મોરબી-વાંકાનેર વિસ્તારમાં ચાલતા સીરામીક ઉદ્યોગોમાં થતા પ્રદુષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેના પ્રતિભાવમાં બુધવારે હાઇકોર્ટે કેન્દ્રીય અને રાજ્ય પ્રદુષણ નિવારણ વિભાગને નોટિસ મોકલી છે.
અરજીકર્તા વકીલ કેઆર કોષ્ટિએ કેન્દ્રીય અને રાજ્ય પ્રદુષણ નિવારણ વિભાગને પ્રદુષણ ફેલાવતા એકમો વિરુદ્ધ પગલાં લેવા માટે હાઇકોર્ટના નિર્દેશ માંગ્યા હતા. એમણે પ્રસ્તુત કર્યું કે, કોલસાના ગેસીફાયરના ઉપયોગથી ફેલાતા પ્રદુષણ અંગે નોટિસ મોકલવા છતાં પણ રાજ્ય પ્રદુષણ નિવારણ વિભાગે કોઈ પગલાં લીધા નથી.
કોષ્ટિએ હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, અધિકારીઓ કોલસાથી ચાલતા ગેસીફાયર, સીરામીક એકમોમાંથી કાઢી નાખે અને એની જગ્યાએ પીએનજીથી ચાલતા ગેસીફાયરનો ઉપયોગ કરવાના નિર્દેશ કરે. એમણે ફરિયાદ કરી હતી કે, પ્રદુષણના કારણે પાણી પ્રદુષિત થાય છે અને એના કારણે ભૂગર્ભજળ પણ પ્રદુષિત થવાનું શરુ થઇ ગયું છે.
હાઇકોર્ટે આ મામલે કેન્દ્રીય અને રાજ્ય પ્રદુષણ નિવારણ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા હાઇકોર્ટે કોલસાના ગેસીફાયરનો ઉપયોગ કરતા સીરામીક એકમો બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો.