મોરબી (Morbi bridge collapse) માં 30મી ઓક્ટોબરની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત નહી દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે હજી પણ તે સવાલ લટકી રહ્યો છે કે દુર્ઘટના માટે જવાબદાર કોણ. રવિવારે સાંજે સાડા છ વાગે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 136 જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. આ ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે.
કોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે પુલની નિષ્ણાતો દ્વારા ફોરેન્સિક તપાસ (Forensic inquiry) કરાવવામાં આવતા બહાર આવ્યું છે કે પુલના કેબલ જ બદલવામાં આવ્યા નથી. ફક્ત ફ્લોરિંગ જ બદલવામાં આવ્યું છે. આ ફ્લોરિંગ પણ પાછુ એલ્યુમિનિયમનું (Aluminium)છે. આમ આ ફ્લોરિંગની સાથે ક્ષમતા કરતાં વધુ લોકો આવવાથી તેના વજનના લીધે પુલ તૂટી પડ્યો હોવાનું કહેવાય છે.
વકીલે જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં બેથી ત્રણ મુદ્દા મહત્વના છે. ઓરેવા કંપનીને પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેના પર પુલના સમારકામ અને સારસંભાળની જવાબદારી હતી. તેમા બે અનક્વોલિફાઇડને ફેબ્રિકેશનનું (Fabrication)કામ સોંપવામાં આવ્યું હતું. આ પહેલા પણ તેને 2007 અને 2022 એમ બે વખત જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે ઓરેવા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેના માલિક જયસુખ પટેલના નામ અંગે કોઈ જ ચર્ચા થઈ નથી. આનો એફએસએલ રિપોર્ટ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ થયો છે, પણ ખોલ્યો નથી.
ગુજરાત પોલીસે મંગળવારે મેજિસ્ટ્રિયલ કોર્ટમાં પુલ અકસ્માતનો ફોરેન્સિક રિપોર્ટ દાખલ કર્યો હતો. આ રિપોર્ટ સીલબંધ કવરમાં સબ્મિટ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ પંચાલે સુનાવણી બાદ જણાવ્યું હતું કે પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે રિપેરિંગ દરમિયાન પુલના સ્ટ્રક્ચરની મજબૂતાઈ પર કામ કરવામાં આવ્યું નહોતું. બ્રિજના ફલોરિંગમાંથી માત્ર લાકડું કાઢીને એલ્યુમિનિયમની શીટ્સ નાખવામાં આવી હતી.
ફોરેન્સિક સાયન્સ લેબની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જે ચાર કેબલ પર પુલ છે, એના રિપેરિંગના છ મહિના દરમિયાન બદલવામાં આવ્યો નહોતો. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવા ફ્લોરિંગ સહિત ખૂબ જ જૂના કેબલ લોકોનું વજન સહન કરી શકતા ન હતા અને વધુપડતા વજનના કારણે કેબલ તૂટી ગયા હતા.