ભાવનગર જિલ્લાના વલભીપુરના મોણપુર ગામે રાત્રી દરમ્યાન ખેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા દંપતીનું મર્ડર થવાથી ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં મૃતક પુરુષનું નામ જોરૂભાઈ કાન્તીભાઈ ચુડાસમા (28), દેવીપુજક અને મૃતક મહિલાનું નામ વર્ષાબેન ચુડાસમા હોવાનું જાણવા મળ્યું છે.
પતિ-પત્ની મોણપુરના ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. તેઓ કપાસ વીણવા માટે ખેતરમાં રાત્રી રોકાણ કરતા હતા. મળેલી માહિતી મુજબ અનુસાર જોરૂભાઈના મોટા ભાઈનું નિધન થઈ ગયું હોવાથી તેનાં પત્ની વર્ષાબેન દિયરવટુ કરીને દિયર સાથે પત્ની તરીકે રહેતા હતા.
પુરુષની લાશ ખેતરમાં દૂર ફેંકી દેવામાં આવી હતી. પુરુષનો ચહેરાનો ભાગ છૂંદી નાખવામાં આવ્યો હતો. મહિલાની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી હતી. મહિલાના ચહેરા ઉપર પણ બોથડ પદાર્થના ઘા મરાયા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળ્યું હતું.
ઘટનાને પગલે વલભીપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને વલભીપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંનેની હત્યાનું કારણ હાલ જાણવા મળ્યું નથી. સાથે જ શંકાસ્પદ હત્યારાના નામ પણ બહાર આવ્યા નથી. પોલીસે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.