સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા બાબતમાં કોલકત્તા હાઈકોર્ટની ટકોર બાદ ચૂંટણીપંચ થોડુંક કડક બન્યું પણ આ અંગે વહેલું જાગ્યું હોત તો સારૂ હતું તેમ જાણકારો કહે છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવા સહિતની રાજકારણીઓ સહિતની સૌની ટેવ જ કોરોનાનું સંક્રમણ વધારી રહી છે જેની સૌથી મોટી કમનસીબી જ આ બાબત કહી શકાય તેમ છે. દેશમાં કોરોનાનો આંક સંક્રમણનો બુધવારે ૧,૮૪,૦૦૦ને વટાવી ગયો છે. એક જ દિવસમાં ૮૦૦ થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. દેશના ૧૧ રાજ્યોના ૫૦ થી વધુ જિલ્લાઓમાં લોકડાઉન છે. તો ગુજરાતના ૨૦ સહિત ૧૦૦ થી વધુ મહાનગરો અને નગરોમાં રાત્રિ કર્ફ્યું છે. જ્યારે ગુજરાતમાં ઘણા સ્થળોએ તો લોકોએ સંપૂર્ણ તો કેટલાક સ્થળએ સ્વયંભૂ લોકડાઉન પાળી બતાવ્યો છે. ભલે અત્યારે કેરળ, પોંડીચેરી, તમિલનાડુ અને આસામમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કા બાકી છે અને તેનો ચૂંટણીપ્રચાર પૂરજોશમાં છે. ટીએમસી, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધન દ્વારા યોજાતી રેલીઓમાં વિશાળ જનમેદની ઉમટી રહી છે. મંચ પરના કો’ક નેતાઓ માસ્ક પહેરે છે તો કો’ક નેતાઓ કોવિડની ગાઈડલાઈનની ઐસી કી તૈસી કરીને નિયમોનો છેડેચોક ઉલાળિયો કરી રહ્યા છે. આ જેવી તેવી વાત તો નથી જ.
હવે પશ્ચિમ બંગાળમાં રહી રહીને ચાર તબક્કા બાદ ચૂંટણી પંચ જાગ્યું છે. કોલકત્તા હાઈકોર્ટે પણ મંગળવારે જણાવ્યું છે કે પક્ષોએ ચૂંટણીપ્રચાર સમયે આરોગ્યની જાળવી સંબંધી બધી સૂચનાઓનું પાલન કરવુ જોઈએ. કોલકત્તાની હાઈકોર્ટની બેચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં રાજકીય નેતાઓને કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરવા ફરજ બાડી અને તેમાં જરૂર પડે પોલીસ અધિકારીઓની મદદ પણ લેવામાં આવે. જે લોકો કોવિદના નિયમોનું પાલન નથી કરતાં તેની સામે પગલાં લેવામાં આવે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે દરેક કાર્યક્રમોમાં માસ્ક અનિવાર્ય છે. વક્તાઓ, શ્રોતાઓ અને સ્વયંસેવકો માસ્ક પહેરીને જ આવે અને ચૂંટણી સંબંધિત અધિકારીઓ એ વાતનો ખ્યાલ રાખે કે સભા રેલી સ્થળોએ સેનેટાઈઝરની વ્યવસ્થા હોય. કોર્ટની ટકોર બાદ ચૂંટણીપંચ પણ જાગ્યું છે અને મોડે મોડે પણ પશ્ચિમ બંગાળમાં તમામ રાજકીય પક્ષોને સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી સહિતના જે નિયમો છે તે પાળવા સૂચના આપી છે. સર્વપક્ષીય બેઠક પણ બોલાવી તાકીદ કરી છે અને એવી ચેતવણી પણ આપી છે કે જો આ કાર્યવાહી નહિ થાય તો કડક પગલાં ભરાશે.
હવે સવાલ એ ઉભો થાય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડતા દરેક પક્ષોએ કોવિદ-૧૯ની ગાઈડલાઈનનો ભંગ કર્યો છે કે અત્યાર સુધી યોજાઈ ગયેલી અસંખ્ય રેલીઓમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન જરાય થયું નથી. સાથોસાથ ભીડ ભેગી કરી પોતે જાણે કે મોટી સિદ્ધી મેળવી હોય તેવો દાવો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મમતા બેનરજી અને છેલ્લે તો બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ લાંધીએ પણ સભા સંબોધી છે અને તેમાં પણ જરાય સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી તે હકિકત છે. મમતા બેનરજી ચૂંટણી સભાઓમાં બોલે અને સામા પક્ષના નેતાઓ આચારસંહિતા ભંગની ફરિયાદ કરે અને ચૂંટણી પંચ મમતા બેનરજીને એક દિવસ ચૂંટણી પ્રચાર ન કરવા સૂચના સાથે પ્રતિબંધ લગાવે અને પોતાનું પગલું એકતરફી ન લાગે તે માટે ચૂંટણીપંચ ભાજપના બે બીજા વર્ગના ગણાતા નેતાઓના ચૂંટણી પ્રચારને રોકે તે કામગીરી માત્ર ૭૨ કલાકમાં થાય.
જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે ચૂંટણીપંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોવિદ ગાઈડલાઈનનું પાલન થવું જ જોઈએ છતાં કેમ ન થયું ? આ મોટો પ્રશ્નાર્થ છે. ચાર તબક્કા પતી ગયા પછી ચૂંટણીપંચ જાગ્યું અને હવે સૂચનાઓ તાકીદ અને બેઠકોનો દોર શરૂ કર્યો છે. પગલાં ભરવામાં આવે છે કે નહિ તે જોવાનું રહે છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલાં જ નિશ્ચિત હતું કે ત્યાં ટીએમસી સત્તા જાળવવા અને ભાજપ દેશનું વધુ એક રાજ્ય મેળવવા તમામ તાકાત કામે લગાડશે તે નિશ્ચિત જ હતું. જ્યારે ડાબેરીઓ અને કોંગ્રેસનું ગઠબંધન પોતાનું અસ્તિત્વ બતાવવા માટે પૂરી તાકાત કામે લગાડશે. આ બધું બંધ રહ્યું ત્યારે ૨૭મી એપ્રિલના છેલ્લા તબક્કાના મતદાન આડે માત્ર ૧૩ દિવસ અને એકંદરે કહો તો ૧૧ દિવસનો ચૂંટણી પ્રચાર બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીપંચ કેમ જાગ્યું ? જેમ કેટલીક રાજ્ય સરકારોને કોર્ટ ટકોર કરે પછી જ જાગવાની અદત પડી ગઈ છે અને ત્યારબાદ પણ નિર્ણાયક પગલાં પૈકી કેટલાક લેવાય છે – કેટલાક પગલાં લેવાતા નથી. તેવી રીતે ચૂંટણીપંચ પણ સરકારોની જેમ કોઈ કોર્ટમાં જાય અને કોર્ટે ટકોર કરે તેની રાહ જોતું હતું ? આવા એક નહિ અનેક પ્રશ્નો ઉભા થાય છે તેનો જવાબ આપવો બધા માટે અઘરો પડે તેમ છે
જોકે હજી માત્ર તાકીદ કરી છે. સર્વપક્ષિય બેઠક બોલાવી સૂચના આપી છે અને લોકો કહે છે અને નિષ્ણાતો ટકોર કરે છે તે પ્રમાણે પગલાં લેવાનો સમય આવશે તે પહેલા ચૂંટણી પ્રચારને માત્ર ગણતરીના દિવસો બચ્યા હશે. જાણકારો કહે છે કે સૌપ્રથમ તો ચૂંટણીપંચે બંગાળમાં ચૂંટણી મતદાન વચ્ચે એક માસનું અંતર રાખવાની જરૂરત નહોતી. ૬ એપ્રીલે અન્ય રાજ્યોમાં ચૂંટણી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૯મી અને ૧૨૩મી એપ્રીલ છેલ્લા બે તબક્કા યોજી છ તબક્કામાં ચૂંટણી યોજી હોત તો ચાલત. રાજકીય કારણોસર એક જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે તેવું બોલવાનો કોઈને મોકો મળત નહિ. જો કે આપણા રાજકારણીઓ રાજ્ય સરકાર જેમ કોર્ટની ટકોર બાદ જ જાગે છે અને પછી પોતે ભરેલા પગલાં કોર્ટની સૂચના બાદ જ ભર્યા છે તેવો બચાવ કરે છે.
પશ્ચિમ બંગાળમાં તો છેલ્લે ચૂંટણીપંચ જાગ્યું તેમ ગુજરાતમાં પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભલે મોકૂફ રખાઈ પરંતુ મોરવા હડફની પેટાચૂંટણીના પ્રચારમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. કોરોનાના કહેર વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆરપાટીલે પણ ત્યાં સોશિયલ ડિસ્ટન્સના પાલન વગરની રેલી સંબોધી છે અને બુધવારે ભાજપની જે બાઈક રેલી યોજાઈ તેની તસવીરો અને વિડિયો નિહાળો તો લાગશે કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. બાઈકરેલીને લીલી ઝંડી આપનાર પ્રધાન બચાવ કરે છે કે રેલીમાં માત્ર ૪૩ બાઈકસવાર હતાં બાકી તો લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ પણ હજમ ન થાય તેવી બાબત કહી શકાય તેમ છે. અહિંયા કોંગ્રેસ પણ સભા કરી ચૂકી છે.