- સુપ્રીમની ફટકારની થઈ અસર
- SBIએ ECને આપી ઈલેક્ટોરલ બોન્ડની વિગતો
- SBIએ કહ્યું 22,217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા
- જેમાથી 22,030 બોન્ડ વટાવવામાં આવ્યા છે.
ઈલેક્ટોરલ બોન્ડના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે, 15 ફેબ્રુઆરીએ તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. આને ભારતીય બંધારણની કલમ 19 હેઠળ આપવામાં આવેલા ‘માહિતીના અધિકાર’નું ઉલ્લંઘન માનવામાં આવતું હતું.આ પછી SBIને 6 માર્ચ સુધીમાં આ સંબંધિત તમામ ડેટા ચૂંટણી પંચને સોંપવા માટે કહેવામાં આવ્યું હતું.પરંતુ SBIએ આ કામ કરવામાં અસમર્થતા દર્શાવી હતી અને સુપ્રીમ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમયગાળો માંગ્યો હતો.પરંતુ સુપ્રીમ કોર્ટે અહીં કડક વલણ અપનાવ્યું હતું.ત્યારે દેશની સૌથી મોટી બેંક SBIની અનિચ્છા છતાં તેણે હવે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ ડેટા સોંપી દીધા છે. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા SBIને આ માટે 12 માર્ચ સુધીનો સમય આપ્યો હતો અને હવે ચૂંટણી પંચે આ તમામ ડેટા પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે.
તો સુપ્રીમ કોર્ટે SBIના કોઈ બહાના માન્ય રાખ્યા ન હતા તેના કારણે SBIએ તાત્કાલિક વિગત આપવી પડી છે.એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કોમ્પ્લાયન્સ એફિડેવિટ પણ આપ્યું હતું.અને SBIએ જણાવ્યું કે 22,217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યાં હતા જેમાંથી 22,030 બોન્ડ વટાવવામાં આવ્યા છે.અને આ ડિટેલ 1 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધીની છે.
SBIએ આપેલી જાણકારી અનુસાર 1 એપ્રિલ 2019થી 11 એપ્રિલ 2019 સુધી 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 1609 બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા એટલે કે વટાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત 12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં કુલ મળીને 18,871 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.તેમાંથી 20,421 બોન્ડને વટાવવામાં આવ્યા હતા. એસબીઆઈ પાસેથી કુલ 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને 22,030 બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા.
જોકે શરૂઆતમાં SBIએ જૂન મહિના સુધીનો સમય માગ્યો હતો, પરંતુ સુપ્રીમે કડક શબ્દોમાં બેન્કની ઝાટકણી કાઢી ત્યાર પછી બે દિવસની અંદર વિગતો આપી દેવાઈ છે.SBIના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે, તેમણે ચૂંટણી પંચને દરેક બોન્ડ ખરીદવાની તારીખ, ખરીદનારનું નામ અને ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની વેલ્યૂ વિશે જાણકારી આપી દીધી છે.એટલું જ નહીં, બેંકે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ વટાવવાની તારીખ, બોન્ડથી નાણાં મેળવનાર રાજકીય પક્ષનું નામ પણ જણાવ્યા છે.
તો SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ કહ્યું કે “અમે દેશની સર્વોચ્ચ કોર્ટના આદેશનું પાલન કર્યું છે.અમે પેન ડ્રાઈવમાં બે ફાઈલ ECIને આપી છે.એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. એમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે.તો બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને એન્કેસ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.પરબીડિયામાં 2 PDF ફાઇલો પણ છે, અને આ પીડીએફ ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, એને ખોલવાનો પાસવર્ડ પણ એમાં આપવામાં આવ્યો છે. SBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જે પક્ષકારોએ 15 દિવસની વેલિડિટીની અંદર ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરાવ્યા નથી તેમની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને દાન તરીકે મોટી રકમ મળતી હતીત્યારે ADRએ તેમની માન્યતા પર સવાલ ઉઠાવતી અરજી દાખલ કરી હતી.તો SBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બોન્ડ નંબર જેવી કેટલીક અન્ય માહિતી ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં આવી છે, જ્યારે બોન્ડ ખરીદનારાઓના નામ અને KYC જેવી માહિતી ફિઝિકલ રીતે રાખવામાં આવી છે.તમામ માહિતી ડિજીટલ રીતે રાખવામાં આવી નથી, જેથી તેને સરળતાથી એક્સેસ કરી શકાય નહીં. આ માટે કોઈ સેન્ટ્રલ ડેટાબેઝ બનાવ્યો નથી.SBIના જણાવ્યા અનુસાર, બોન્ડ ખરીદનારા દાતાઓની વિગતો SBI શાખામાં સીલબંધ કવરમાં રાખવામાં આવી હતી, જ્યાંથી તેઓ મુંબઈની મુખ્ય શાખામાં જમા કરવામાં આવ્યા. કોઈપણ પાર્ટીએ આ બોન્ડને કોઈપણ શાખામાંથી રોકડ કર્યા, તો બોન્ડ્સ, પે-ઈન સ્લિપ જેવી તેમની માહિતી પણ તે શાખામાંથી સીલબંધ પરબિડીયાઓમાં મુંબઈની મુખ્ય શાખામાં મોકલવામાં આવી.જો કે, દાતાઓ અને પાર્ટીઓની માહિતી મુંબઈની મુખ્ય શાખામાં અલગ-અલગ રાખવામાં આવી છે, જેથી દાતાઓની ગુપ્તતા જળવાઈ રહે.
