Day Special


વીરેન્દ્ર સેહવાગ | ભારતીય ક્રિકેટર

આજે વીરેન્દ્ર સેહવાગનો જન્મદિવસ  છે. 1978ની 20મી ઓક્ટોબરે દિલ્હીમાં તેનો જન્મ થયો હતો. તે દિલ્હીના નજફગઢનો રહેવાસી છે અને તેથી જ તેને નજફગઢનો સેહવાગ કહેવાય છે. આ ઉપરાંત તેણે પાકિસ્તાન સામે મુલતાન ખાતે ત્રેવડી સદી ફટકારી હોવાથી તેને મુલતાનનો સુલતાન પણ કહેવામાં આવે છે.

સેહવાગે એવી સિદ્ધિ હાંસલ કરેલી છે જે સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્ગવિડ, વીવીએસ લક્ષ્મણ કે સૌરવ ગાંગુલી પણ કરી શક્યા નથી. તે તમામ પાસેથી આવી અપેક્ષા રખાતી હતી પરંતુ આ તમામ ધુરંધરો નિષ્ફળ રહ્યા અને સેહવાગે આ કરી દેખાડ્યું હતું. આ સિદ્ધિ એટલે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવી. વીરેન્દ્ર સેહવાગે એક વાર નહીં પણ બે બે વાર ટેસ્ટ ક્રિકેટમાં 300થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો. આ ઉપરાંત પહેલી વાર પાકિસ્તાન સામે તેણે 300 રન કર્યા ત્યારે સિક્સર ફટકારીને પૂરા કર્યા હતા.

આમ સિક્સર સાથે 300 રન પૂરા કરનારો તે દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. સેહવાગે તેની કરિયરમાં એક વાર સદી, બેવડી સદી અને ત્રેવડી સદી સિક્સરથી પૂરી કરી છે. વીરેન્દ્ર સેહવાગ ક્યારેય હરીફ બોલરથી ડરતો ન હતો. ઓસ્ટ્રેલિયામાં એક વાર મેલબોર્ન ખાતેની ટેસ્ટમાં તે 195 રનના સ્કોરે હતો ત્યારે પણ સિક્સર ફટકારવાના પ્રયાસમાં તેણે વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ સિક્સર ફટકારવાની લાલચ રોકી શક્યો ન હતો.

સેહવાગે તેની ઇન્ટરનેશનલ કરિયરમાં 17253 રન અને 136 વિકેટ લીધી હતી. તેણે 2001માં તેની કરિયરનો પ્રારંભ કર્યો ત્યારે તે ઓપનર ન હતો. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં તેને પાંચમા ક્રમે રમવાની તક મળી અને સચિન તેંડુલકર સાથે મળીને સદીની ભાગીદારી કરવા ઉપરાંત તેણે ટેસ્ટ કરિયરના પ્રારંભે જ સદી ફટકારી દીધી હતી. વીરેન્દ્ર સેહવાગ ભારત માટે 104 ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે 8586 રન, 23 સદી અને 32 અડધી સદી ફટકારી હતી.

સેહવાગને 2009માં વિઝડનના ટોચના ક્રિકેટરનો એવોર્ડ મળ્યો હતો તો 2010માં પણ આ એવોર્ડ તેને જ મળ્યો હતો અને એ જ વર્ષે તે આઇસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. ભારતે 2011માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યારે ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં તેણે 175 રન ફટકારી દીધા હતા. 2011ની આઠમી ડિસેમ્બરે સેગવાગે વેસ્ટ ઇન્ડિઝ સામે ઇન્દોર ખાતેની વન—ેમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી જે વન-ડે ઇતિહાસમાં સચિન તેંડુલકર બાદ માત્ર બીજી જ બેવડી સદી હતી.

More Day Special


Top Stories


Photo Gallery