Gujarat Weather News: રાજ્યમાં ધ્રુજાવી નાંખે તેવી ઠંડી વચ્ચે વરસાદનું આગમન થઈ ગયું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં માવઠાની શરૂઆત થઈ ગઈ છે. તેમજ આગામી 4 દિવસ કમોસમી વરસાદની ભારે સંભાવના હોવાથી તંત્રએ ખેડૂતોને અને ખેત બજાર સમિતિઓને ખેત પેદાશોની સાચવણી અંગે તાકિદ કરી છે.
નર્મદામાં વરસાદની શરૂઆત
હવામાન વિભાગે 24 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરી હતી ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કેવડિયાની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
માવઠાના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
વરસાદ પડવાના કારણે અગમચેતી રૂપે ગાંધીનગર ડિઝાસ્ટર મામલતદાર દ્વારા ખેડૂતોને ખેતીના પાકોના જથ્થાને સાચવવા એલર્ટ કર્યા છે. કચ્છનું દીવ 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. નલિયામાં 10.3 તાપમાન પહોંચ્યું છે જ્યારે અમદાવાદ અને અમરેલીમાં 13 ડિગ્રી અને વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ રાજકોટમાં 11.2, ગાંધીનગરમાં 11.5, ભૂજમાં 11.8, સુરેન્દ્રનગરમાં 12.5 તાપમાન નોંધાયુ છે.
ખેડૂતોને કરાયા એલર્ટ
માવઠાને કારણે ખેત પેદાશો નાશ પામશે તેવી ભારે સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ ખેડૂતોમાં પાક નષ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રએ APMC બજારો તેમજ ખેડૂતોને પાક ખુલ્લામાં ન મૂકવા અપીલ કરી છે. સાથે સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે.
દક્ષિણ ગુજરાતથી ટ્રફની લાઈન પસાર થવાથી માવઠાની સ્થિતિ સમગ્ર રાજ્યમાં સર્જાશે તેવું જણાઈ રહ્યું છે. તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહાસાગર વગેરે જીલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ સહિત જીલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ટ્રફની અસર વર્તાશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત તટીય ક્ષેત્રોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: