અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને BJP માં જોડાયાના ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રીપદ મેળવનારા કુંવરજી બાવળિયાએ આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ દાદાના દર્શન કર્યા પછી કેબિનેટ મંત્રીએ વેરાવળમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાની પાણીની સ્થિતિ અંગે સમીક્ષા પણ કરી હતી.
પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા
ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસમાં પાંચ વખત ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ બન્યા પછી પણ તેમની પક્ષમાં ઉપેક્ષા થતી હોવાના બહાનું ધરીને કુંવરજી બાવળિયાએ પક્ષ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપીને બે કલાકમાં ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાએ પાંચ કલાકમાં મંત્રીપદના શપથ પણ લીધા હતા. એટલું જ નહીં, ગણતરીના કલાકોમાં ગુજરાતની ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રીપદ પ્રાપ્ત કરીને ગુજરાતના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચ્યો હતો.
ભાજપમાં જોડાયા અને સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા પછી કુંવરજી બાવળિયાએ આજે બાર જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ એવા ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં કેબિનેટ મંત્રી બાવળિયાએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રથમ સોમનાથ મંદિરે જઈ સોમનાથ મહાદેવના પૂજા અર્ચન કર્યા હતા તેમજ ગંગાજળથી અભિષેક કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ આ પછી વેરાવળ સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. જીલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે જિલ્લાની પાણીની સ્થિતિની સમીક્ષા કરી હતી.