ભુજ/ બિલાડી અને કૂતરા અહીં બગીચામાં હળીમળીને રહે છે

ઉપેન્દ્રભાઈ ગોસ્વામી માને છે કે તેની મોટી બહેન મીનાક્ષી, જે વર્ષ 1990ના અંતમાં 18 વર્ષની વયે મૃત્યુ પામી હતી અને બિલાડીઓને પ્રેમ કરતી હતી, તે પરિવારમાં પરત આવી છે.

Gujarat Ajab Gajab News Trending
કેટ ગાર્ડન

ગાંધીધામમાં રહેતા ઉપેન્દ્રભાઈ ગોસ્વામી કે જેઓ વ્યવસાયે કસ્ટમ હાઉસ એજન્ટ છે તેઓએ પોતાના ઘરે 200 જેટલી બિલાડીઓ તેમજ 6 કૂતરાઓ પણ પાળવામાં આવ્યા છે. આમ તો વર્ષ 2015થી જ ઉપેન્દ્રભાઈ ગોસ્વામીએ બિલાડીઓ પાળવાનું શરુ કર્યું હતું ધીમે ધીમે બિલાડીની સંખ્યા વધતા 2017માં તેમણે પોતાના ઘરની બાજુમાં જ 500 ચોરસ યાર્ડના પ્લોટમાં બિલાડીઓ માટે કેટ ગાર્ડન બનાવ્યું હતું.

પોતાની સ્વર્ગસ્થ બહેન બિલાડીનાં સ્વરૂપમાં પાછી આવી એવી માન્યતા

વર્ષ 2012માં એક બિલાડી તેમના ઘરે આવી અને તેની પ્રવૃત્તિઓએ તેમને અને સમગ્ર પરિવારને ખાતરી આપી કે તે તેની બહેન છે જે તેમની પાસે બિલાડીના સ્વરૂપમાં પાછી આવી હતી. ઉપેન્દ્રભાઈ ગોસ્વામી માને છે કે તેની મોટી બહેન મીનાક્ષી, જે વર્ષ 1990ના અંતમાં 18 વર્ષની વયે મૃત્યુ પામી હતી અને બિલાડીઓને પ્રેમ કરતી હતી, તે પરિવારમાં પરત આવી છે.

200 બિલાડીની સાથે 6 જેટલા કૂતરાઓ પણ અહીં બગીચામાં હળીમળીને રહે છે.

કુતરા અને બિલાડી એકબીજાના કટ્ટર દુશ્મન કહેવાય છે. પરંતુ અહીં આ કેટ ગાર્ડનમાં 200 બિલાડીની સાથે 6 જેટલા કૂતરાઓ પણ અહીં બગીચામાં હળીમળીને રહે છે. અને એક જ બાઉલમાં સાથે જમતા અને રમતા પણ જોવા મળે છે.

28 જેટલી Persian જાતિની બિલાડીઓ પણ છે

છેલ્લાં 3 વર્ષથી અહીં અનેક બિલાડીઓ વસવાટ કરી રહી છે અને હાલમાં 200 કરતા પણ વધારે બિલાડીઓ અહીં છે ઉપરાંત કેટલીક બિલાડીઓ મૃત્યુ પણ પામી છે. મૃત્યુ પામેલ બિલાડીઓ માટે સમાધિ સ્થળ પણ બનાવવામાં આવ્યું છે. 200 બિલાડીઓ પૈકી ઉપેન્દ્રભાઈ ગોસ્વામી પાસે 28 જેટલી Persian જાતિની બિલાડીઓ છે જ્યારે અન્ય ઇન્ડિયન બ્રીડની બિલાડીઓ છે.

બિલાડીઓની દેખરેખ પાછળ દર મહિને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ

ઉપેન્દ્ર ગોસ્વામી અને તેમની પત્ની પૂજા ગોસ્વામી દરરોજ તેમની 200 બિલાડીઓનું ધ્યાન રાખે છે. ઉપેન્દ્રભાઈ ગોસ્વામીના પત્ની પૂજા એક શાળામાં આચાર્ય છે તેમને જણાવ્યું હતું કે, બિલાડીઓને ખવડાવવા માટે સવારે 5 વાગ્યે ઉઠવું પડે છે અને બપોરે 1.30 વાગ્યે ઘરે પરત ફર્યા બાદ પણ તેમના ખોરાક, તેમના સ્વાસ્થ્ય અને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. ઉપરાંત બિલાડીની તમામ તબીબી જરૂરિયાતો માટે તથા નિષ્ણાતોની સલાહ માટે અમદાવાદ પણ લઈ જવામાં આવે છે. આ ઉપરાંત આ દંપતી દ્વારા દર મહિને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ બિલાડીની દેખરેખ પાછળ કરવામાં આવી રહ્યું છે.

દર રવિવારે મુલાકાતીઓ માટે આ કેટ ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવે છે

ઉપેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા દર રવિવારે મુલાકાતીઓ માટે આ કેટ ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવે છે અને જેમાં મુલાકાતીઓ બિલાડીનાં ખોરાક માટે પોતાનું યથાશક્તિ ફાળો આપી શકે છે જે મરજિયાત છે.

બિલાડીઓ માટે જુદી જુદી સુવિધાઓ ઊભી કરવામાં આવી

બિલાડીઓ માટે 16 જેટલા હરવા ફરવા અને બેસવા માટેના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે ઉપરાંત 6 જેટલા પલંગ બનાવવામાં આવ્યા છે. 12 જેટલા પ્રસૂતિ ગૃહ બનાવવામાં આવ્યા છે. બિલાડીઓ માટે 2 એર કન્ડીશનર તથા 7 પંખાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!