Cyclone Biparjoy/ ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખાઉ બંદર નજીક ‘અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા’ તરીકે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે,

Top Stories Gujarat Others
Untitled 63 ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો

ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ચક્રવાતના ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થળાંતરના પ્રયાસો ચાલુ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાતના વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આશરે 30,000 લોકોને સાવચેતીના પગલા તરીકે કામચલાઉ કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. 1965 પછી જૂનમાં ગુજરાતમાં ત્રાટકનાર આ ત્રીજું ચક્રવાત હશે.

ચક્રવાત બિપરજોય ક્યારે કરશે લેન્ડફોલ?

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત બિપરજોય ‘ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડા’માં તીવ્ર બની ગયું છે. તે ગુરુવારે (15 જૂન) સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક પહોંચશે. તે સમયે પવનની મહત્તમ ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

અમદાવાદ IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ચક્રવાત ગુજરાતના કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે પસાર થવાની સંભાવના છે. તે ગુરુવારે સાંજે જખૌ બંદર પરથી પસાર થશે. IMD એ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.

ચક્રવાત બિપરજોયથી કયા વિસ્તારો થશે પ્રભાવિત?

ચક્રવાત બિપરજોયની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાત તે જ દિવસે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગે 15 જૂનની સવાર સુધી પવનની ઝડપ 120-130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી આપી હતી. તે 145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે. બુધવાર સાંજ સુધી દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની સંભાવના છે.

ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ ચક્રવાત બિપરજોયથી થયેલા નુકસાનને ઘટાડવાની તૈયારીઓ કરવામાં આવી છે. NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) એ સાવચેતીના પગલા તરીકે બે વધારાની ટીમો તૈનાત કરી છે. NDRFની ટીમો મુંબઈના અંધેરી અને કાંજુરમાર્ગમાં તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને પશ્ચિમ રાજસ્થાન બિપરજોયથી પ્રભાવિત થશે.

રાહત અને બચાવની તૈયારી કેવી છે?

NDRF અને SDRFની કેટલીક ટીમો સ્ટેન્ડબાય પર છે. સેના પણ રાહત કાર્યમાં મદદ કરવા તૈયાર છે. પૂર રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્ય રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે લગભગ 30,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી બે તબક્કામાં કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં દરિયાકાંઠાના 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સલામતી અને ટ્રેનના સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. 69 ટ્રેનો રદ કરવામાં આવી છે. 32 ટ્રેનો તેમના અંતિમ સ્ટેશનો પર પહોંચતા પહેલા જ રોકી દેવામાં આવી છે. તે જ સમયે, 26 ટ્રેનો ખોલવાનું સ્ટેશન બદલવામાં આવ્યું છે.

આ પણ વાંચો:પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર, 20થી વધુ વૃક્ષ ધરાશાયી: એક યુવકનું મોત

આ પણ વાંચો:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા, 14 થી 16 જૂન ભારે વરસાદ 

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચો:વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચો:વાવાઝોડું ત્રાટકે કે ન ત્રાટકે સૌરાષ્ટ્ર-કચ્છને 400 કરોડનું નુકસાન નિશ્ચિત