હોળીનો ઉત્સવ સમગ્ર દેશને રંગબેરંગી રંગોમાં રંગી નાંખે છે. તો વળી જુદા-જુદા પ્રદેશોની પરંપરાઓ પણ પોતાની રીત-ભાતના કારણે નોખી પડે છે. આજે એક એવી જ પરંપરાની વાત કરવાની છે જે સાંભળતા જ પ્રથમ તો વાત હાસ્યાસ્પદ લાગે, પરંતુ એક ગામ એવુ છે જ્યાં હોળીના દિવસે જમાઇરાજાને ગર્દભ પર બેસાડીને રંગ લગાવવામાં આવે છે.
વાત છે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગામની જ્યાં હોળીના દિવસે જમાઈને ગર્દભ (ગધેડા)પર બેસાડીને રંગ લગાવવાની પરંપરા છે. જેની પાછળ એક રસપ્રદ સ્ટોરી છે.
હોળીનો તહેવાર આમ તો ખુશીઓથી ભરેલો છે પરંતુ ઘણીવાર રંગ લગાવવાની બાબતમાં માથાકુટ પણ થઇ જતી હોય છે. કોઇ ચહેરાને રંગીને જતુ રહેશે અને રંગ ઉતરશે નહીં તો,જેવી નાહક વાતોને કારણે ઘરની બહાર નહીં નિકળવુ, કોઇ રંગવા આવે તો સંતાઇ જવું, જેવી અનેક સમસ્યાઓ પણ સર્જાય છે. આવી જ એક ઘટના બીડ જિલ્લાના કેજ તહસીલના વીડા યેવતા ગામમાં 80 વર્ષ પહેલા બની હતી.
દાયકો પહેલા આ ગામમાં રહેતા દેશમુખ પરિવારના એક જમાઈએ રંગ લગાવવાની ના પાડી દીધી હતી. ત્યારે તેમના સસરાએ તેમને રંગ લગાવવા માટે મનાવવાના ખુબ પ્રયત્ન કર્યા હતા. જેની માટે તેમણે ફૂલોથી સજાવેલો એક ગર્દભ પણ મંગાવ્યો. જેના પર જમાઈને બેસાડ્યા અને સમગ્ર ગામમાં ફેરવી મંદિર સુધી લઈ ગયા. ત્યાં જઈને જમાઈની આરતી ઉતારી. તેને સોનાની વિટીં આપી અને નવા કપડાં પણ આપ્યા. મોઢું મીઠુ કરાવ્યું અને પછી રંગ લગાવ્યો. ત્યારથી દર વર્ષે હોળીના દિવસે જમાઇનું સન્નમાન આ રીતે જ કરવામાં આવતુ હતુ. ધીમે-ધીમે આ એક પરંપરા જ બની ગઈ. દર વર્ષે ગામના નવા જમાઇ સાથે આ પરંપરા પુર્ણ કરવામાં આવે છે. મજાક-મસ્તી સાથે મળીને હોળીની ઉજવણી થાય છે. ઘણીવાર તો જમાઇ સંતાવવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ સાસરીયા તેમને શોધીને પરંપરા તો પુર્ણ કરે જ છે. છે ને મજાની અને મજાકી પરંપરા.