાઈ જશભાઈ પટેલ મોરબીની મુલાકાતે ગયા ત્યારે ઘણા લોકોએ અને અખબારી પ્રતિનિધિઓએ એવી ટકોર કરી હતી કે તમે પોરબંદર પણ મોડા પડ્યા હતા અને મોરબી પણ મોડા આવ્યા છો આમ કેમ ? ત્યારે બાબુભાઈએ સરસ જવાબ આપ્યો કે હોનારત પછીના ૪૮ કલાક જ્યારે રાહત બચાવ અને રીસ્ટોરેશનની કામગીરી પૂરજાેશમાં ચાલતી હોય ત્યારે કોઈપણ નેતા આ વિસ્તારોની મુલાકાતે જાય તો તંત્રની કામગીરીમાં સીધો કે આડકતરો અવરોધ ઉભો થાય છે.
તેના કારણે લોકોને વધુ વખત પ્રાથમિક સુવિધાઓ વગર ચલાવવું પડે છે અને તેના કારણે સામાન્ય માનવીની પરેશાની પણ વધે છે. પહેલા તંત્રને કામ કરવા દો – પહેલા બચાવ પછી રાહત અને પુનઃસ્થાપન એટલે કે વીજળી-પાણી રસ્તા સહિતની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારના કોઈ પ્રધાને તે વિસ્તારમાં જવાથી દૂર રહેવામાં જ શાણપણ છે. તંત્ર પર નજર રખાય, કામગીરી ન થતી હોય તો પગલાં પણ ભરાય પણ રૂબરૂ જઈ તંત્રને પોતાની સેવામાં ખડે પગે તો ન જ રખાય. ગુજરાતના આ મહાનુભાવના જવાબમાં ઘણું બધું આવી જાય છે. જવાબદાર નેતાઓ લોકોને જરૂરી સુવિધા આપવા માટે દોડે તે સારૂ પણ માત્ર નિરીક્ષણ કે સમીક્ષા કરવા દોડે તે કોઈ રીતે વ્યાજબી પણ નથી અને યોગ્ય પણ નથી. નેતાઓએ લોકોની ખોરવાયેલી સુવિધા ચાલું કરાવવા દોડવું જાેઈએ. અમે આ વિસ્તારનું નિરિક્ષણ કર્યું કે સમીક્ષા કરી તેના ફોટા પડાવી પ્રસિદ્ધ મેળવવા નહિ. લોકોને ગમે તેવી આફત બાદ ઓછામાં ઓછી સગવડ પડે તે જ સાચું સુશાસન છે, સાચું રામરાજ્ય છે. બાકી તો હવે પ્રજા તો સહન કરવા ટેવાયેલી છે અને શાસકો તેને સજા કરી રહ્યા છે તે તો કહેવું જ પડે.