અમદાવાદ,
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. નિકોલના કુંજ મોલમાં આવેલા હેવમોર ઇટરીમાં એક યુવક અને યુવતી જમવા આવ્યા હતા.
ત્યારે અચાનક જ તેણે મેનેજર પર આરોપ લગાવ્યો કે તે તેનો હાથ પકડીને છેડતી કરી રહ્યો છે. આ સાંભળીને ખુદ મેનેજર પણ આશ્ચર્યમાં પડી ગયો. પણ યુવતીએ ગુસ્સો કરીને મેનેજર સાથે બીભત્સ શબ્દો બોલીને તેને ધમકી આપી ચાલી ગઈ.
બાદમાં થોડી જ મિનિટોમાં ચારથી પાંચ શખ્સોના ટોળા સાથે તે યુવતી આવીને મેનેજરને માર મારવા લાગ્યા. આ શખ્સોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. જોકે હેવમોર ઇટરીમાં સર્વેલન્સ કેમેરા લાગેલા હોવાના કારણે તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
રેસ્ટોરન્ટમાં લાખો રૂપિયાના ફર્નિચર અને ઈલેક્ટ્રીક મુદ્દામાલનું પણ નુકસાન કરવામાં આવ્યું હતું. હાલ તો આ ઘટનાને પગલે મેનેજર દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પરંતુ સુલેહ શાંતિનો ભંગ કરી લોકોને મારતા ફરતા આ ટોળાને પોલીસ ક્યારે સજા આપશે તે હવે જોવાનું રહ્યું. ત્યારે બીજી તરફ રેસ્ટોરન્ટનો મેનેજર પોતાની સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી મીડિયાના માધ્યમથી ન્યાયની માંગ કરી રહ્યો છે.