મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજીની 150મી જન્મજ્યંતીની ઉજવણીના વર્ષે આજે ગાંધી જ્યંતી નિમિત્તે ખાદી વસ્ત્ર ખરીદ કરીને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો.
વિજયભાઈ રૂપાણીએ 2 ઓક્ટોબર 2018 ગાંધી જ્યંતીએ અમદાવાદના ગ્રામશિલ્પ ખાદી હાટમાં જઈને ખાદી ખરીદી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર વર્ષે ગાંધી જ્યંતીએ ખાદી ખરીદી દ્વારા દરિદ્રનારાયણના ઘરમાં આર્થિક આધાર આપવાની શરૂ કરેલી પરંપરામાં મુખ્યમંત્રીએ પણ આજે ખાદી ખરીદી કરી પોતાનું યોગદાન આપ્યું છે.
ગુજરાતમાં 2 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી વસ્ત્રમાં 20 ટકા અને ખાદી વણાટ કરનારા કારીગરોને 5 ટકા વિશેષ વળતર સરકારે જાહેર કર્યું છે.
વિજયભાઈએ ખાદી વસ્ત્ર નહીં વિચાર છે, તેવો મત વ્યક્ત કરતા કહ્યું કે, ગાંધીજીએ સ્વદેશીની જે હિમાયત કરી હતી, તેમાં આ ખાદી એ ગરીબ પરિવારોને આજીવિકા અને આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનોને વર્ષમાં એક વાર ખાદી ખરીદીની અપીલ કરતા કહ્યું કે, આ જ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે.
મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, ખાદીમાં હવે સમયાનુકુળ નવી નવી ડિઝાઈન અને ફેશન પ્રમાણેના વસ્ત્રો પણ ઉપલબ્ધ છે, ત્યારે ખાદીની વ્યાપક ખરીદી સૌ કરે અને ગરીબના પરિવારમાં આર્થિક આધાર બને.