દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. સોમવારે રાત્રે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટથી ઘણી ફ્લાઈટોને અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવી પડી હતી. આ પહેલા હવામાન વિભાગે દિલ્હીના મુંડકા, જાફરપુર, નજફગઢ, દ્વારકા, ઈન્ડિયા ગેટ, પાલમ, લોધી રોડ અને આઈજીઆઈ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી હતી. હવામાન વિભાગે દિલ્હી NCRના વિસ્તારોમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની ચેતવણી જારી કરી છે.
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, સોમવારે દિલ્હીના એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે ગુવાહાટીથી દિલ્હી (GAU-DEL)ની વિસ્તારાની ફ્લાઈટને જયપુર તરફ વાળવામાં આવી હતી. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં ખરાબ હવામાનને કારણે દિલ્હી આવતી કેટલીક ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી છે. અગાઉ, દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક ભીડને કારણે, કોલકાતાથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઇટને લખનૌ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દિલ્હી-એનસીઆરમાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી પણ જારી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દિલ્હીના વસંત વિહાર, આરકે પુરમ, ડિફેન્સ કોલોની, લાજપત નગર, વસંત કુંજ, હૌઝ ખાસ, માલવિયા નગર, કાલકાજી, મહેરૌલી, તુગલકાબાદ, છતરપુર, ઇગ્નૂ, અયાનગર અને દેરામંડી અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.