શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે આતંકીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અભિયાન હેઠળ 20 માર્ચના રોજ સુરક્ષાબળોને એક આતંકવાદીને જીવતો પકડવામાં સફળતા મેળવી હતી.
આ જીવિત પકડાયેલા જૈબુલ્લાહ નામના આતંકીએ સેના દ્વારા કરાયેલી પૂછતાછ દરમિયાન આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા અંગે મહત્વની જાણકારી આપી છે.
આતંકવાદી જૈબુલ્લાહે જણાવ્યું, “કયા પ્રકારે આતંકીઓના આકા હાફિઝ સઈદ અને જકીઉર રહમાન લખવી કેવી રીતે યુવાઓની ભરતી કરે છે અને કયા ચરણોમાં તેઓને ભારત વિરુદ્ધ લડવા માટે તૈયાર કરવામાં આવે છે.
નવા છોકરાઓને બે વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે.
જીવિત પકડાયેલા આતંકી જૈબુલ્લાહે કહ્યું, “ભરતી કરવામાં આવેલા નવા ચોરોને લગભગ 2 વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. જમાત-ઉદ-દાવામાં વરિષ્ઠતાના સાત ચક્ર છે, જેઓ ટ્રેનિંગ પર નજર રાખતા હોય છે.
આ યુવાન છોકરાઓને ખૈબર પખ્તુનખ્વાના જંગલો, મુજફ્ફરાબાદ અને મુદ્રિકેના રીજનલ સેન્ટર સહિત સાત સ્થાનો પર ટ્રેનિંગ આપવામાં આવે છે.
ખુલ્લેઆમ થાય છે ભરતી
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)દ્બારા કરાયેલી પૂછતાછમાં જૈબુલ્લાહે જણાવ્યું, “આ એક ખુલ્લું નિયંત્રણ છે. આ આતંકી સંગઠનના નેતાઓ 15-20 વર્ષના પાકિસ્તાની યુવાઓને જેહાદનો ભાગ બનાવવા અને પોતાનું બલિદાન આપવા માટે બોલાવે છે. ત્યારબાદ તેઓનું નામ, સરનામું અને ફોન નંબર લેવામાં આવતા હોય છે.
જમાત-ઉદ-દાવામાં હોય છે વરિષ્ઠતાના સાત સ્તર
જૈબુલ્લાહે જણાવ્યું, જમાત-ઉદ-દાવામાં વરિષ્ઠતાના સાત સ્તર હોય છે જેમાં આતંકીઓના સરગના હાફિઝ સઈદ પોતે સૌથી ઉપર હોય છે. પરંતુ ત્યાં તેનું નામ હાફિજ સઈદ નહિ પણ આમિર સાહેબ અને આમિરે-મસગર છે.
હાફિઝ બાદ નીચેના ક્રમમાં ઝોનલ ડિસ્ટ્રિક્ટ, તહસીલ, ટાઉન અને સેક્ટર લેવલ પર ભરતી કરવામાં આવે છે. જેમાં ટ્રેનિંગ આપનારને મસૂલ અને સૌથી નીચા સ્તરના વ્યક્તિને કાકરૂન કહેવામાં આવે છે
જમાત-ઉદ-દાવાના પકડાયેલા જીવિત આતંકીના જણાવ્યા મુજબ, નવા ભરતી કરાયેલા યુવાનોને લાહોરના મુરીદકે સ્થિત સેન્ટરમાં લાવવામાં આવે છે.
પોતાના છ ટ્રેનિંગ સેન્ટર અંગે જણાવતા જૈબુલ્લાહે કહ્યું, “આ સેન્ટરને મસકર કહેવામાં આવે છે અને આ સેન્ટર્સમાં મનશેરામાં તારૂક (બે મહિના), ડૈકેન (પાંચ મહિના), અંબોરે (બે મહીના), અક્સા (બે મહીના) અને મુરિદકે છે.
તેને વધુમાં જણાવ્યુંકે, આ તમામ સેન્ટરોમાં પાકિસ્તાન આર્મીના જવાનો તેમજ ISIના લોકો મદદ માટે ઉપસ્થિત હોય છે.
ટ્રેનિંગનો અમુક ભાગ સમાપ્ત થયા બાદ આવતાં હોય છે હાફિજ અને લખવી
NIAની તપાસમાં જૈબુલ્લાહે જણાવ્યું હતું કે, ટ્રેનિંગનો મોડ્યુલ સમાપ્ત થયા બાદ આતંકી હાફિજ સઈદ અને લખવી સામે આવતાં હોય છે. તેને એ પણ કહ્યું, પોતાની ટ્રેનિંગ દરમિયાન, જાન્યુઆરીમાં થઇ રહેલા બીજા ચરણની ટ્રેનિંગ કેમ્પ ડૅકેનમાં લખવી આવ્યો હતો. જયારે અંબોરે ટ્રેનિંગ કેમ્પમાં હાફિજ સઈદ પણ આવ્યો હતો અને યુવાનોને ગળે મિલાવીને ભારત વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કર્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેના દ્વારા જીવિત પકડાયેલા આતંકી જૈબુલ્લાહ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં પોતાના પાંચ અન્ય સાથીઓ સાથે ભારતીય બોર્ડર પર હુમલાના પ્લાનિંગ હેઠળ અહીં આવ્યો હતો, પરંતુ સેનાની જવાબી કાર્યવાહીમાં તેના બાકીના સાથીઓ ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે તે જીવતો પકડાયો હતો. બીજી બાજુ આ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા.