@પ્રફુલ્લ ત્રિવેદી
Ahmedabad News: અમદાવાદમાં ટીડીઓ-એસ્ટેટ ખાતામાં વ્યાપેલા વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ઠેરઠેર ગેરકાયદે બાંધકામો ધમધમી રહ્યા છે. ગેરકાયદે બાંધકામો અટકાવવાની તેમની કોઈ ફરજ જ ના હોય તે રીતે બાંધકામના હપ્તા લઈ આંખ આંડા કાન કરે છે. એમા પણ પૂર્વઝોનના વિસ્તારોમાં રહેણાક કોમર્સિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના બાંધકામો પ્લાન પાસ કરાવ્યા વગર જ અથવા પ્લાન પાસ કરાવ્યો હોય તો માર્જિનમાં મોટાપાયે ઘાલમેલ કરનારા ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. પાર્કિગના ભોંયરાઓમાં પણ ઠેરઠેર દુકાનો અને ઓફિસો થઈ ગઈ છે.
ડેપ્યુટી ટીડીઓ જેવા જવાબદાર અધિકારીઓ પણ ગેરકાયદે બાંધકામોની ફરિયાદ કરનારાઓને ઉડાઉ જવાબ આપે છે. જ્યારે ઇન્સ્પેક્ટરો-સબઇન્સ્પેક્ટરો ગેરકાયદે બાંધકામો કરનારા અને ખોટી રીતે પ્લાન પાસ કરાવનારાઓની તરફદારી કરતાં ફરે છે. ક્યારેક તો અરજીઓ કરનારા સાથે ભળી જઈને મોટી બેનામી કમાણી કરાવે છે અને કરે છે.
ગુજરાતમાં અમદાવાદના છ લાખથી વધુ ગેરકાયદે બાંધકામોના કારણે જ શરમજનક ગણાતી ઇમ્પેક્ટ ફીની યોજના દસ વર્ષના અંતરે ત્રણ વખત રાજ્ય સરકારને લાવવી પડી છે. દેશનું એવું બીજું કોઈ રાજ્ય નથી જ્યાં ત્રણ-ત્રણ વખત ઇમ્પેક્ટ ફી લાવવી પડી હોય. ઇમ્પેક્ટ ફીની કટ ઓફ ડેટ બાદ પણ ગેરકાયદે બાંધકામો ધમધમતા હોય છે. ઉચ્ચ અધિકારીઓ પણ આ અંગે સમીક્ષા બેઠકમાં ક્યારેય ટીડીઓ ખાતાના ડેપ્યુટી અધિકારીઓનો કે ઝોનના ડેપ્યુટી કમિશ્નરોનો જવાબ લેતા હોતા નથી, જેના કારણે સૌને ફાવતું જડ્યું છે અને કોઇને કોઈ કહેવાવાળું જ ના હોય તેવી બેફામ સ્થિતિ પેદા થઈ છે.
પૂર્વઝોન હેઠળના તમામ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થાય છે એ તો ઠીક બીયુ પરમિશન વગર જ પ્લાન પાસ કરાવેલા બિલ્ડિંગોમાં દુકાન-ફ્લેટોના પઝેશન પણ આપી દેવાય છે. બીયુ વખતે જરૂરી વૃક્ષારોપણ કે પર્કોલેટિંગ વેલની પણ પૂરતી તપાસ થતી નથી. માર્જિનમાં થયેલા બાંધકામ કે ઉપરથી વધુ માળ ખેંચી લેવાયા હોય તો પણ તેની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. પૂર્વઝોનના ટીડીઓ વિભાગ સામે ઉચ્ચ અધિકારીઓ અને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ પુરાવા સાથે રજૂઆત થનાર હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ
આ પણ વાંચો:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત
આ પણ વાંચો:IPLની આ મિસ્ટ્રી ગર્લ કોણ છે, જેના પર GTનો કેપ્ટન શુબમન ગિલ પણ થયો ફિદા
આ પણ વાંચો:ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફૂડપોઈઝનિંગમાં 200થી વધુ લોકોને થઈ અસર