ટ્રાફિકના ગંભીર પ્રશ્નો/ તથ્યના અકસ્માત બાદ સવાલોની હારમાળા

તથ્યની જેગુઆરે કરેલા અકસ્માત બાદ સફાળી જાગેલી પોલીસ દોડતી થઈ છે. વાહનોનું રાત્રી ચેકિંગ ચાલુ કર્યું છે, પણ તે દર વખત જેમ ‘સિઝનલ ડ્રાઈવ’ બની રહેવાને બદલે કાયદાનું પાલન 24 *7 કરાવવાનું હોય છે, તે સિદ્ધાંતને અનુસરે તો વધુ સારું. વાહન ચાલકોએ સ્વયંશિસ્ત પાલન એટલી જ જરૂરી છે અને તે ના કરે તો ચોક્કસ મુંબઈ જેવો ‘ડર’ ટ્રાફિક પોલીસે પેદા કરવો પડશે. બાકી તો વિસ્મય કાંડ થાય, તથ્યકાંડ થાય, લટ્ઠાકાંડ થાય ત્યારે જ પોલીસ એકશનમાં આવે તેવું ના હોવું જોઈએ. કાયદાનું સર્જન જ તેના કાયમી અમલ માટે થયેલું છે, તે યાદ રાખવું જોઈએ.

Top Stories Gujarat
4 30 1 તથ્યના અકસ્માત બાદ સવાલોની હારમાળા

@પ્રફુલ્લ ત્રિવેદી, એસોસીએટ એડિટર

તથ્યની લક્ઝરી કારે ઇસ્કોનબ્રિજ પર કરેલાં ગમખ્વાર અકસ્માતમાં નવ-નવ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાના પડઘા હજુય રાજ્યભરમાં પડી રહ્યા છે. સફાળી જાગેલી પોલીસને યાદ આવ્યું કે કાયદો તો રાતે પણ પળાવવાનો હોય છે, એટલે રાત્રી ચેકિંગ ચાલુ કર્યું છે. આ બાબત એ રીતે ચોક્કસ આવકાર્ય છે કે, દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવ કરનારામાં થોડો ઘણો ભય ચોક્કસ ઊભો થશે. જો કે કોઈ પણ ડ્રાઈવ સીઝનલ ના હોવી જોઈએ. લઠ્ઠાકાંડ થાય એટલે દારૂના દરોડા શરૂ થાય, અકસ્માત થાય એટલે કાર ચેકિંગ ચાલુ થાય, 15- 20 દિવસે મીડિયામાં ઘટના વિસારે પડે તે સાથે જ કાયદના પાલનની સ્થિતિ યથાવત થઈ જાય.કાયદો ઘડાયો છે તેનું પાલન 24*7 હોય, નહીં કે કોઈ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સિઝનલ.

માત્ર ચાર રસ્તાની જ વાત કરીએ તો સામાન્ય લોકોને જે દેખાય છે, તે ટ્રાફિક પોલીસને દેખાતું કેમ નથી? અને દેખાય છે તો પગલા કેમ લેતા નથી? આ બાબતો નીચે મુજબ છે.

  1. ચાર રસ્તા ની 100 મીટર અને ઓછામાં ઓછા 50 મીટરમાં ગેરકાયદેસર પાર્કિંગ હોવું ના જોઈએ. સાલ હોસ્પિટલ ચાર રસ્તા, ગુરુકુળ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, માનસી સર્કલ તમામ જગ્યાએ ચાર રસ્તા પાર કરો ને તુરંત જ બબ્બે લાઈનમાં પાર્કિંગ હોય છે, જેના કારણે વાહનનો ફલો ધીમો પડતાં, પાછળ વાળાને મેમો આવે છે. લેફ્ટ ટર્ન ડ્રાઇવની પણ આવી જ સ્થિતિ છે. હેલ્મેટ સર્કલ તો ચાર રસ્તાના વચ્ચે લાઈટના થાંભલાના ત્રિકોણ પાસે રીક્ષાઓ ઉભી હોય છે. ચાર રસ્તા વચ્ચે વાહન કઈ રીતે ઉભું રાખી શકાય?
  2. ચાર રસ્તા પરના ભિક્ષુકો અને ફેરિયાઓ ક્યારે હટાવાતા નથી. જેમાં બાળકોને તેડેલી મહિલાઓ અને ઊંચી કારમાંથી નીચે દેખાય પણ નહીં તેવા નાના બાળકો હોય છે. અગાઉ આવા ભિક્ષુકોને પકડી પોલીસ ભિક્ષુગૃહમાં મૂકી આવતી હતી. હવે બધુ બંધ છે.
  3. લાલ લાઈટ ચાલુ હોય તો પણ સીટી બસો અવગણીને નીકળી જાય છે.
  4. રોંગ સાઈડ માંથી આવતા વાહનોને પોલીસ સામે હોવા છતાં રોકતી નથી. પક્વાન ચાર રસ્તા ઉપર ચારે બાજુ આવી સ્થિતિ હોય છે.
  5. ટ્રાફિક નિયમની બાબતને કોરણે મુકી મોબાઈલ મચડતા જવાનોના ટોળા, ખાસ કરીને ગુરુદ્વારા સામેના ચાર રસ્તા.
  6. છેક ડાબી બાજુ ઉભા રહી લાઈટો ખુલે ત્યારે તમામ લેનને ડિસ્ટર્બ કરી જમણી બાજુ વળતા વાહનો.

