ભોપાલ,
દેશમાં ૧૫ મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને મનાવવામાં હવે ગણતરીના જ કલાકો બાકી છે. ૭૨ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવશે અને દેશવાસીઓ આઝાદીના રંગમાં રંગાઈ જશે.
પરંતુ, આ આપના ભારત દેશમાં એક એવું સ્થળ છે, જ્યાં ૧૫મી ઓગષ્ટે નહિ પણ પાંચ દિવસ પહેલા એટલે કે ૧૦ ઓગષ્ટના દિવસે જ આઝાદીનું પર્વ મનાવવામાં આવે છે.
આ વાત એક તબક્કે અર્થવિહીન લાગી શકે છે, પરંતુ આ એક સત્ય છે.
હકીકતમાં, ૩૦ વર્ષ જૂની પરંપરાના કારણે મધ્યપ્રદેશના મંદસૌર શહેરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં સ્વતંત્રતા દિવસ પાંચ દિવસ પહેલા જ મનાવવામાં આવ્યો છે.
ઇન્દોરથી અંદાજે ૨૫૦ કિમી દૂર મંદસૌરમાં શિવના નદીના કિનારે આ પ્રાચીનમાં સ્વતંત્રતા દિવસ હિંદુ પંચાંગના આધાર પર મનાવવામાં આવે છે.
પશુપતિનાથ મંદિરની જ્યોતિષ અને કર્મકાંડ પરિષદના અધ્યક્ષ ઉમેશ જોશીએ જણાવ્યું, “૧૫ ઓગષ્ટ, ૧૯૪૭માં દેશ અંગ્રેજોના રાજમાંથી આઝાદ થયો, ત્યારે હિંદુ પંચાંગ મુજબ, શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી હતી. જેથી ભગવાન શિવના મંદિરમાં દર વર્ષે આ તિથિ મુજબ, પૂજા-પાઠ કરીને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.
તેઓએ વધુમાં જણાવ્યું, આ વર્ષે કૃષ્ણ પક્ષની ચતુર્દશી ૧૦ ઓગષ્ટે આવતી હતી, જેથી પરંપરા મુજબ, આ તિથિએ જ પશુપતિનાથ મંદિરમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે અને આ પરંપરા ૧૯૮૭થી જ ચાલે છે.