Politics/ દેશના 19 રાજ્યોની વિધાનસભાઓમાં 10 ટકાથી ઓછી મહિલા ધારાસભ્યો, જુઓ રાજ્યવાર આંકડા

રાજકીય પક્ષો મહિલાઓની ભાગીદારી વધારવાની ઘણી વાતો કરે છે, પરંતુ સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ નિરાશાજનક ચિત્ર રજૂ કરે છે.

Top Stories India
વિધાનસભાઓમાં

રાજકીય પક્ષો મહિલાઓની ભાગીદારી વધારવાની ઘણી વાતો કરે છે, પરંતુ સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ નિરાશાજનક ચિત્ર રજૂ કરે છે. વાસ્તવિકતા એ છે કે દેશના 19 રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે.

આ રાજ્યોમાં 10 ટકાથી ઓછા મહિલા ધારાસભ્યો છે.

લોકસભામાં 9 ડિસેમ્બરે 2022, કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ દ્વારા રજૂ કરાયેલ ડેટા અનુસાર, આંધ્રપ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, પુડુચેરી, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશની વિધાનસભાઓમાં 10 ટકાથી ઓછા મહિલા ધારાસભ્યો છે.

10 ટકાથી વધુ મહિલા ધારાસભ્યો ધરાવતાં રાજ્યો

માહિતી અનુસાર, જે રાજ્યોની વિધાનસભાઓમાં 10 ટકાથી વધુ મહિલા ધારાસભ્યો છે તેમાં બિહાર (10.70), છત્તીસગઢ (14.44), હરિયાણા (10), ઝારખંડ (12.35), પંજાબ (11.11), રાજસ્થાન (12), ઉત્તરાખંડ (11.4) ઉત્તર પ્રદેશ (11.66), પશ્ચિમ બંગાળ (13.70), દિલ્હી (11.43)નો સમાવેશ થાય છે.

લોકસભામાં 14.94 ટકા મહિલા સાંસદો

સરકારી આંકડા મુજબ લોકસભામાં મહિલા સાંસદોની ભાગીદારી 14.94 ટકા અને રાજ્યસભામાં 14.05 ટકા છે. તે જ સમયે, દેશભરની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોની સરેરાશ માત્ર આઠ ટકા છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનાર મહિલાઓની સંખ્યા 8.2 ટકા હતી જ્યારે હિમાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે માત્ર એક મહિલા ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહી હતી.

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા સાંસદો/ધારાસભ્યોના પ્રતિનિધિત્વ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી માંગી હતી. તેમણે પૂછ્યું હતું કે શું સરકારને સંસદમાં મહિલા અનામત બિલ લાવવાનો કોઈ વિચાર છે?

કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં કહ્યું હતું કે લિંગ ન્યાય એ સરકારની મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે. તમામ રાજકીય પક્ષોએ સંવિધાન સંશોધન બિલ સંસદ સમક્ષ લાવતા પહેલા સર્વસંમતિના આધારે આ મુદ્દા પર કાળજીપૂર્વક ચર્ચા કરવાની જરૂર છે.

આ વિષય પર બીજુ જનતા દળના રાજ્યસભાના સભ્ય ડો, સસ્મિત પાત્રાએ કહ્યું કે તેમની પાર્ટીએ સરકાર પાસે સંસદના વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો સરકાર બિલ લાવશે તો તેમની પાર્ટી તેનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વારંવાર મહિલા સશક્તિકરણના વિષય પર તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

થોડા દિવસો પહેલા લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા બોલાવવામાં આવેલી બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે મહિલા આરક્ષણ બિલના મુદ્દે સર્વપક્ષીય બેઠકની માંગ કરી હતી અને શિરોમણી અકાલી દળ, જેડીયુ, ડીએમકે જેવા પક્ષોએ તેનું સમર્થન કર્યું હતું.

શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે મહિલા આરક્ષણ બિલ પસાર કરવાનો અને મહિલાઓને તેમનો હક આપવાનો સમય આવી ગયો છે. જેડીયુ સાંસદ રાજીવ રંજન સિંહે કહ્યું કે મહિલાઓને સશક્ત કરવાનો સમય આવી ગયો છે અને સરકારે આ બિલ લાવવું જોઈએ.

મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ

ઘણા સમયથી મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ બિલ સૌપ્રથમવાર 1996માં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. આ ખરડો વર્ષ 2010માં રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ 15મી લોકસભાના વિસર્જન બાદ બિલ લેપ્સ થઈ ગયું હતું.

તાજેતરમાં, બીજુ જનતા દળ, શિરોમણી અકાલી દળ, જનતા દળ યુનાઇટેડ, તૃણમૂલ કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ સરકારને સંસદમાં મહિલા આરક્ષણ બિલ નવેસરથી રજૂ કરવા અને પસાર કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો:વિજયની સાથે ભાજપના વિધાનસભ્યોના ટેમ્પલ રનનો પ્રારંભ

આ પણ વાંચો:પીએમ મોદી સાથે 182 વિધાનસભ્યોનું ભોજનઃ ગુજરાતી,કાઠિયાવાડી, પંજાબી વાનગી પીરસાશે

આ પણ વાંચો:શપથવિધિ પૂર્વે ગાંધીનગરમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