પંજાબ નેશનલ બેંક સાથે એક અબજ ડોલરની છેતરપિંડી કરવામાં અને મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદીને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટથી કોઇ રાહત ના મળતા તેને જેલમાં જ રહેવું પડશે. કોર્ટે વધુ એક વાર તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટમાં નીરવના વકીલ હાજર રહ્યા હતાં પરંતુ નીરવ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર રહ્યો હતો. અગાઉ પણ કોર્ટે તેની જામીન અરજી ફગાવીને વધુ સુનાવણી માટે આજની તારીખ આપી હતી. હવે જામીન અરજી ફગાવ્યા બાદ વધુ સુનાવણી 24 મે રોજ હાથ ધરાશે.
જણાવી દઇએ કે ગત 29 માર્ચના રોજ વેસ્ટમિંસ્ટર કોર્ટમાં નીરવ મોદીની જામીન અંગેની સુનાવણી થઇ હતી. એ સમયે નીરવ મોદીના વકીલ આનંદ દૂબે દ્વારા કોર્ટમાં પક્ષ રખાયો હતો પરંતુ કોર્ટ તરફથી તેને કોઇ રાહત મળી નહોતી. કોર્ટે સુનાવણી દરમિયાન બેંકને ખૂબજ નુકસાન થયું છે તેવું કહીને તેની જામીન અરજી ફગાવી હતી. તે ઉપરાંત સુનાવણીમાં કોર્ટે ઉમેર્યું હતું કે નીરવ મોદીએ પુરાવાઓને નષ્ટ કર્યા છે અને આ ઠગાઇનો અસાધારણ મામલો છે. નીરવ મોદી જાન્યુઆરી 2018 થી બ્રિટનમાં છે.
નીરવ મોદી અને મેહુલ ચોક્સીના કારની કરાઇ હરાજી – રૂ. 3.29 કરોડ ઉપજ્યા
એક તરફ કોર્ટમાં સુનાવણી થઇ હતી તો બીજી તરફ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની 13 માંથી 12 લક્ઝરી કારની ઓનલાઇન હરાજી કરાઇ હતી, આ હરાજીથી રૂ.3.29 કરોડ ઉપજ્યા હતા. મેટલ એન્ડ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા આ હરાજી કરાઇ હતી. ગત વર્ષે ઇડીએ મોદી અને ચોક્સી પાસેથી જપ્ત કરેલા કારના આ કાફલાની આજે હરાજી થઇ હતી. આ હરાજીમાં નીરવ મોદીની 11 તેમજ મેહુલ ચોક્સીની 2 કાર સામેલ છે. આગામી 2-3 ત્રણ દિવસમાં હરાજીના વિજેતાની ઘોષણા કરાશે.
આ કારની કરાઇ હરાજી
કાર કિંમત
રોલ્સ રોય્સ રૂ. 1.33 કરોડ
પોર્શે રૂ.54.6 લાખ
મર્સિડીઝ બેન્ઝ રૂ.14 લાખ
મર્સિડીઝ બેન્ઝ 2 રૂ.37.8 લાખ
બીએમડબલ્યુ રૂ.9.8 લાખ