વાહન ચાલકોએ પણ સ્વયંશિસ્ત પાળવાની અને નિયમોનું પાલન કરવાની એટલી જ આવશ્યકતા છે. આગળ જઈને ‘યુ’ ટર્ન નહીં મારવાના લોભમાં મોટા વાહનો પણ રોંગ સાઈડ જતાં હોય છે અને એ પણ દાદાગીરી સાથે તેમનો અબાધિત હક હોય તેવી મુખાકૃતિ સાથે.

આ ઉપરાંત નીચેની બાબતો પણ એટલી જરૂરી છે.

  1. વિચિત્ર હોર્નના અવાજો અને સાઇલેન્સરમાં ફટાકડા ફૂટતા હોય તેવા કર્કશ અવાજોને કેમ રોકવામાં આવતા નથી.
  2. અગાઉ હેડલાઈટનો અડધો ભાગ ફરજિયાત પીળોપટ્ટો મરાવાતો હતો, જેની સામેના વાહન વાળા અંજાઈ ન જાય. હવે એકદમ વ્હાઇટ મોટી લાઈટો બેફામ ફેકાંતી હોય છે.
  3. ટેમ્પો જેવા વાહનોમાં તેની સાઈઝ કરતાં લાંબા સળીયા કે બીજો સામાન ભરેલો હોય છે. તેમના મેમો ફાડવા સાથે તેમને ત્યાં જ સાઈડમાં ઊભા રાખી ખાલી કરાવી દેવા જોઈએ. જવા શા માટે દેવામાં આવે છે?
  4. ફેન્સી નંબર પ્લેટ જેમાં નંબરના આંકડાના બદલે રાજા, કિંગ, ટાઈગર વગેરે વંચાય. હેલ્મેટ વગર દ્વિચક્રિ ઉપર ત્રણ ત્રણ સવારી જતા યુવાનો.

લોકલ રિક્ષામાં વધુ પડતા પેસેન્જરો, વાનમાં વધુ પડતાં સ્કૂલે જતા બાળકો, આ તમામ બાબતો પણ એટલી જ ગંભીર છે. બ્લેકફિલ્મ ડ્રાઈવ હોય ત્યારે તે ઉતરાવાય છે, બાકી ઉચ્ચ અધિકારીઓની ઇનોવા કારમાં અનેક જગ્યાએ બ્લેક ફિલ્મ જોવા મળે છે.

ટ્રાફિક પોલીસ અને જ્યાં આરટીઓની ફરજ હોય ત્યાં આરટીઓના ઇન્સ્પેક્ટરો સુપેરે કામગીરી નિભાવે તો જ ટ્રાફિક અને ગેરકાયદેસર જ નહીં આડેધડ પાર્કિંગની સમસ્યા હલ થઈ શકશે. મુંબઈમાં છે તેવો પોલીસનો ડર અમદાવાદના વાહનચાલકોને કેમ નથી, તે સવાલનો જવાબ નથી તો પોલીસ પાસે, નથી તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે.

આ પણ વાંચો:જામનગર/સપડા ડેમમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, ચાર લોકોના મળ્યા મૃતદેહ

આ પણ વાંચો:સાયબર ક્રાઇમ/યુટ્યુબમાં વિડિયો જોઈ અને USD લે-વેચ કરી સારી આવક મેળવવાની લાલચે યુવકે 6 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા, સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા/અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