ક્રિકેટમાં સુપર ઓવરને લઇને વિશ્વકપ 2019 સેમીફાઇનલથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આપને યાદ હશે કે કેવી રીતે જૂલાઈમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈંગ્લેન્ડને સુપર ઓવર ટાઈ રહ્યા બાદ વધુ બાઉન્ડ્રીનાં કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘણો વિવાદ થયો હતો. જે વિવાદ બાદ દુનિયાભરથી લોકોએ આઈસીસીને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) તેના સુપર ઓવરના નિયમમાં ફેરફાર કર્યો છે.
વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોએ સુપર ઓવરનાં નિયમની ઘણી ટીકાઓ કરી હતી. આપને જણાવી દઇએ કે, વર્લ્ડ કપ 2019 ની ફાઈનલ યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામે 241 રનનો લક્ષ્યાંક હતો અને નિર્ધારીત ઓવર્સમાં મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવર કરવામાં આવી હતી અને સુપર ઓવરમાં બંને ટીમોએ 15-15 રન નોંધાવતા સુપર ઓવર પણ ટાઈ રહી હતી. જેના કારણે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડની તુલનામાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાના કારણે તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીણામ બાદ આઈસીસીની આ સુપર ઓવરનાં નિયમની ઘણી ટીકાઓ થઈ હતી.
દુનિયાભરથી થઇ રહેલી ટીકાઓ બાદ હવે આઈસીસી દ્વારા સુપર ઓવરનાં તેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો હવે સેમિફાઈનલ કે ફાઈનલ જેવી મહત્વની ટૂર્નામેન્ટમાં સુપર ઓવર પણ ટાઈ રહેશે તો જ્યાં સુધી કોઈ એક ટીમ જીતી ન જાય ત્યાં સુધી સુપર ઓવર જારી રાખવામાં આવશે. આઈસીસીએ સોમવારે યોજાયેલી એક બેઠક બાદ જણાવ્યું હતું કે આઈસીસી ક્રિકેટ કમિટીની ભલામણ બાદ ચિફ એક્ઝિક્યુટિવ કમિટીએ નિર્ણય કર્યો છે કે સુપર ઓવરનો નિયમ જારી રહેશે. મોટી ટૂર્નામેન્ટની ફાઈનલ અને સેમીફાઈનલ જેવી મહત્વની મેચોમાં સુપર ઓવર પણ ટાઈ રહેશે તો નિયમ પ્રમાણે કોઈ એક ટીમ સુપર ઓવરમાં વધારે રન બનાવી લેશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.