SBIએ કહ્યું છે કે દાતાઓની વિગતો આપવા માટે, તેમણે દરેક બોન્ડની ઇશ્યૂની તારીખને ચોક્કસ દાતા દ્વારા બોન્ડની ખરીદીની તારીખ સાથે મેચ કરવી પડશે.આ પછી પક્ષકારો દ્વારા રોકડ કરવામાં આવેલા બોન્ડની વિગતો સાથે મેચ કરવાની રહેશે.SBI મુજબ 12 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં 22,217 ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ થયા અને એટલા જ રોકડ કરવામાં આવ્યા, એટલે કે કુલ 44,434 ઇન્ફોર્મેશનને ડીકોડ, કમ્પાઈલ અને સરખામણી કરવાના છે. બંને માહિતીને મેચ કરવી એ એક જટિલ પ્રક્રિયા છે, તેથી આમાં સમય લાગશે.
આ અંગે અર્થશાસ્ત્રીને પુછતા તેઓ કહે છે કે SBI માટે ડેટા મેઇન્ટેન કરવો નાની બાબત છે.તેઓ કહે છે કે SBIએ આટલો સમય માગવાનો તર્ક હું સમજી શકતો નથી.આજે મોટા ભાગના વ્યવહારો ડિજિટલ છે. તેનો રેકોર્ડ ઓટોમેટેડ છે.SBI 4-5 વર્ષ પહેલા જાણતી હતી કે આ રેકોર્ડ્સ આપવા પડશે.અને ‘જો SBIએ આ રેકોર્ડ રાખ્યો નથી, તો તેણે પહેલાથી જ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. જો કે હું માનતો નથી કે SBI પાસે આ ડેટા નથી.SBIમાં દરરોજ લાખો ટ્રાન્ઝેક્શન થાય છે, જેનો રેકોર્ડ બેંક પાસે રાખવામાં આવે છે.થોડા હજાર બોન્ડ્સ માટે 4-5 વિશ્લેષકોની નિમણૂક કરીને ડેટા એકત્રિત કરવું સરળ છે.’તેમણે વધુમાં ક્હ્યું કે ‘શું 4 મહિના, આ 4 દિવસમાં થવાની વાત છે.SBI માટે રેકોર્ડ રાખવા એ નાની બાબત છે.SBI ડેટા નથી આપી રહી કારણ કે તેમના પર રાજકીય દબાણ છે.આ ઘટસ્ફોટના કારણે તેમણે ચૂંટણી પહેલા આવા સવાલોના જવાબ આપવા પડશે, જેના જવાબ તેઓ આપવા માગતા નથી.’
તો SBI કહ્યું હતું કે અમને બોન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ એમાં થોડો સમય જોઈએ છે.ત્યારે એના પર CJI ડીવાય ચંદ્રચૂડે પૂછ્યું હતું કે તમે છેલ્લી સુનાવણી 15 ફેબ્રુઆરી થી 26 દિવસમાં શું કર્યું? ત્યારે હવે આપને જણાવી દઈએ કે ઈલેક્ટોરલ બોન્ડ શું છે.. અને તેનો વિવાદ શું છે. તો 2017ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી.અને કેન્દ્ર સરકારે એને 2 જાન્યુઆરી 2018ના રોજ સૂચિત કર્યું હતું.આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે.જો તમે એને ખરીદવા માગો છો તો તમને એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયત કરેલી શાખામાં મળશે.ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે. માત્ર તે પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.
હવે એ જાણી લઈએ કે ઈલેક્ટોરલ બોન્ડનો વિવાદ કેમ થયો છે… તો 2017માં અરુણ જેટલીએ એને રજૂ કરતી વખતે દાવો કર્યો હતો કે તે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે અને કાળાં નાણાં પર અંકુશ આવશે.ત્યારે બીજી તરફ, એનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે એ ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે છે.
બાદમાં આ યોજનાને 2017માં જ પડકારવામાં આવી હતી.પરંતુ સુનાવણી 2019માં શરૂ થઈ હતી. અને 12 એપ્રિલ, 2019ના રોજ, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે, 2019 સુધીમાં ચૂંટણીપંચને એક પરબીડિયામાં ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી સબ્મિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.જોકે કોર્ટે આ યોજનાને અટકાવી ન હતી.
પાછળથી ડિસેમ્બર, 2019માં પિટિશનર એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી, જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણીપંચ અને રિઝર્વ બેંકની ઈલેક્ટોરલ બોન્ડ યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી.
આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ
આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન
આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…
આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો