નવી દિલ્હી,
વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપતા ૩૪ વર્ષ બાદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો, ત્યારબાદ હવે શુક્રવારે સજ્જન કુમારને હાઈકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે.
સજ્જન કુમારે હાઈકોર્ટના ચુકાદા બાદ સમર્પણ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ માંગ ફગાવવામાં આવી છે. આ સાથે જ હવે સજ્જન કુમારે ૩૧ ડિસેમ્બર સુધીમાં કોર્ટમાં સરેન્ડર કરવું જ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજ્જન કુમારને ઉમ્રકેદની સજાની સાથે સાથે ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને ૩૧ ડિસેમ્બર સુધી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો છે.
આ પહેલા દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ડબલ બેંચ દ્વારા ગત ૨૯ નવેમ્બરના રોજ CBI, પીડિતો અને દોષીઓ દ્વારા કરાયેલી દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
સજ્જન કુમારને સજા ફટકારતા હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, “ઘણા દાયકાઓથી લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ તપાસ એજન્સીઓની નાકામી છે કે અત્યારસુધી આ મામલે કઈ થઇ શક્યું નથી”.
સજ્જન કુમાર પર અપરાધિક ષડયંત્ર રચવું, હિંસા અને રમખાણો ભડકાવવાના આરોપ છે.
શું છે આ મામલો ?
આ મામલો વર્ષ ૧૯૮૪મા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજધાની દિલ્હીની છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતા.