સુરતમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ તેની બે દીકરીઓ સામે નદીમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. બંને માસુમ દીકરીઓને રડતી જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ અડાજણ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પિતાએ બે દીકરીઓ નજર સામે જ નદીમાં ઝંપલાવ્યું
આ મામલે મળતી માહિતી અનુસાર, ગુરુવારે રક્ષાબંધનના દિવસે બપોરે બે કિશોરીઓ રાંદેર અને વેડરોડને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રડી રહી હતી. ત્યારે લોકોએ ત્યાં એકઠા થયા હતા. બંને દીકરીઓની ઉંમર 13 વર્ષ અને 14 વર્ષ હતી. રડી રહેલી દીકરીઓને પૂછતા તેઓએ કહ્યુ હતું કે, તેમના પિતાએ નદીમાં છલાંગ લગાવી છે.
મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમે બ્રિજ નીચે અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમે મક્કાઈપુલથી કેબલ બ્રિજ સુધી નદીમાં આ યુવકની કલાકો સુધી શોધખોળ કરી હતી. પરંતુ તેની કોઈ ભાળ નહોતી. ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું હોવાથી નદીમાં વહેણ વધુ છે, જેને લીધે આ યુવાન ગણતરીની મિનિટોમાં આગળ તણાઈ ગયો હોવાની શક્યતા છે.
દીકરીઓની નજર સામે જ પિતાએ નદીમાં પડતુ મૂક્યુ હતું. 13 અને 14 વર્ષની ઉંમરની દીકરીઓ કંઈ સમજી શક્તી ન હતી. તેથી રડવા લાગી હતી. પિતા પગપાળા બંને દીકરીઓને ઘરેથી લઈને નીકળ્યા હતા, પુત્રીઓ સાથે ચાલતી વાતચીત દરમિયાન તેમની નજર સામે તેમણે નદીમાં ઝંપલાવી દીધું હતું. જેને લીધે બંને બાળકીએ રડારોળ કરતા બ્રિજ પરથી અવર જવર કરતા લોકો તેઓ પાસે આવ્યા હતા અને તેમના પરિવાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવને પગલે રાંદેર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને બાળકી તથા પરિવારના સભ્યોની પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો:સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દિવાલમાં ગાબડાં, બે મકાન ધરાશાઈ
આ પણ વાંચો:ઉના દેલવાડા રોડ પર કાર બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનનાં મોત…
આ પણ વાંચો: આણંદના સોજિત્રા પાસે ગમખ્વાર અકસ્માત થતા 6 લોકોના મોત