અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બુધવારે મળેલી સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ભીનો-સૂકો કચરાને છૂટો પાડવા, સ્વમિંગ પુલ, આસારામ સ્ટોલ તેમ જ સ્કૂલ બોર્ડમાં ભષ્ટાચાર ચાલતો હોવાના 4 મુદ્દા પર 40 મિનિટ ચર્ચા ચાલી હતી.
પરંતુ મેયર સહિતના સત્તાધીશોને બુકફેરમાં જવાનું હોવાથી માત્ર ચાર જ મિનિટમાં 103 કામો વિરોધપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરી દેવાયા હતા.
સ્વિમિંગ પુલની ફીમાં બે ગણાં વધારા સામે કોંગ્રેસે આક્ષેપો કર્યા પછી સત્તાધીશ પાસે જવાબ માંગ્યો હતો. મેયર બિજલ પટેલે છેલ્લે તમામ મુદ્દાના જવાબો એકસાથે અપાશે તેમ જણાવીને વાત ઉડાવી દીધી હતી.
બુકફેરમાં આસારામને સ્ટોલ આપવાના મુદ્દે વિરોધ પક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તૌફીક ખાન પઠાણે કહ્યું કે, દુષ્કર્મ કેસમાં જેને સજા થઇ છે, તેવા આસારામના પ્રચાર માટે સ્ટોલ આપ્યો છે.
જેના જવાબમાં ભાજપ નેતા અમિત શાહે કહ્યું કે, 200 સ્ટોલની ઓનલાઇન ફાળવણી હોવાથી ખબર પડી ના હતી. આપણને જાણ થતાં આસારામના ફોટા ઉતરાવી લીધાં છે.