રેસીપી/ શિયાળામાં સરળ રીતે બનાવો આ દાળના ઇસ્ટંન્ટ ઢોંસા..

શિયાળામાં ઘરે એકદમ સરળ રીતે બનાવો દરેકને પસંદ આવે એવો મગદાળનો ઢોસો, આવી ઠંડીમાં ગરમ ગરમ ઢોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે

Uncategorized
5 1 શિયાળામાં સરળ રીતે બનાવો આ દાળના ઇસ્ટંન્ટ ઢોંસા..

શિયાળામાં ઘરે એકદમ સરળ રીતે બનાવો દરેકને પસંદ આવે એવો મગદાળનો ઢોસો. આવી ઠંડીમાં ગરમ ગરમ ઢોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આજે અમે તમને મગની દાળમાંથી બનતા પૌષ્ટિક ઢોસાની એકદમ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. એકવાર આ પદ્ધતિથી ઢોસા બનાવવાની ટ્રાય જરૂર કરજો.

સામગ્રી

મગની મોગર દાળ (ફોતરાં વગરની) – ૨ કપ

આદુ – એક ઇંચ

લસણની કળીઓ – ૪ થી ૫

લીલા તીખા મરચા – ૩ થી ૪

લાલ મરચું પાઉડર – સ્વાદ મુજબ

મીઠું – સ્વાદ મુજબ

રીત

સૌ પ્રથમ ૨ કપ મગની ફોતરાં વગરની દાળને ૪ થી ૫ કલાક માટે પાણીમાં પલાળી રાખો. જો તમે ફોતરાં વાળી દાળ લેવા માંગતા હોવ, તો તમારે દાળને વધારે કલાક પલાળી તેના ફોતરાં હાથથી મસળીને કાઢી નાખવા પડશે. આ પલાળેલી દાળનું પાણી નિતારી લઈને તેમાં આદુ મરચા અને લસણ ઉમેરી મીક્ષરમાં ક્રશ કરી લેવું. દાળ પીસતી વખતે તમારે થોડું પાણી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. દાળ એકદમ સ્મૂધ પીસાઈ જાય એ પછી પણ મીક્ષર ૨૦-૩૦ સેકન્ડ માટે ફેરવવુ જેથી એકદમ સરસ ખીરું તૈયાર થાય. આ પીસેલી દાળને એક મોટા પાત્રમાં લઈને તેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી તેને બરાબર હલાવી લેવું. પછી આ મિશ્રણમાં ધીમે ધીમે પાણી ઉમેરી ઢોસા બની શકે તેવુ ખીરું તૈયાર કરવું. ખીરું ઘટ્ટ હશે તો જાડા ઢોસા બનશે અને પાતળું હશે તો ક્રિસ્પી ઢોસા બનશે. તૈયાર ખીરાથી નોન સ્ટીક પર કે સાદી તવી પર ઢોસા ઉતારીશું. તેના માટે પહેલા તવી ગરમ કરી તેના પર તેલ લગાવી થોડું ખીરું મૂકી તેને ગોળ ફેરવી ઢોસા બનાવીશું. આ ઢોસામાં ઉપર અને કિનારી પર તેલ લગાવીશું. ઢોસા પર નાના પરપોટા થવા લાગે અને તે જાતે કિનારીથી છૂટો પડે ત્યારે તેને બીજી તરફ ફેરવી લેવો.

તૈયાર છે મગ દાળના ઢોસા જેને  લીલી ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે.