શિયાળામાં મળતા તાજા અને લીલા વટાણામાંથી ઘણા પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે. સવારથી લઈને સાંજ સુધી વટાણાનો ઉપયોગ નાસ્તાથી લઈને શાક અને પરાઠા સુધી કરવામાં આવે છે. લીલા વટાણામાંથી ઘણા પ્રકારના નાસ્તા બનાવવામાં આવે છે.
લીલા વટાણામાંથી બનતા સ્વાદિષ્ટ નમકીન
સામગ્રીઃ 250 ગ્રામ વટાણા, એક નાની ચમચી લાલ મરચું પાવડર, એક નાની ચમચી આમચૂર પાવડર, કાળા મરી પાવડર, ચાટ મસાલો, અડધી ચમચી બેકિંગ સોડા, મીઠું સ્વાદ અનુસાર અને તળવા માટે તેલ
રીતઃ લીલા વટાણાના નમકીન બનાવવા માટે તેને છોલીને સ્વચ્છ પાણી થી ધોઈ લો. પછી વટાણાના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. જે પાણીમાં વટાણા પલાળી રહ્યા છો, તેમાં બેકિંગ સોડા પણ નાખો. તેનાથી વટાણા વધારે કરકરા થઇ જાય છે. બીજા દિવસે સવારે વટાણા પાણીમાંથી બહાર કાઢી લો અને કુકરમાં નાખીને 1 સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. વટાણાને થોડા પોચા થાય ત્યાં સુધી ઉકાળો, તેને એકદમ ઓગાળી દેવાના નથી. પછી વટાણાને કાઢીને કોઈ સ્વચ્છ કપડાં પર સુકવી લો. તે સુકાયા પછી કડાઈમાં તેલ ગરમ કરો. વટાણાને તેલમાં તળતા સમયે આંચને ફૂલ કરી દો. જયારે વટાણા તળાવા લાગે ત્યારે આંચ ધીમી કરી દો. વટાણા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને કડાઈમાંથી બહાર કાઢી લો. વટાણાના દાણાને એક મોટી થાળી અથવા વાસણમાં રાખો. તળેલા વટાણા પર કાળા મરી, મીઠું, ધાણા પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર વગેરે નાખીને સારી રીતે મિક્સ કરો. આ રીતે કરકરા અને ચટપટા વટાણાનું નમકીન તૈયાર થઈ જશે. તેને સાંજની ચા સાથે સર્વ કરો.