Not Set/ સિંહ બાળનું શંકાસ્પદ હાલતમાં મોત, પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યો મૃતદેહ

ગિર સોમનાથના ખિલાવડમાં એક સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યો હતો. જેના કારણે સિંહ સંરક્ષણ અંગેની વન વિભાગની કાર્યવાહી સામે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. એશિયાટિક સિંહનું એક માત્ર રહેઠાણ માત્ર ગુજરાતના ગિરના જંગલમાં આવેલું છે. આ ગિરનું જંગલ અંદાજે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ […]

Top Stories Gujarat Others Trending
Suspicious death of lions child body found in plastic bag at Gir Somnath

ગિર સોમનાથના ખિલાવડમાં એક સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યો હતો. જેના કારણે સિંહ સંરક્ષણ અંગેની વન વિભાગની કાર્યવાહી સામે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.

એશિયાટિક સિંહનું એક માત્ર રહેઠાણ માત્ર ગુજરાતના ગિરના જંગલમાં આવેલું છે. આ ગિરનું જંગલ અંદાજે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલું છે. ‘સિંહ-દર્શન’ માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે.

એશિયાટિક સિંહ અને જંગલના અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણની કામગીરી રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદે ‘સિંહ દર્શન’ની પ્રવૃતિ કરવાની અને સિંહ પજવણીના વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે. આ સંજોગોમાં આજે એક સિંહ બાળનો શંકાસ્પદ મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગિર સોમનાથ જિલ્લાના ખિલાવડ રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. લગભગ બે માસના આ ‘નર’ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યો હતો.

વન વિભાગના કર્મચારીઓ રાઉન્ડ પર હતા ત્યારે એક પ્લાસ્ટિકની થેલીમાં ‘સિંહ બાળ’ હોય તેવું તેમને દેખાયું હતું. જેના કારણે વન વિભાગના કર્મચારીઓએ આ મામલાની તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી એક આશરે બે મહિનાનું સિંહ બાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેવી રીતે પ્લાસ્ટિકની થેલીમાંથી આ સિંહ બાળનો મૃતદેહ મળ્યો છે, તેને જોતા વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ સિંહ બાળની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ‘સિંહ બાળ’ના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે જસાધાર ખસેડવામાં આવ્યો છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે, સિંહ બાળના મોતનું સાચુ કારણ શું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાસણમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આ સાથે ગિરના જંગલમાં ગેરકાયદે ‘સિંહ દર્શન’ કરાવવાની પ્રવૃત્તિ પણ ખૂબ વધી રહી છે. જેમાં કેટલાક સ્થાનિક લોકો થોડા પૈસાની લાલચે સિંહ દર્શન કરાવવા ગેરકાયદે પશુનું મારણ કરાવી લોકોને સિંહનો લાઈવ શિકાર પણ બતાવતા હોય છે.

આ ઉપરાંત કેટલીક વાર વાહનમાં બેસીને સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. જંગલ, સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષાની જવાબદારી વન વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ વારંવાર આવી અનેક ઘટના સામે આવતા વન વિભાગની બેદરકારી ખુલીને બહાર આવે છે.